એસજીવીપી ઈન્ટરનેશનલ સ્કુલમાં ધો.૧૨ના વિદ્યાર્થીઓનો સમાવર્તન સંસ્કાર કાર્યક્રમ યોજાયો
શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં અને કુંજવિહારીદાસજી સ્વામી, જાલમસિંહજી તથા સુવા ઘનશ્યામભાઇના માર્ગદર્શન નીચે એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા ધો.૧૨ના વિદ્યાર્થીઓ અને નિરમા કોલેજમાં ભણતા અને ગુરુકુલ હોસ્ટેલમાં રહેતા કોલેજના વિદ્યાર્થીઓનો સમાવર્તન સંસ્કાર યોજાયો હતો.
સૌ પ્રથમ વિદ્યાર્થીઓએ શા.માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસસજી સ્વામીને હાર પહેરાવી, ચંદનની અર્ચા કરી વસ્ત્ર ઓઢાડી પૂજન કર્યું હતું ત્યારબાદ તમામ સમાવર્તિત વિદ્યાર્થીઓને સંતોએ કપાળમાં કુમકુમનો ચાંદલો કરી મોમેન્ટો અર્પણ કર્યો હતો.
ત્યારબાદ પુજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, આપ સર્વે અહીથી અભ્યાસ પૂર્ણ કરી બહારના ક્ષેત્રમાં જઇ રહ્યા છો. ત્યારે માતા પિતાની આજ્ઞામાં રહીને ન્યાય, નીતિ અને સદાચારના માર્ગે આગળ વધજો. ભગવાનમાં નિષ્ઠા રાખવાથી કોઇ મુશ્કેલી પડતી નથી. સંસ્થામાં તમે ઘણા વરસો રહીને સંસ્કાર સાથે વિદ્યાભ્યાસ કર્યો છે તે માતૃ-સંસ્થાને અને સંતોને ભૂલશો નહી.
પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણા્વ્યું હતુ કે, જીવન જીવવાની કળા તો તમને માતૃ સંસ્થા ગુરુકુલમાંથી જ મળે છે. ગુરુકુલ જેવું નિર્મળ વાતાવરણ તમને ભાગ્યે જ જોવા મળશે, તો ગુરુકુલને કદિ ભૂલશો નહીં. દેવઋણ, પિતૃઋણ અને ગુરુઋણને ભૂલશો નહી. અંતમાં વિદ્યાર્થીઓએ પોત પોતાના વિચારો રજુ કરી જણાવ્યું હતું અમે જે સંસ્કારો મેળવ્યા છે તે કદિ ભૂલાશે નહી.