‘પરિશ્રમ એજ પારસમણી’, ‘વિદ્યા વિનયથી શોભે છે’ અને ‘પ્રકૃતિનું રક્ષણ એજ જીવનનું રક્ષણ’ વિષયક નિબંધ પુછાયા: મિત્રોને સારા માર્કસ આવ્યા બદલ અભિનંદન પાઠવતો પત્ર પુછાયો: એમસીકયુ પણ સહેલા નિકળતા વિદ્યાથીઓ ગેલમાં આવી ગયા
એક પણ કોપી કેસ નહીં: નોંધાયેલા ૪૩,૫૧૮વિદ્યાર્થીઓમાંથી ૪૨,૯૩૩ વિદ્યાર્થીઓ હાજરરહ્યા અને ૫૮૫ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા: ૬૨ દિવ્યાંગોએ પરીક્ષા આપી
આજે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં નામાનાં મુળતત્વોઅને વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક શાસ્ત્રનું પેપર:ધો.૧૦માં શનિવારે વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર
ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. આજે સવારે ૧૦:૩૦ વાગ્યાથી ધો.૧૦ની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. રાજકોટ જિલ્લામાં વિદ્યાર્થીઓને કુમ-કુમ તિલક કરી આવકારવામાં આવ્યા હતા.
સમગ્ર રાજયમાં ધો.૧૦ના ૧૮.૭૪ લાખ પરીક્ષાર્થીઓ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના ૪.૭૬ લાખ પરીક્ષાર્થીઓ, રાજકોટ જિલ્લાના ૯૫,૭૯૦ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી હતી. આજે ધો.૧૦નું ગુજરાતીનું પ્રથમ પેપર સહેલું નિકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ થઈ ગયા હતા અને પેપર પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર બહાર નિકળ્યા હતા. વિદ્યાર્થીઓના મુખ પર સ્મિત છલકાતું હતું. આજે ધો.૧૦ના ગુજરાતીના પેપરમાં રાજકોટ જિલ્લાના કુલ ૪૨,૯૩૩ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ૫૮૫ જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં ધો.૧૦માં ૫૭,૦૬૦ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તેમના માટે ૧૯૯ બિલ્ડીંગમાં ૧૯૦૪ બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સવારે વિદ્યાર્થીઓને આવકારવા માટે કલેકટર ડો.રાહુલ ગુપ્તા અને ડીઈઓ આર.એસ.ઉપાધ્યાય નિર્મલા કોન્વેન્ટ સ્કુલના વિદ્યાર્થીઓને ગુલાબનું ફુલ આપી અને મોં મીઠા કરાવી વિદ્યાર્થીઓને આવકાર્યા હતા.
તેમજ વિરાણી હાઈસ્કુલ ખાતે રાજકોટના ડીડીઓ અને ડીપીઈઓએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર રાજકોટ જિલ્લામાં શાંતીપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ હતી. વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે તેમજ તંગદિલીભર્યું વાતાવરણ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી હતી અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બધા જ કેન્દ્રોમાં પરીક્ષા લેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે રાજકોટ જીલ્લામાં ગુજરાત માધ્યમના કુલ ૪૩,૫૧૮ વિદ્યાર્થીઓ નોધાયા હતા જેમાંથી ૪૨,૯૩૩ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને ૫૮૫ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આજના પ્રથમ પેપર ગુજરાતીનું હતું. રાજકોટ જિલ્લામાં એક પણ કોપી કેસ નોંધાયો ન હતો. ગુજરાતીનું પેપર સરળ નિકળતા વિદ્યાર્થીઓ આનંદિત થઈ ગયા હતા. ગુજરાતીના પ્રથમ પેપરમાં પરિશ્રમ એજ પારસમણી, વિદ્યા વિનયથી શોભે છે અને પ્રકૃતિનું રક્ષણ એજ જીવનનું રક્ષણ વિષયક નિબંધ પુછવામાં આવ્યા હતા.
ઉપરાંત મિત્રોને સારા માર્કસ આવવા બદલ અભિનંદન પાઠવતો પણ પત્ર પુછવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, પેપર ખુબ જ સરળ હતું અને એમસીકયુમાં પણ પુરા માર્કસ લઈ શકાય તે પ્રમાણે એમસીકયુ પુછવામાં આવ્યા હતા. ગુજરાતીનું પેપર સહેલું નિકળતા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર બહાર નિકળ્યા હતા અને હવે આવતીકાલે શુક્રવારે એક દિવસ રજા ત્યારબાદ શનિવારના રોજ ધો.૧૦માં વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર રહેશે આજે બપોર બાદ ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં નામાનાં મુળતત્વો અને વિજ્ઞાનપ્રવાહમાં ભૌતિક શાસ્ત્રનું પેપર વિદ્યાર્થીઓએ આપ્યું હતું.
પુરતી તૈયારીઓ કરી છે કોઈ ટેન્શન નથી: કિંજલ ઝાલા
શાપરના સોલવન્ટથી આવેલા કિંજલ ઝાલાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બોર્ડનું પહેલું પેપર હોવાથી હું ખુબ ઉત્સાહમાં છું મેં મારા તરફથી પરીક્ષાની પુરતી તૈયારીઓ કરી છે. થોડી નર્વસનેસ ખરી પણ મહેનત કરી છે માટે પરીણામની ટેન્શન વિના સારી રીતે પેપર પુરુ કરીશ.
બોર્ડની પ્રથમ પરીક્ષા છે એટલી થોડી નર્વસનેસ ખરી: બુસાની જીલ
રાજકોટની જીલ બુસાનીએ જણાવ્યું હતું કે, પહેલીવાર બોર્ડની પરીક્ષા આપુ છું તો થોડોક ડરલાગે છે. પરીક્ષાને લઈને તૈયારીઓ તો ફૂલ કરી છે છતાં પણ કયાંયને કયાંય કેવું પેપર હશે કેવા કેવા પ્રશ્નો હશે જેવા વિચારોથી થોડો ડર અનુભવાય છે. પરંતુ આજના ગુજરાતીના પેપરમાં અગાઉથી તૈયારી કરી છે.
દહીં સાકર ખાઇને પરીક્ષા આપવા આવ્યા: સુરાણી ઉર્વીશા
અબતક સાથેની વાતચીત દરમિયાન સુરાણી ઉર્વીશાએ જણાવ્યું હતું કે હું રાજકોટમાં જ રહું છું મારો ક્રિષ્ના સ્કુલમાં નંબર આવ્યો છે. આજે ગુજરાતીનું પહેલું પેપર છે. ખુબ જ તૈયારીઓ કરી છે. પરંતુ પ્રથમવખત બોર્ડની પરીક્ષા આપી રહી છું તેથી થોડોક ડર છે પરંતુ મને આશા છે કે આજનું પેપર મારુ સરસ જશે ઘેરેથી દહીં સકકર પણ ખાધુ હતું.
વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવશે: સચિન રૂપાણી
તપસ્વી સ્કુલમાં મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ સંભાળનાર સચિન રૂપાણીએ જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષા માટે અમે ખુબ સારી વ્યવસ્થા કરેલી છે. ડીઈઓના નિયમો મળેલા છે એ દરેક નિયમોને અનુસરીને બાળકો ઈમાનદારીપૂર્વક પરીક્ષા આપી શકે અને સારી વ્યવસ્થા જળવાઈ. પરીક્ષા દરમિયાન પીવાનું પાણી મળી રહે, સ્વચ્છ વાતાવરણ મળે જેના માટે ખુબ સારા વેન્ટીલેટર કલાસની સુવિધા ઉપલબ્ધ કરાવી છે.
અમારી સ્કુલને ૧૦માં ધોરણ માટે ૧૦ કલાસ ફાળવવામાં આવેલ છે. જેમાં ૨૨૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. દરેક સ્કુલમાં સીસીટીવી કેમેરાની સુવિધા આવી ગઈ છે. તેથી અમારી સ્કુલમાં પણ આધુનિક ટેકનોલોજીવાળા કેમેરા લગાડી દીધા છે. કલાસદીઠ એક સુપરવાઈઝર અને હેલ્પર રાખવામાં આવ્યા છે. તદઉપરાંત શાળામાં તાત્કાલિક મેડિકલની સુવિધાઓની તકેદારી પણ લેવામાં આવી છે અને વિદ્યાર્થીઓએ મહેનત કરી છે તો તે રંગ લાવશે જ.
શાળામાં કરેલી તૈયારીઓ ચોકકસ કામ લાગશે: ધોણિયા મિરાજ
અબતક સાથેની વાતચીતમાં ધોણિયા મિરાજએ જણાવ્યું કે મારો પાઠક સ્કુલમાં નંબર આવ્યો છે અને આજે અમે પહેલું પેપર ગુજરાતીનું આપવા જઇ રહ્યા છીએ. ત્યારે હું એટલું જ કહીશ કે અમને અમારી સ્કુલમાં એટલી તૈયારી કરાવવામાં આવી છે કે હવે અમને બોર્ડની પરિક્ષાનો ડર નથી પરંતુ ઉત્સુકતા છે કે પેપરમાં શું પૂછયું હશે પેપર કેવું હશે.
પરીક્ષા દરમિયાન વાલી અમારો વિશેષ ખ્યાલ રાખે છે: વાળા પૂજા
અબતક સાથેની વાતચીત દરમિયાન વાળા પૂજાએ જણાવ્યું હતું કે આજે અમારે ગુજરાતીનું છે પહેલું પેપર છે વર્ષ દરમિયાન અમે ખુબ જ મહેનત કરી છે. અમને સ્કુલમાં ખુબ જ તૈયારીઓ કરાવવામાં આવી હતી. એટલે ટેન્શન નથી પરંતુ પહેલી વખત બોર્ડની પરીક્ષા આપીશ તેથી થોડોક ડર અને સાથે સાથે એટલો ઉત્સાહ પણ છે પરંતુ વાલીઓ પણ એટલું ઘ્યાન રાખે છે.
બોર્ડના વિદ્યાર્થીઓને કુમ કુમ તિલક કરી મોઢુ મીઠુ કરાવી આવકારતા પદાધિકારીઓ
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પી. એન્ડ ટી. વી. શેઠ હાઈસ્કુલ અને સરોજીની નાયડુ સ્કુલમાં ધો.૧૦ અને ૧૨ના પરીક્ષાર્થીઓને કુમ કુમ તિલક કરી મોં મીઠા કરાવી શુભેચ્છા પાઠવતા મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, માધ્યમિક શિક્ષણ સમિતિ ચેરમેન અંજનાબેન મોરજરીયા, કોર્પોરેટર નીતિનભાઈ રામાણી, દુર્ગાબા જાડેજા, શિક્ષણ સમિતિ સભ્ય કિરણબેન માંકડિયા, મુકેશભાઈ મહેતા, સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કુલના આચાર્ય સોનલબેન, પી. એન્ડ ટી. વી. શેઠ હાઈસ્કુલના આચાર્ય ડો.તુષારભાઈ પંડ્યા, શાળાના મદદનીશ શિક્ષક નીતિનભાઈ ભૂત તેમજ ઉષાબેન પટેલ, જાગૃતિબેન દવે, પુંજાણી, વિગેરે સૌ મહાનુભાવો ઉપસ્થિત રહેલ.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બોર્ડના વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી
આજથી ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી છે અને સેક્ટર ૨૩ સ્થિત સ્વામિનારાયણ ગુરુકલમાં વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી અને શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓ ગભરાયા વિના પરીક્ષા આપે તેવો સંદેશો પણ પાઠવ્યો હતો.