વર્ષ1999મા ખોટો કરાર ઉભો કરી જમીન પચાવી પાડવા પેરવી કરવાંનો ગુન્હો નોંધાયો’તો
ન્યાયિક કાર્યવાહીમાં ઉપયોગ કરેલા દસ્તાવેજ સંદર્ભે, પોલીસ ફરીયાદ ટકી શકે નહીં , હાઈકોર્ટનો પોલીસને ‘રુક જાવ’ નો આદેશ
રાજકોટના કૂવાડવા ગામની કરોડો રૂપીયાની કિંમતી જમીનનો ખોટો વેંચાણ કરાર ઉભા કરી અદાલતમાં જમીનની માલીકીનો દાવો કરનાર હિંમતભાઈ મનુભાઈ ઉદાણી વિરૂધ્ધ કૂવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફ.આઈ.આર. રદ કરવાની અરજીમાં હાઈકોર્ટે પોલીસ તપાસ સહિતની તમામ કાર્યવાહીઓ સ્થગિત કરતો આદેશ ફરમાવેલો છે.આ કેસની વિગત મુજબ કૂવાડવા ગામના રેવન્યુ સર્વે નં. 545 પૈકીની 4એકર, 7ગુંઠા જમીન જાદવજીભાઈ ભટાભાઈ ઢોલરીયા અને મણીબેન ભટાભાઈ ઢોલરીયા પાસેથી સને-1999 માં કરાર કરી ખરીદી કરી હોવાનુ જણાવી કરારના વિશિષ્ટ પાલન માટે અને સને-1999 બાદ કરવામાં આવેલા અલગ અલગ દસ્તાવેજો રદ કરવા રાજકોટની દિવાની અદાલતમાં હિંમતભાઈ મનભાઈ ઉદાણીએ દાવો દાખલ કરેલો હતો. દાવા સાથે રજૂ કરેલા તા.15/01/1999નો વેંચાણ કરાર બનાવટી હોવાનું જણાવી હરેશ કોટકે પોલીસમાં અરજી કરી વેંચાણ કરારમાં મણીબેન ભુટાભાઈનું અંગુઠાનું નિશાન ખોટું હોવાના એફ.એસ.એલ. રીપોર્ટ રજૂ કરતા પોલીસ દ્વારા હિંમતભાઈ ઉદાણી તથા તેને દિવાની દાવામાં સહયોગ આપનાર મણીબેન ઢોલરીયાના પુત્ર અને વારસદાર લલીતભાઈ જાદવજીભાઈ ઢોલરીયા વિરૂધ્ધ કૂવાડવા પો.સ્ટે.મા ફરિયાદ દાખલ થય હતી.
હિંમત મનુભાઈ ઉદાણીએ એડવોકેટ તુષાર ગોકાણી મારફત રાજકોટની સેશન્સ અદાલતમાં આગોતરા જામીન મેળવેલા અને બાદ હાઈકોર્ટમાં એફ.આઈ.આર. રદ કરવા અરજી દાખલ કરેલી જે અરજીમાં મુખ્યત્વે એવી રજૂઆત કરવામાં આવેલી કે ફરીયાદીને જમીનમાં કોઈ જ હકક કે અધીકાર નથી અને જમીન જેના નામે છે તેઓ દ્વારા કોઈ પોલીસ ફરીયાદ કરવામાં આવેલી નથી.
અરજદાર દ્વારા કહેવાતો ખોટો વેંચાણ કરારના આધારે અદાલતમાં દાવો દાખલ કરવામાં આવેલો હોય ત્યારે ફરીયાદમાંજ કલમ-191 નો ઉલ્લેખ કરવામાં આવેલ હોય ત્યારે ફોજદારી કાર્યસંહિતાની કલમ-340 અન્વયે જો અદાલતને દસ્તાવેજ ખોટો જણાય તો માત્ર અદાલત જ તે સંદર્ભે કાર્યવાહી આરંભી શકે અને તેથી ફરીયાદ કાયદાકીય રીતે ખામીયુકત છે.
તેવી ખામીયુકત ફરીયાદમાં ચંચુપાત કરે અને અરજદારે ન કરેલી ગુન્હાની ખોટી કબૂલાતો મેળવે તો અરજદારના બંધારણીય અધિકારોનું હનન થાય તેવી પરિસ્થિતિ ઉદભવે તેમ હોવાથી પોલીસની ગેરકાયદેસર તપાસ ત્વરીત સ્થગિત કરવી જોઈએ તેવી દલીલો માની હાઈકોર્ટ દ્વારા ન્યાયિક મુદ્દાઓનો નિર્ણય કરવા માટે પોલીસને નોટીસ ફટકારી જવાબ આપવા જણાવેલી અને હાઈકોર્ટ પોતાની સમક્ષના કાનુની મુદ્દાઓનો ન્યાયિક નિર્ણય ન કરે ત્યાં સુધી એફ.આઈ.આર.માં પોલીસ તમામ કાર્યવાહીઓ સ્થગીત કરતો આદેશ ફરમાવેલો છે.આ કામમાં આરોપી હિંમત ઉદાણી વતી જાણીતા ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, પ્રતિક જસાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જયપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, કૃણાલ વિંધાણી અને ઈશાન ભટ્ટ રોકાયા છે.