ડિજિટલ ટેક્નોલોજીનું પ્રમાણ વધતા ઓનલાઇન નાણાકીય છેતરપિંડી અને સોશિયલ મીડિયાના માધ્યમથી બ્લેકમેઈલિંગના કિસ્સા દિનપ્રતિદિન વધી રહ્યા છે. જેનાથી બચવા માટે જાગૃતિ તેમજ સતર્કતા જરૂરી હોવાનું સાઇબર ક્રાઇમ એ.સી.પી.વિશાલ રબારી જણાવ્યું હતું. આજે ”વર્લ્ડ સેફર ઇન્ટરનેટ ડે” છે, જેના અનુસંધાને રીજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે સાયબર ક્રાઇમ લોક જાગૃતિ અંગે સેમિનાર યોજાયો હતો.
ઓનલાઇન નાણાકીય છેતરપિંડી અને સોશિયલ મીડિયા બ્લેકમેઈલિંગથી બચવા જાગૃતિ અને સતર્કતા જરૂરી
આ સેમિનારમાં સાઇબર ક્રાઈમ અંગે એ.સી.પી. વિશાલ રબારીએ જણાવ્યું હતું કે, ” ટેક્નોલોજીની અજ્ઞાનતા, લોભ – લાલચ , ડર કે આળસને પરિણામે લોકો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. ઓનલાઇન નાણાકીય છેતરપિંડીના કિસ્સામાં મૉટે ભાગે ગઠિયાઓ ઓ.ટી.પી. પિન નંબર કે ક્યુ આર કોડ સ્કેન કરાવી બેન્કમાંથી નાણાંની હેરફેર કરતા હોય છે. મોબાઈલમાં મેસેજ કે સોસિયલ મીડિયા ટૂલ જેવા કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર અજાણી વ્યક્તિ દ્વારા આઈ.ડી. ચોરી કે વિવિધ પોસ્ટ પરની લીંકને ફોલો કરતા સાઇબર ક્રાઇમનો ભોગ બને છે.”
શહેરમાં બનતા સાઇબર ક્રાઈમના કિસ્સાઓ અંગે ઉપસ્થિત વિદ્યાર્થીઓને ઉદાહરણ આપતા તેઓએ જણાવ્યું હતું કે, વીજ બિલ બાકી હોવાના ફેક કોલના રિસ્પોન્સમાં એક મહિલાએ રૂ. ૬૬ લાખ જેટલી રકમ ગુમાવી હતી. જયારે સોશિયલ મીડિયા ક્રાઈમમાં ન્યૂડ વિડીયો કોલ દ્વારા બ્લેકમેઈલિંગના કિસ્સામાં એક વ્યક્તિએ રૂ.૨૫ લાખ જેટલી રકમ ગુમાવી હતી. આવા કિસ્સાઓમાં સામાજિક ડર રાખ્યા વગર વહેલી તકે પોલીસ ફરિયાદ કરવી જોઈએ. આવા કિસ્સામાં તેઓની ઓળખ છત્તી ના થાય તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે.
રાજકોટ ખાતે વર્ષ ૨૦૨૧ માં ૨૫ જેટલા તેમજ વર્ષ ૨૦૨૨ માં ૩૭ જેટલા મેજર ગુનાહ સાયબર સેલમાં દાખલ કરાયા છે. વર્ષ ૨૦૨૨ માં ૩ હજારથી વધુ અરજીઓ સામે ૧૭૯૮ અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે.
જેમ આરોગ્ય માટે કહેવત છે કે પ્રિવેન્સન ઇઝ બેટર ધેન ક્યોર, તે જ રીતે સાઇબર ક્રાઈમનો ભોગ બનતા અટકવા જાગૃતિ અને સતર્કતા જરૂરી છે, આમ છતાં જો ક્રાઇમનો ભોગ બને તો તુર્ત જ સાઇબર ક્રાઇમ હેલ્પ લાઈન નંબર ૧૯૩૦ પર જાણ કરવા એ.સી.પી. વિશાલ રબારીએ જણાવ્યું છે.
તો બીજી તરફ આવનરા સમયમાં નાની મોટી કંપનીઓને સાયબર એક્સપર્ટની સલાહની જરૂરિયાત પડશે. જેથી આઈ.ટી.ના વિદ્યાર્થીઓને નોકરી તેમજ કન્સલ્ટન્સી ખોલવા સાથે ખુબ સારી કારકિર્દીની તકો રહેલી હોવાનું આ તકે સેમિનારમાં ઉપસ્થિત યુવાઓને જણાવ્યું હતું. આ તકે સાઇબર ક્રાઈમ પોલીસ સબ ઇન્સ્પેકટર મયુર વેગડ, રિજિયનલ સાઇન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર સુનિલ વ્યાસ, આઈ.સી.ટી. ઓફિસર તુષાર ચાવડા, ક્રાઈસ્ટ કોલેજના શિક્ષકો,વિદ્યાર્થીઓ તેમજ મુલાકાતીઓ જોડાયા હતાં.