ફી ભરી દેનાર વિદ્યાર્થીઓને ફી પરત આપવામાં આવશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બે અઠવાડિયા પહેલા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૭૧.૩૪ ટકા પરિણામ આવ્યું હતું. ખાસ તો આ વર્ષે એ-૧ ગ્રેડ ધરાવનાર વિદ્યાર્થીની સંખ્યા પણ ઘટી હતી અને નાપાસ થનાર વિદ્યાર્થીની સંખ્યામાં પણ વધારો જોયો છે ત્યારે અગાઉ શિક્ષણ બોર્ડે જાહેર કર્યા મુજબ ૨૬ મે થી ૫ જૂન દરમિયાન નાપાસ થનાર વિદ્યાર્થીઓ પેપર અવલોકન કરાવી શકશે. જે ઓનલાઈન કરવું રહેશે. ત્યારે અગાઉના વર્ષમાં આ અવલોકનની ફી રૂા.૩૦૦ હતી જે હવે ઘટાડી માત્ર રૂા.૧૫૦ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ગઈકાલથી જ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પેપર અવલોકન રજિસ્ટ્રેશનની કામગીરી ઓનલાઈન શરૂ કરી દેવામાં આવી છે અને આ રજિસ્ટ્રેશનની કામગીરી આગામી તા.૫ જૂન સુધી ચાલનાર છે. વિદ્યાર્થીઓ આ વખતે લોકડાઉનના કારણે ઓનલાઈન શિક્ષણ બોર્ડની વેબસાઈટમાં જઈ પેપર અવલોકન રજિસ્ટ્રેશન કરી શકશે. જો કે, અગાઉ અવલોકન માટેની ફી રૂા.૩૦૦ હતી જે આજે શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે અને ઉત્તરવહી અવલોકનની ફી રૂા.૧૫૦ ઘટાડી દેવામાં આવી છે. એટલે હવે ઉત્તરવહી અવલોકન માટે વિદ્યાર્થીઓએ ફકત રૂા.૧૫૦ જ ચૂકવવાના રહેશે.
ગઈકાલથી અવલોકન રજિસ્ટ્રેશનની કામગીરી ચાલુ થઈ છે. આજ સુધીમાં મોટાભાગના વિદ્યાર્થીઓએ જેમા રજિસ્ટ્રેશન પણ કરાવી દીધું છે. જો કે હવે શિક્ષણ બોર્ડે ફી ઘટાડાની જાહેરાત કરી છે. એટલે હવે જે વિદ્યાર્થીએ ફી ભરી છે તેઓને ફી પરત આપી દેવામાં આવશે એવું પણ નક્કી કરવામાં આવ્યું છે.