હિતેશ રાવલ, સાબરકાંઠા:ભારતનો પ્રાચીન ઈતિહાસ ખૂબ રોચક છે. ભગવાનની ભૂમિ ગણાતા એવા ભારતમાં સિંધુખીણની સંસ્કૃતિ, વૈદિક સંસ્કૃતિનો ભવ્ય ઇતિહાસ રહેલો છે. અગાઉ ભારતભરમાં અલગ અલગ વંશજો મુજબ અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ રાજ રહેલું. આ દરમિયાન અલગ અલગ ધર્મોનું વર્ચસ્વ રહેલું. અત્યાર સુધીમાં તેના ઘણા પુરાવા મળેલા. જૈન, બૌદ્ધ, વૈષ્ણવ એમ જુદા જુદા ધર્મોની પરંપરા અને એ મુજબના સ્થાપત્ય અને શૈલીના પુરાવા મળેલા છે. જે આપણી જૂની સંસ્કૃતિને ઉજાગર કરે છે. આઝાદીકાળથી માંડી અત્યારસુધીમાં અલગ અલગ સ્થળો પર પ્રાચીન મૂર્તિઓ, શીલાલેખ, પત્રો, મંદિરો… વગેરે મળી આવ્યું છે. જેમાં ગુજરાત મહત્વનું સ્થાન ધરાવે છે.
ધોળાવીરા, આટકોટ, ધૂમલી રાણકીવાવ, લોથલ જેવા મહત્વના પુરાતત્વ સ્થળો આવેલા છે. આમ, તો ગુજરાતનું દરેક સ્થળ પોતાનામાં જ એક વિશેષતા છે. પ્રાચીન સંસ્કૃતિ ઉજાગર કરતાં અનેકો મહત્વના સ્થળો મળી આવ્યા છે. ત્યારે તાજેતરમાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના દેરોલ ગામે પુરાણી પ્રતિમાઓ મળી આવી છે. ખેડબ્રહ્માના દેરોલ ગામમાં મંદિર વિસ્તારમાં ખોદકામ દરમિયાન જૈન અને બૌદ્ધ ધર્મની પ્રતિમાઓ મળી આવતા સ્થાનિકો લોકોમાં ખુશી છવાઈ ગઈ છે.
દેરોલ ગામમાં આવેલું વર્ષો જૂનું જૈન મંદિર કે જેના જીર્ણોધ્ધારનું કામ ચાલી રહ્યું છે. જેના પગલે ખોદકામ દરમિયાન ખંડિત ત્રણ પ્રતિમા મળી આવી છે. જેમાં એક ભગવાન બુદ્ધની પ્રતિમા જ્યારે બે જૈન ધર્મની પ્રતિમા મળી આવી છે. આ ત્રણેય પ્રતિમાઓને સુરક્ષિત જગ્યાએ ખસેડાઈ છે. ભક્તોમાં આસ્થાને પગલે ખુશી છવાઈ છે. મુર્તિના દર્શનાર્થે લોકો ઉમટી રહ્યા છે.