રાજકોટ જિલ્લામાં ૫૩૮૦૩ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા
૨૦૨૦થી નવો કોર્ષ લાગુ પડતો હોવાથી ગણીતનું પેપર સરળ નીકળ્યું
બોર્ડની પરીક્ષામાં અઘરૂં ગણાતું ગણીતનું પેપર આ વખતે સરળ નીકળ્યું હતું. રાજકોટમાં આજે ગણીતનું પેપર પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ હસતા મુખે પરીક્ષા કેન્દ્રમાંથી બહાર નીકળતાં નજરે પડ્યા હતા. નબળા વિદ્યાર્થીઓ પણ પાસ થઈ જાય તે પ્રકારનું પેપર નીકળ્યું હતું. આગામી વર્ષથી ધોરણ ૧૦માં નવો કોર્ષ દાખલ થવાનો હોય આ વખતે ગણીતનું પેપર સરળ કાઢવામાં આવ્યું હતું જેથી વિદ્યાર્થીઓ ગણીતમાં નાપાસ ના થાય અને બોર્ડનું રિઝલ્ટ ઉંચુ આવે.
રાજકોટ જિલ્લામાં ધોરણ૧૦ના ગણીતના પેપરમાં ગુજરાતી માધ્યમમાં ૫૦૬૭૫૬ માથી ૪૯૭૬૫ હાજર રહ્યા હતા જ્યારે ૯૧૧ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે અંગ્રેજી માધ્યમમા ૪૦૬૨માથી ૪૦૩૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે ૨૪ વિદ્યાર્થીઓએ ગણીતનું પેપર આપ્યું ના હતું . અકંદરે વાત કરવામાં આવે તો ૫૪૭૩૮ વિદ્યાર્થીઓ માંથી ૫૩૮૦૩ છાત્રોએ પરીક્ષા આપી હતી અને ૯૩૫ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
રાજકોટ જિલ્લાની વિરાણી હાઈસ્કુલમાથી ગણીતનું પેપર આપી હસતા મુખે બહાર નીકળતી વિદ્યાર્થીની જલ્દી ઠક્કરે જણાવ્યું હતું કે, આ વખતે ગણિતનું પેપર ખૂબ જ સરળ હતું . એમ.સી.કયું અને દાખલ પણ ખૂબ જ સહેલા હતા મારે ગણિતમાં ૧૦૦માંથી ૯૭ માર્ક આવે તેવી શક્યતા છે. અઘરું માનવામાં આવતું ગણિત નું પેપર ખૂબ જ સરળ નીકળતાં હું ખૂબ જ ખુશ છું.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ ૨૦૨૦થી નવો કોર્ષ દાખલ કરવામાં આવી રહ્યો છે. ધોરણ ૧૦ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૫૦ માર્ક્સના એમ.સી.કયું કાઢવાનો નિર્ણય લેવાયો છે જેને લીધે વિદ્યાર્થીઓનું ઉંડાણ પૂર્વકનું વાંચન પણ વધશે અને માર્ક્સમાં પણ વધારો થશે. એમ.સી.કયું નીકળતાંની સાથે જ જુના કોર્ષના વિદ્યાર્થીઓને પેપર આપવામાં મુશ્કેલી પડે છે. વિદ્યાર્થીઓની આ સમસ્યાને ધ્યાને રાખી બોર્ડે મંગળવારનું ગણીતનું પેપર ધાર્યા કરતાં સરળ કાઢ્યું હતું.
સા.પ્રમાં કાલે વાણિજ્ય વ્યવસ્થા, ધોરણ ૧૦માં ૧૪મીએ સામાજીક વિજ્ઞાનનું પેપર
મંગળવારે ગણીતનું પેપર પૂર્ણ થતાં વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો. ધોરણ ૧૦માં ૧૪મીએ સામાજીક વિજ્ઞાન અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ગણીતનું પેપર લેવામાં આવશે. જયારે સામાન્ય પ્રવાહમાં કાલે આર્ટસમાં સામાજીક વિજ્ઞાન અને કોમર્સમાં વાણિજય વ્યવસ્થાનું પેપર લેવાશે.