‘વૃક્ષ વાવો વૃક્ષ બચાવો’, ‘પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન’ અને ‘રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા’ વિષયક નિબંધ પુછાયા: ‘સ્વચ્છતા અભિયાન’ વિષય પર અહેવાલ પુછાયો: એમસીકયુ પણ સહેલા પુછાતા વિદ્યાર્થીઓ ગેલમાં આવી ગયા
એક પણ કોપી કેસ નહીં: નોંધાયેલા ૪૦૧૦૯ વિદ્યાર્થીઓમાંથી ૩૮૯૫૧ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં અને ૧૧૫૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં: અંગ્રેજી માધ્યમમાં નોંધાયેલા કુલ ૪૧૪૭ વિદ્યાર્થીઓમાંથી ૪૧૧૧ હાજર રહ્યાં અને ૩૬ વિદ્યાર્થીઓ ગેરહાજર
આજે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં નામાના મૂળ તત્ત્વો અને વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક શાસ્ત્ર પેપર: ધો.૧૦માં શનિવારે વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. આજે સવારે ૧૦:૩૦ વાગ્યાથી ધો.૧૦ની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં આરંભ થયો હતો. રાજકોટ શહેર-જિલ્લામાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી અને મોં મીઠા કરાવવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્યમાં બોર્ડના કુલ ૧૭.૫૩ લાખ વિદ્યાર્થીઓ ૧૦ દિવસ સુધી સળંગ પરીક્ષા આપવાના છે. આજે ધો.૧૦ના પ્રથમ દિવસે કુલ રાજકોટ શહેર-જિલ્લામાં ૪૦૧૦૯ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૩૮૯૫૧ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં અને ૧૧૫૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતા. આજે ધો.૧૦નું પ્રથમ ગુજરાતી વિષયનો પેપર સહેલુ નીકળતા વિદ્યાર્થીઓ ગેલમાં આવી ગયા હતા અને પેપર પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીના મુખ પર સ્મીત છલકાતું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં ધો.૧૦ના કુલ ૫૪૫૭૯ વિદ્યાર્થીઓ ધો.૧૨ સામાન્ય પ્રવાહના ૩૧૦૭૭ અને વિજ્ઞાન પ્રવાહના કુલ ૯૪૮૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે અને આ તમામને પરીક્ષા દેવા માટે કુલ ૩૮૩ બિલ્ડીંગો પર ૩૬૫૩ બ્લોકમાં પરીક્ષા વ્યવસથા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત વાત કરવામાં આવે તો રાજકોટ શહેર-જિલ્લામાં ૪૫ જેટલા કીદીઓએ અને ૫૫ જેટલા દિવ્યાંગોએ ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા આપી હતી. આજી શરૂ થયેલી બોર્ડની પરીક્ષામાં રાજ્યભરના ધો.૧૦ અને ૧૨માં એમ કુલ ૧૭.૫૩ લાખ વિદ્યાર્થીઓ સતત ૧૦ દિવસ સુધી પરીક્ષા દેશે. આજે વહેલી સવારે ધો.૧૦ના વિદ્યાર્થીઓને આવકારવા માટે રાજકોટ જિલ્લા કલેકટર ડો.રેમ્યા મોહન અને ડીઈઓ આર.એસ.ઉપાધ્યાયે કડવીબાઈ સ્કૂલના વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી મોં મીઠા કરાવી આવકાર્યા હતા. તેમજ કોટક કન્યા વિદ્યાલય ખાતે જિલ્લા વિકાસ અધિકારી ડો.અનિલ રાણાવાસીયાએ વિદ્યાર્થીનું મોં મીઠુ કરાવી સ્વાગત કર્યું હતું અને અધિક કલેકટર પરિમલ પંડિયાએ સેન્ટ મેરી સ્કૂલમાં વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ સ્વાગત કરી આવકાર્યા હતા. સમગ્ર રાજકોટ શહેર-જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ હતી. વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેમજ તંગદીલી ભર્યું વાતાવરણ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી રાખવામાં આવી હતી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ કેન્દ્રમાં પરીક્ષા લેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં ગુજરાતી માધ્યમના કુલ ૪૦૧૦૯ વિદ્યાર્થી નોંધાયા હતા. જેમાં ૩૮૯૫૧ વિદ્યાર્થી હાજર રહ્યાં હતા અને ૧૧૫૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતા. આ ઉપરાંત અંગ્રેજી માધ્યમમાં કુલ ૪૧૪૭ વિદ્યાર્થી નોંધાયા હતા. જેમાંથી ૪૧૧૧ વિદ્યાર્થી હાજર રહ્યાં હતા. અને ૩૬ વિદ્યાર્થી ગેરહાજર રહ્યાં હતા. રાજકોટ શહેર-જિલ્લામાં એક પણ કોપીકેસ નોંધાયો ન હતો. ગુજરાતીનું પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓ રાજીના રેડ થઈ ગયા હતા. ગુજરાતીના પ્રથમ પેપરમાં જ ‘વૃક્ષ વાવો વૃક્ષ બચાવો’, ‘પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન’ અને ‘રાષ્ટ્રીય એકતા અને અખંડીતતા’ વિષયક નિબંધ પુછાયા હતો. ‘સ્વચ્છતા અભિયાન’ વિષય પર અહેવાલ પુછવામાં આવ્યો હતો અને એમસીકયુ પણ સહેલા નીકળા હતા. એકંદરે ગુજરાતીનું પેપર સરળ રહેતા પેપર દઈને બહાર નીકળતા વિદ્યાર્થીઓનું મુખ સ્મીતી છલકાતું હતું. હવે આવતીકાલના રોજ શુક્રવારે એક દિવસ રજા, ત્યારબાદ શનિવારે ધો.૧૦માં વિમાન અને ટેકનોલોજીનું પેપર રહેશે. આજે બપોરે ૩ વાગ્યે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં નામાના મુળ તત્ત્વો અને વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક શાસ્ત્રની વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
સંવેદશીલ કેન્દ્ર ઉપર કલાસ વન અને ટુ અધિકારીઓની ટીમો કરશે સુપરવિઝન: કલેકટર
અબતક સાથેની વાતચીત દરમિયાન રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે આજથી ધો. ૧૦ અને ૧ર ની બોર્ડની પરીક્ષાની આજથી શરૂઆત થઇ છે. તે તમામને હું શુભેચ્છા પાઠવું છું, આત્મ વિશ્ર્વાસ સાથે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે અને કોઇપણ ડરનું વાતાવરણ ઘરે પણ ન રહે અને પરીક્ષા સેન્ટર અથવા શાળામાં ન હોવું જોઇએ. પરીક્ષાને ઉજવણી, ઉત્સાહ તરીકે શિક્ષણ વિભાગ તરફથી આયોજન કરેલ છે. બધા અધિકારીઓને બોલાવીને બાળકોને આવકારવાની પઘ્ધતિ ખુબ જ સરાહનીય છે. પરિક્ષા માટેની બધી જ તૈયારીઓ થઇ ગઇ છે. કોઇ ગેરરીતી ચોરી ન થાય તે માટે દરેક સેન્ટર સૌ ટકા સીસી ટીવીથી સજજ છે.
ઉપરાંત અતિસંવેદનશીલ સંવેદનશીલ સેન્ટરોને ખાસ રેન્ડમ ચકાસણી કરવા માટે ડેટા લીસ્ટ કલાસ વન અને કલાક ટુ અધિકારીઓની ટુકડી પણ બનાવી છે.
પરીક્ષાર્થીઓ કોઇપણ પ્રકારના ટેન્શન વગર પરીક્ષા આપે: ડીડીઓ રાણાવસીયા
ધોરણ ૧૦ અને ૧ર ની પરીક્ષા આજથી શરુ થઇ છે. ત્યારે રાજકોટની કોટક કન્યા વિદ્યાલય ખાતે જીલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાએ વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી શુભકામના પાઠવી હતી આ વેળાએ તેઓએ જણાવ્યું કે તમામ વિદ્યાર્થીઓને એટલું જ કહેવું છે કે શાંત ચિતે તમે ખુબ મહેનત કરી છે.
પરીક્ષાનો જે સમય છે તેમાં શાંતિપૂર્ણ રીતે લખજો કોઇપણ પ્રકારના ટેન્શન વગર પરીક્ષા આપજો.
પંચશીલ સ્કૂલમાં આરોગ્ય સેવા પણ ઉપલબ્ધ કરાઇ છે: ડો. ડી.કે.વાડોદરીયા
અબતક સાથેની વાતચીત દરમિયાન પંચશીલ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ડી.કે. વાડોદરીયાએ જણાવ્યું હતું કે આજથી ધો.૧૦ અને ૧ર ની બોર્ડની પરીક્ષાઓ શરુ થઇ રહી છે ત્યારે પરીક્ષા આપનાર સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છુ. ત્યારે અમારી પંચશીલ સ્કૂલમાં ધો. ૧૦ ના ૧૪ બ્લોકમાં ૪ર૦ વિદ્યાર્થીઓ અને ધો.૧ર કોમર્સમાં ૧૦ બ્લોકના ૩૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.વધુમાં જણાવ્યું છે કે અચાનક કોઇ વિદ્યાર્થીને તબીયત બગડે તો શાળામાં ફસ્ટ એડ કીટ, ગ્લુકોઝ, લીંબુ વગેરે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત ઇમરજન્સી જરુર પડે તો અમારી બાજુમાં જ હોસ્૫િટલ છે. જેમાં ડો. ગાંધી, ડો. ઘેલાણીને અમે કોન્ટેકટ કરેલ છે. જેથી જરુર પડે તો ડોકટર આવી ટ્રીટમેન્ટ આપી શકે. તેવી તમામ પ્રકારની સગવડો સ્કૂલ દ્વારા કરવામાં આવી છે.
પેપર પૂરૂ થયા બાદ કયારેય પણ સોલ્વ કરવું નહિ: નિલેષ સેંજલીયા
મોદી સ્કુલના પ્રીન્સીપાલ નિલેષભાઈ સેંજલીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ છે. ત્યારે ખાસ બાળકો તણાવ અનુભવે છે. તો તેવા વિદ્યાર્થીઓએ તણાવ મૂકત બનીને પરીક્ષા આપવી જોઈએ ઉપરાંત જણાવ્યું કે પરીક્ષા ખંડમાં પ્રવેશો ત્યારે પૂરા આત્મવિશ્ર્વાસ સાથે પ્રવેશો આઉપરાંત પેપર અઘરૂ નીકળે કે સહેલુ કયારેય પણ પેપર સોલ્વ કરવા નહી.
જેતે પેપર સોલ્વ કરવાથી આગળના દિવસનાં પેપરને અસર થાય છે. તેથી હંમેશા પેપર પૂરૂ થયા બાદ તે પેપરને સાઈડમાં મૂકી આગળના પેપર વિશે વિચારવું જોઈએ.
ભરાડ સ્કૂલમાં પરીક્ષાથીઓ માટે સુંદર અને શાંત વાતાવરણ: જતીન ભરાડ
જતીનભાઇ ભરાડે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ વર્ષે જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ખુબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીના ઘરની ત્રણ કિલોમીટરના વિસ્તારમાં જ નંબર આપેલ છે. જેનાથી વિદ્યાર્થીને આવવા જવામાં સમય બગડતો તે હવે નહીં બગડે વિદ્યાર્થીનીએ કોઇપણ જાતના ટેન્શન વગર અત્યાર સુધી જેમ પરીક્ષાઓ આપી છે. તેમ આ પરીક્ષા આપે ફકત પરીક્ષાની સીસ્ટમ બદલી છે. સમાજ અને પેરેન્ટસ દ્વારા વિદ્યાર્થીઓ પર જે માર્કસ માટે પ્રેસર આપે છે તો તેને માર્કના પ્રેસરમાં આવ્યા વગર આનંદથી પરીક્ષા આપે સારામાં સારુ પરિણામ આવશે અમારી સંસ્થામાં પરિક્ષા કેન્દ્ર આપવામાં આવ્યું છે તેમાં અમે સંપૂર્ણ હળવું અને વિદ્યાર્થીઓને પ્રેસર વગરનું વાતાવરણ અને સુંદર વાતાવરણ આવેલ છે વિદ્યાર્થીઓને ફેમીલી જેવો માહોલ મળે.
ભારતના ભાવિ સમાન વિદ્યાર્થીઓના ભાવિનો મહત્વપૂર્ણ દિન: સ્વામી શ્રુતિ પ્રકાશદાસજી
સ્વામીનારાયણ ગુરૂકુળના શ્રુતિ પ્રકાશદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, અબતક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ભારતનાં ભાવિ આજે તેમની કારકીર્દીનો પ્રથમ દરવાજો ખોલવા જઇ રહ્યા છે.
ત્યારે સ્વામીનારાયણ ગુરૂવાર પરીક્ષાને તણાવ નહી પરંતુ મહોત્સવ સ્વરુપે મનાવે છે. આપણી પરીક્ષા આપણો મહોત્સવના સ્વરુપમાં આજે ગુરુકુળ ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે. દરેક વિદ્યાર્થીઓને પૌરાણીક રીતે સ્વાગત કરી સંતો મહંતોએ આશિર્વાદ આપ્યા છે. ઉપરાંત વિદ્યાર્થીઓ આ તકને ઝડપી તેમની કારકીર્દીને ખુબ દીપી ઉઠે તેવી શુભેચ્છા
મોદી સ્કુલમાં પરીક્ષાર્થીઓ માટે અનેક સવલતો: ખ્યાતીબેન
વી.જે.મોદી સ્કૂલનાં પ્રીન્સીપાલ ખ્યાતીબેને અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, બોર્ડની પરીક્ષા શરૂ થઈ તેમાં ઘણા બાળકો નર્વસ જોવા મળ્યા પણ સાથોસાથ ઘણા બાળકો ઉત્સાહિત પણ જોવા મળ્યા બાળકોને પરીક્ષા દરમિયાન કોઈ જરૂર પડે તો તેને બધી સવલતો પૂરી પાડવામાં આવશે. અને બાળકો માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
પહેલા આવડતા પ્રશ્ર્નો લખવાથી સમય બચે: જીતુભાઈ ધોળકિયા
આજથી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે ધોળકિયા સ્કુલનાં ટ્રસ્ટી જીતુભાઈ ધોળકિયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારી સ્કુલનું વાતાવરણ અને વ્યવસ્થા એટલી સુંદર છે કે બાળકોમાં આત્મવિશ્ર્વાસ વઘ્યો છે અને આજથી પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે હું બોર્ડનાં વિદ્યાર્થીઓને શુભેચ્છા આપુ છું. વિદ્યાર્થીઓ ભય વિના પરીક્ષા આપે અને પહેલા આવડતા પ્રશ્ર્નો લખે તો સમયસર પેપર પૂર્ણ થઈ જશે.
આત્મવિશ્ર્વાસ સાથે પરીક્ષા આપી: ચાવડા માધવ
ધો.૧૦નાં વિદ્યાર્થી ચાવડા માધવે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે પ્રથમ ગુજરાતીનું પેપર ખુબ જ સારું ગયું છે. મેં પુરા આત્મવિશ્ર્વાસ સાથે પરીક્ષા આપી છે અને આગામી તમામ પેપર પણ ખુબ જ સારા જશે તેનો મને વિશ્ર્વાસ છે અને હું બીજા બધા વિદ્યાર્થીઓને એ જ કહેવા માંગીશ કે કોઈપણ ભય વિના પરીક્ષા આપશે તો તમામ પેપરો સારા જ જશે.
બોર્ડ પરીક્ષાને ચિંતા-તાણ કે દબાણમાં આવ્યા વિના તેને માણવી : અપૂર્વભાઈ મણીઆર
આજ રોજ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલમાં બોર્ડની પરીક્ષા આપવા આવનારા વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ્વતી વિદ્યામંદિર સંકુલને ગુજરાત બોર્ડ પરીક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આવતા ત્યાં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓનું સંસ્થાનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆર અને સ્ટાફગણ દ્વારા મોઢું મીઠું કરાવી અને કંકુ તિલક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અન્ય સ્કૂલમાંથી સરસ્વતી વિદ્યામંદિર સંકુલમાં બોર્ડની પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને કોઇપણ તકલિફ ન પડે કે સમસ્યા ન સર્જાય તે માટે ખુદ સંસ્થાનાં ચેરમેન અપૂર્વભાઈ, ટ્રસ્ટી રમેશભાઈ ઠાકર, પ્રધાનચાર્ય હરિકૃષ્ણભાઈ પંડ્યા સહિત સંસ્થાનાં સહયોગીઓ ખડેપડે રહ્યા હતા અને વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.આ તકે સરસ્વતી વિદ્યામંદિર સંકુલ રાજકોટનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે ધોરણ ૧૦-૧૨ની પરીક્ષાનાં પ્રારંભ થવાના અવસર નિમિત્તે તમામ વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા ઉત્કૃષ પ્રદર્શન કરી ઈચ્છિત પરિણામ મેળવવાની શુભેચ્છા પાઠવતા જણાવ્યું છે કે, ધોરણ ૧૦-૧૨ની બોર્ડ પરીક્ષા અંગે વાલીઓ અને વિદ્યાર્થીઓએ હકારાત્મક અભિગમ દાખવવો. વાલીઓએ સંતાનો પર પરીક્ષા પહેલા કે ચાલુ પરીક્ષાએ વધુ માર્ક મેળવવા દબાણ ન કરવું. એ સૌએ યાદ રાખવા અને સમજવા જેવી બાબત છે કે, આ પરીક્ષાએ માત્ર યાદશક્તિની હરીફાઈ છે. તમારા જ્ઞાન કે આવડતનું મૂલ્યાંકન આ પરીક્ષા આધારે થતું નથી આથી બોર્ડ પરીક્ષાને માત્ર યાદશક્તિની કસોટી ગણવી અને ચિંતા-તાણ કે દબાવમાં આવ્યા વિના તેને માણવી.
જિલ્લા જેલમાં ૩૮ આરોપીઓએ આપી બોર્ડની પરીક્ષા
ધો.૧૦નાં ૨૪ અને ધો.૧૨નાં ૧૪ આરોપીઓએ ચુસ્ત બંદોબસ્તમાં આપી પરીક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધો.૧૦ અને ધો.૧૨ની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે રાજકોટ જીલ્લા જેલમાં પણ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધો.૧૦ અને ધો.૧૨ના ૩૮ જેટલા આરોપીઓએ પણ જેલમાં પરીક્ષા આપી હતી. ગુજરાતભરમાં ૧૭ લાખ જેટલા વિદ્યાર્થીઓ જયારે સૌરાષ્ટ્રમાં પાંચ લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે ત્યારે રાજકોટ સેન્ટ્રલ જેલમાં જુદા-જુદા ગુનામાં સજા ભોગવી રહેલા સગીર વયના અને તેનાથી મોટી વયના આરોપીઓએ પણ બોર્ડની પરીક્ષા આપી હતી. રાજકોટ સેન્ટ્રલ જેલમાં ધો.૧૦નાં ૨૪ અને ધો.૧૨નાં ૧૪ આરોપીઓએ બોર્ડની પરીક્ષા આપવા માટે તૈયારીઓ બતાવી હતી ત્યારે રાજકોટ સેન્ટ્રલ જેલના સુપ્રિટેન્ડન્ટ બી.ડી.જોષી, સીનીયર જેલર આર.ડી.દેસાઈ, જે.એ.સોની અને ડી.જે.વણકર સહિતના અધિકારીઓની નિગરાણીમાં અને શિક્ષણ અધિકારી એસ.જે.ભટ્ટ સાથે મળીને ૩૮ આરોપીઓની પરીક્ષાનો શાંતીપૂર્ણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ જેલમાં જુદા-જુદા ગુનાઓમાં સજા ભોગવતા કાચા કામના અને પાકા કામના કેદીઓ જેલમાં રહીને પણ પોતાનું ભણતર આગળ વધારી શકે તે માટે જેલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા જેલમાં જ પરીક્ષાની સગવડ કરી ૩૮ આરોપીઓને બોર્ડની પરીક્ષા માટે વ્યવસ્થા કરી સઘન બંદોબસ્તમાં ૩૮ આરોપીઓએ પરીક્ષા આપી હતી.