કોર્પોરેશનના એમઓએચ જયેશ વકાણીની વિવાદાસ્પદ કામગીરીથી સ્ટે.ચેરમેન સહિતના પદાધિકારીઓ નારાજ: શાનમાં સમજી જવા કરી કડક તાકીદ
રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય શાખામાં થોડા સમય પૂર્વે આરોગ્ય અધિકારી તરીકે જોડાયેલાં ડો.જયેશ વકાણીની કામગીરી ખૂબ જ વિવાદાસ્પદ બની જવા પામી છે. આરોગ્ય શાખાના કર્મચારીઓમાંથી પણ સતત ફરિયાદો ઉઠી રહી છે. પોતાની જાતને કમિશનરથી પણ ઊંચી માનતા એમ.ઓ.એચ.ને શાનમાં સમજી જવા માટે શાસકો દ્વારા કડક તાકીદ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી સામે ફરિયાદો ઉઠી રહી હોય ગઇકાલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે તેઓને રૂબરૂ બોલાવ્યા હતાં. જો કે ગઇકાલે આરોગ્ય કમિશનર રાજકોટની મુલાકાતે હતા અને તેઓની સાથે એમઓએચ પણ હોવાના કારણે તે મીટીંગમાં આવ્યા ન હતા. તેઓના બદલે નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે સ્ટે.ચેરમેન સાથે બેઠક કરી હતી. જેમાં ચેરમેને ડો.રાઠોડને સ્પષ્ટ જણાવી દીધું હતું કે આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી માટે આ છેલ્લી તાકીદ છે. તેઓની સામે વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. જો હવે શાનમાં નહી સમજે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે એક ઉચ્ચ અધિકારીના નિવાસસ્થાને ફોગીંગની કામગીરી દરમિયાન મેલેરિયા વિભાગના કર્મચારીને ગંભીર ઇજા પહોંચી હતી. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.
આ અંગે આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણીએ શાસકો સમક્ષ પણ સતત ખોટું રિર્પોટીંગ કર્યું હતું. પોતે બેથી ત્રણવાર આ કર્મચારીની હોસ્પિટલ ખાતે ખબર કાઢીને આવ્યા છે અને તબિયત સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું શાસકોને જણાવી તેઓને ભ્રમમાં રાખ્યા હતાં. આટલું જ નહિં આરોગ્ય અધિકારી પોતાની કચેરીમાં મહિલા સ્ટાફની વધુ ભરતી કરતા હોવાની ફરિયાદો પણ છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી છે. આ ઉપરાંત તેઓની વર્તણુંક પણ મહિલા કર્મચારીઓ સાથે સારી ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. સ્ટાફને પણ ખોટી રીતે સતત ટોર્ચરીંગ કરી રહ્યા હોવાનો ગણગણાટ પણ ચાલી રહ્યો છે. તમામ વાત શાસકો સુધી પહોંચતા ગઇકાલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે આરોગ્ય વિભાગના સિનિયર અધિકારી ગણાતા પંકજ રાઠોડને બોલાવી ખૂબ જ કડક ભાષામાં એમઓએચને સમજાવી દેવા જણાવ્યું હતું. જો હજુ આરોગ્ય અધિકારીની કામગીરીમાં કોઇ સુધારો નહિ આવે તો આકરી સજા પણ ભોગવવા માટે તૈયારી રાખવી પડશે તેવો ઇશારો કરી દીધો છે.