પરીક્ષાનો કાર્યક્રમ આગામી દિવસોમાં જાહેર કરાશે: ધો.૧૦ અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ માટેની પુરક પરીક્ષા ૨૫મીથી યોજાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજય સરકાર દ્વારા કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાને લઈ ધો.૧૨ સામાન્ય પ્રવાહ માટેની પુરક પરીક્ષામાં એક વિષયનાં બદલે બે વિષયમાં નાપાસ થયેલા ઉમેદવારો માટે પુરક પરીક્ષા યોજવાનો નિર્ણય લીધો છે. આ બાબતને ધ્યાને લેતા ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં એક વિષયમાં નાપાસ ઉમેદવારોને બદલે બે વિષયમાં નાપાસ ઉમેદવાર માટે નવેસરથી ઓનલાઈન ફોર્મ ભરી અને નવેસરથી બેઠક વ્યવસ્થા ગોઠવવાની થાય તેમજ બે વિષયમાં નાપાસ ઉમેદવારોને પુરક પરીક્ષામાં તૈયારીનો સમય મળી રહે તે માટે ધો.૧૨ સામાન્ય પ્રવાહનાં અગાઉ જાહેર કરેલ પુરક પરીક્ષાની તારીખ ૨૩ ઓગસ્ટ ૨૦૨૦નો પરીક્ષાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા ધો.૧૨ સામાન્ય પ્રવાહ માટે નવી તારીખો અને તેનો કાર્યક્રમ હવે પછી થોડા દિવસોમાં જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, શિક્ષણ બોર્ડના સભ્યો ડો.પ્રિયવદન કોરાટે આ બાબતે અગાઉ અનેકવાર રજુઆત કરી હતી. જેવી રીતે ધો.૧૦ અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓને બે વિષયની પુરક પરીક્ષા આપવામાં આવે છે તેવી રીતે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં પણ વિદ્યાર્થીઓને એકને બદલે બે વિષયમાં પુરક પરીક્ષા આપવામાં આવે તો વિદ્યાર્થીઓનું વર્ષ બગડે નહીં અને તેઓ આગળ ભણી શકે. આ મામલે ડો.પ્રિયવદન કોરાટ દ્વારા અનેક રજુઆત બાદ આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ સામાન્ય પ્રવાહનાં વિદ્યાર્થીઓને પણ બે વિષયની પુરક પરીક્ષા આપવા મંજુરી આપી છે અને આ સાથે પ્રિયવદન કોરાટની રજુઆત સફળ પુરવાર થઈ હતી.
ધો.૧૦ અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે બે વિષયમાં નાપાસ થયેલા ઉમેદવારોની પુરક પરીક્ષા આગામી તા.૨૫મી ઓગસ્ટથી ૨૮મી ઓગસ્ટ સુધી યોજાવાની છે જોકે સામાન્ય પ્રવાહમાં આજે મહત્વપૂર્ણ નિર્ણય આવતા વિદ્યાર્થીઓને વાંચનનો સમય મળે તે માટે પરીક્ષાનો કાર્યક્રમ આગામી દિવસોમાં જાહેર કરાશે.