- લોધિકાના રાવકી ગામે ભગવાન બુદ્ધ અને બાબા સાહેબની પ્રતિમા હટાવાય
- વર્ષો જુના વિવાદમાં હાઇકોર્ટની સૂચના બાદ તંત્રની કાર્યવાહી
- 2 એકર જેટલી સરકારી ખરાબાની જમીનમાંથી દબાણો દૂર કરી અંદાજે રૂ.15 કરોડની જમીન ખુલ્લી કરાવાય : વિરોધ કરનાર 4 મહિલા સહિત 6ની અટકાયત
લોધિકાના રાવકી ગામે હાઇકોર્ટની સૂચના બાદ ભગવાન બુદ્ધ અને બાબા સાહેબની પ્રતિમા તેમજ અન્ય દબાણો હટાવીને મામલતદાર તંત્ર દ્વારા અંદાજે રૂ.15 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. આ સાથે વિરોધ કરનાર 4 મહિલા સહિત 6 લોકોની અટકાયત કરવામાં આવી છે. લોધિકાના રાવકી ગામે રાવકી- માખાવડ રોડ ઉપર ફરગ્યુંશન કારખાના સામે આવેલ સર્વે નં.645ની સરકારી ખરાબાની 2 એકર જમીન દબાણ ખડકાયું હોય, મામલો છેક હાઇકોર્ટ સુધી પહોંચતા હાઇકોર્ટના ડિરેક્શન બાદ આજે જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ તેમજ ગ્રામ્ય પ્રાંતની સૂચનાથી લોધિકા તાલુકા મામલતદારની ટિમ દ્વારા આજે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં અંદાજે રૂ.15 કરોડની કિંમતની 2 એકર જેટલી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. આ જગ્યામાં જ બૌદ્ધ વિહાર આવેલ હોય, જેમાં ભગવાન બુદ્ધ અને ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા આવેલ હોય તેને પણ હટાવવામાં આવી હતી. આ વેળાએ ચાર મહિલા સહિત છ લોકોએ વિરોધ નોંધાવતા પોલીસે તમામની અટકાયત કરી હતી.