ગુજરાત સહિત દેશના લાખો વિદ્યાર્થીઓ માટે રાહતરૂપ સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે 31 જુલાઈ પહેલા ધો.12ના પરિણામો જાહેર કરી દેવા તમામ રાજ્યોને આદેશ આપ્યો છે. પરીક્ષાના પરીણામો અંગે સુપ્રીમ સમક્ષ થયેલી ખાસ અરજી પરની સુનાવણી બાદ સુપ્રીમે તમામ રાજ્યોના શિક્ષણ બોર્ડને 31મી જુલાઈ પહેલા પરીણામો તૈયાર કરવાની પ્રક્રિયા પૂરી કરી લેવાની તાકીદ કરી છે.
10 દિવસમાં મુલ્યાંકન નીતિ અંગે પણ સ્પષ્ટતા કરવા સુપ્રીમે આદેશ આપ્યો છે. જો કે, મુલ્યાંકનની નીતિ અલગ અલગ રાખવાની રાજ્યોને આદેશ આપવાનો ઈન્કાર કરતા સુપ્રીમે ઠરાવ્યું હતું કે, દરેક રાજ્યોના શિક્ષણ બોર્ડ સ્વાયત છે અને મુલ્યાંકન નીતિ અંગે અથવા એ સમાન રાખવા બાદ હાલ કોઈ નિર્દેશ અપાશે નહીં.
કોરોનાની મહામારીને કારણે પરીક્ષાના કાર્યક્રમો ખોરવાયા હતા. તેવી જ રીતે પરીણામો અને મુલ્યાંકનની કામગીરી વિલંબીત થઈ હતી. હવે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હોવાથી ધો.12ના વિદ્યાર્થીઓને હાશકારો થયો છે અને તેમના પરીણામો સમયસર મળી જવાની શકયતા ઉભી થઈ છે. પરીણામો આવ્યા બાદ આગળના અભ્યાસ માટેની પ્રક્રિયા પણ વિદ્યાર્થીઓ સમયસર શરૂ કરી શકશે તેવી આશા રાખવામાં આવે છે. પરીણામો અંગેના મહત્વના આદેશની સાથે સાથે સુપ્રીમ કોર્ટે આંધ્રપ્રદેશ સરકારને એવી ચેતવણી આપી હતી કે, જો ધો.12ની પરીક્ષા આવી પરિસ્થિતિમાં લેવાશે અને જો એકપણ મૃત્યુ થયું તો તમામ જવાબદારી આંધ્રપ્રદેશ સરકારની રહેશે.
આની પહેલા કોર્ટે ભારતના દરેક રાજ્યના બોર્ડ માટે અસેસમેન્ટની એક જેવી સ્કીમ બનાવવા સંદર્ભે આદેશ જાહેર કરવાની ના પાડી દીધી હતી. કોર્ટે કહ્યું કે રાજ્ય અને તેમના બોર્ડ પોતાની નીતિ ઘડવા માટે સ્વતંત્ર છે. જેથી આ ક્ષેત્રે ટકોર કરવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટના વકીલ અનુભા સહાય શ્રીવાસ્તવે અરજી દાખલ કરીને માગ કરી હતી કે રાજ્ય બોર્ડના 12માં ધોરણની પરીક્ષાને સ્થગિત કરે. અરજી લાંબા સમયથી પેન્ડીંગ હતી.
આ સમય દરમિયાન રાજ્યએ પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો. 6 રાજ્યોમાં 12મા ધોરણની પરીક્ષા પહેલા જ થઈ ચૂકી છે. આન્ધ્ર પ્રદેશમાં આ નિર્ણય લેવાનો બાકી છે. તેવામાં અરજકર્તાએ કોર્ટમા માગ કરી કે તમામ પરીક્ષાઓ રદ કરીને અસેસમેન્ટની એક જેવી સ્કીમ બનાવવા માટે આદેશ જાહેર કરવો જોઇએ. ગત સપ્તાહે સીબીએસઈ બોર્ડના વર્ગ 12ના પરિણામો તૈયાર કરવા માટે બનાવવામાં આવેલી 13 સભ્યોની સમિતિએ સુપ્રીમ કોર્ટમાં પણ પોતાનો અહેવાલ આપ્યો હતો. જેમાં બોર્ડે પરિણામ જાહેર કરવાની ફોર્મ્યુલા વિશે જણાવ્યું હતું. બોર્ડના ડ્રાફ્ટ મુજબ 10માં, 11 અને 12માં ધોરણના પૂર્વ બોર્ડની પરીક્ષાના પરિણામોને ફાઇનલ રિઝલ્ટનો આધાર બનાવવામાં આવશે. બોર્ડે 31 જુલાઇએ પરિણામ જાહેર કરવાનું કહ્યું હતું. કોર્ટે બોર્ડના ડ્રાફ્ટને પણ મંજૂરી આપી દીધી હતી.
મુલ્યાંકનની પદ્ધતિ કેવી હોવી જોઈએ?
સીબીએસઈના 12મા ધોરણની માર્કશીટ તૈયાર કરવાના ફોર્મ્યુલા મુજબ, ધોરણ 10ના 5 વિષયોમાંથી 3 જેમાં વિદ્યાર્થીએ સૌથી વધુ ગુણ મેળવ્યા છે તે પરિણામ તૈયાર કરવા માટે પસંદ કરવામાં આવશે. તેવી જ રીતે 11મા વર્ગના પાંચેય વિષયોના સરેરાશ માર્ક્સ લેવામાં આવશે અને 12માં ધોરણના યુનિટ, ટર્મ અને પ્રેક્ટિકલમાં મેળવેલા માર્કસને પરિણામનો આધાર બનાવવામાં આવશે. 10માં અને 11માં ધોરણના માર્ક્સને 30-30% અને 12માં ધોરણના માર્ક્સને 40% ભારણ અપાશે. જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ઇચ્છે છે એમને પરિસ્થિતિ કાબૂમાં આવશે ત્યારપછી 15 ઓગસ્ટથી 15 ડિસેમ્બર વચ્ચે અલગથી પરીક્ષા આપવાની વ્યવસ્થા હાથ ધરાશે.