- સૌથી વધુ ડાંગ જિલ્લાનું 95.51 ટકા અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ: 2022માં ધો.12 સામાન્ય પ્રવાહનું 76.29 ટકા પરિણામ નોંધાયું હતું
- સુબીર, છાપી અને અલારસા કેન્દ્રનું 100 ટકા પરિણામ જ્યારે સૌથી ઓછું ડભોઇ કેન્દ્રનું 56.43 ટકા પરિણામ
- વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓનું પરિણામ 4.56 ટકા વધુ આવ્યું
- સુરત બાદ રાજકોટ જિલ્લામાં એ1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ
- ધો.12 વિજ્ઞાન પ્રવાહનું ચાલુ વર્ષે 72.02 ટકા પરિણામ આવ્યું હતું
માર્ચ-2022માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. છેલ્લા 10 વર્ષનું રેકોર્ડબ્રેક પરિણામ આવ્યું છે. ચાલુ વર્ષે ધો.12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ આવતા વિદ્યાર્થીઓ-વાલીઓ ખુશખુશાલ થઇ ગયા છે. વાત કરીએ તો રાજ્યમાં સૌથી વધુ ડાંગ જિલ્લાનું 95.51 અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ આવ્યું છે. આ ઉપરાંત સુબીર, છાપી અને અલારસા કેન્દ્રનું 100 ટકા પરિણામ જ્યારે સૌથી ઓછું ડભોઇ કેન્દ્રનું 56.43 ટકા પરિણામ આવ્યું છે. પરિણામ સારૂં આવતા રાજ્યભરની શાળાઓમાં વિદ્યાર્થીઓ-વાલીઓમાં આનંદનો માહોલ ફેલાયો છે. આજે સવારથી જ સ્કૂલોમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓએ શ્રેષ્ઠ પરિણામની ગરબે ઘૂમીને ઉજવણી કરી હતી.
ચાલુ વર્ષે ધો.12 સામાન્ય પ્રવાહમાં 3,37,540 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા. જે પૈકી 3,35,145 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને 2,91,287 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 86.91 ટકા આવેલ છે. જ્યારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 32,143 ઉમેદવારો નોંધાયેલા હતા. તે પૈકી 30,014 ઉપસ્થિત રહ્યા હતા. તે પૈકી 13,641 ઉમેદવાર સફળ થયા છે. આમ પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 45.45 ટકા આવેલ છે. આ પરીક્ષામાં 22,161 ખાનગી નિયમિત ઉમેદવારો નોંધાયા હતા. જે પૈકી 20,189 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને 9,877 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. ખાનગી નિયમિત ઉમેદવારોનું પરિણામ 48.92 ટકા આવેલ છે. અને અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ખાનગી પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 24,567 ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી 22,851 ઉપસ્થિત રહ્યા હતા તે પૈકી 10,700 ઉમેદવાર સફળ થયા છે. આમ ખાનગી પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 46.83 ટકા આવેલ છે.
જિલ્લા પ્રમાણે વાત કરીએ તો અમદાવાદનું 79.87 ટકા, અમરેલીનું 81.92 ટકા, કચ્છનું 91.24 ટકા, ખેડાનું 79.15 ટકા, જામનગરનું 89.39 ટકા, જૂનાગઢનું 86.50 ટકા, ડાંગનું 95.41 ટકા, પંચમહાલનું 86.07 ટકા, બનાસકાંઠાનું 93.65 ટકા, ભરૂચનું 84.92 ટકા, ભાવનગરનું 93.09 ટકા, મહેસાણાનું 87.86 ટકા, રાજકોટનું 88.72 ટકા, વડોદરાનું 76.49 ટકા, વલસાડનું 83.50 ટકા, સાબરકાંઠાનું 90.19 ટકા, સુરતનું 87.52 ટકા, સુરેન્દ્રનગરનું 91.23 ટકા, દમણનું 82.71 ટકા, આણંદનું 84.91 ટકા, પાટણનું 88.85 ટકા, નવસારીનું 84.67 ટકા, દાહોદનું 87.36 ટકા, પોરબંદરનું 85.30 ટકા, નર્મદાનું 80.07 ટકા, ગાંધીનગરનું 87.84 ટકા, તાપીનું 87.16 ટકા, અરવલ્લીનું 90.86 ટકા, બોટાદનું 93.87 ટકા, છોટા ઉદેપુરનું 90.58 ટકા, દ્વારકાનું 91.16 ટકા, ગીર સોમનાથનું 89.61 ટકા, મહિસાગરનું 92.77 ટકા, મોરબીનું 89.20 ટકા, દીવનું 94.85 ટકા પરિણામ આવ્યું છે.
1064 સ્કૂલોનું 100 ટકા પરિણામ
ચાલુ વર્ષે સુબીર, છાપી અને અલારસા કેન્દ્રમાં 100 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછું પરિણામ લાવનારું કેન્દ્ર ડભોઇ છે. જેમાં માત્ર 56.43 ટકા જ પરિણામ આવ્યું છે. જ્યારે એક જ સ્કૂલનું પરિણામ 10 ટકા કરતા ઓછું આવ્યું છે. 1064 સ્કૂલોમાં 100 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓનું પરિણામ 4.56 ટકા વધુ આવ્યું છે.
રાજકોટ જિલ્લાનું 88.72 ટકા પરિણામ
રાજકોટ જિલ્લાનું 88.72 ટકા શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 99.34 ટકા વાંગધ્રા કેન્દ્રનું અને સૌથી ઓછું રાજકોટ સેન્ટ્રલ જેલનું 0 ટકા પરિણામ છે. રાજકોટ સેન્ટ્રલ જેલમાં એક કેદીએ પરીક્ષા આપી હતી અને તે પણ નાપાસ થતાં શૂન્ય પરિણામ આવ્યું છે. રાજકોટ જિલ્લામાં એ1 ગ્રેડમાં 402 વિદ્યાર્થીઓ, એ2 ગ્રેડમાં 2558 વિદ્યાર્થીઓ, બી1 ગ્રેડમાં 4166 વિદ્યાર્થીઓ, બી2 ગ્રેડમાં 4876 વિદ્યાર્થીઓ, સી1 ગ્રેડમાં 3811 વિદ્યાર્થીઓ, સી2 ગ્રેડમાં 1562 વિદ્યાર્થીઓ, ડી1 ગ્રેડમાં 12 વિદ્યાર્થીઓ અને ઇ1 ગ્રેડમાં 3 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
સોમવારે ધો.10નું પરિણામ જાહેર થશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું હતું. હવે સોમવારે ધો.10નું પરિણામ જાહેર થશે. ધો.10માં અંદાજિત 9.70 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજે ધો.12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયા બાદ સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓએ પોતાની માર્ક્સશીટ મેળવી હતી. ધો.10નું પરિણામ સોમવારે જાહેર થશે ત્યારબાદ જે-તે સ્કૂલમાંથી વિદ્યાર્થીઓએ પોતાની માર્ક્સશીટ મેળવવાની રહેશે.
ગેરરીતીના 2544 કેસો નોંધાયા
ચાલુ વર્ષે લેવાયેલી ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં કુલ 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં આ વર્ષે સીસીટીવીની બાજ નજર વિદ્યાર્થીઓ પર રાખવામાં આવી હતી અને આ વર્ષે કુલ 2544 જેટલા વિદ્યાર્થીઓ કોપી કેસ કરતા હોવાનું બહાર આવ્યું છે.
2092 વિદ્યાર્થીઓએ અ1, 25432 વિદ્યાર્થીઓએ અ2, 63472 વિદ્યાર્થીઓએ ઇ1 અને 85507 વિદ્યાર્થીઓએ ઇ2 ગ્રેડ મેળવ્યો
વર્ષ ટકાવારી
2011 76.84 ટકા
2012 69.29 ટકા
2013 66.43 ટકા
2014 66.27 ટકા
2015 54.80 ટકા
2016 54.62 ટકા
2017 56.82 ટકા
2018 55.55 ટકા
2019 73.27 ટકા
2020 76.27 ટકા
2021 100 ટકા
(માસ પ્રમોશન)