ઓનલાઇન બુકીંગ પણ શરૂ : કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે પ્રવેશ
અબતક, રાજકોટ : રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થતાં છૂટછાટનો દોર શરૂ થયો છે. ત્યારે કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પણ આજથી ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કોરોનાની બીજી લહેરને કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી છેલ્લા ઘણા દિવસોથી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું. જો કે, હવે રાજ્યમાં કોરોનાના કેસોમા નોંધપાત્ર ઘટાડો થતાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી આજથી ફરી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યુ છે. આ માટે ઓનલાઇન બુકિંગ પણ શરૂ થઇ ગયું છે.
જંગલ સફારી પાર્ક, ચિલ્ડ્રન પાર્ક અને રમાડા હોટલ ટેન્ટ સિટી સહીત અનેક પ્રોજેક્ટો ખુલ્લા મુકાયા છે. ટેન્ટ સિટી અને હોટલોના માલિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગત વર્ષે પણ કોરોનાને કારણે લાખો રૂપિયાનું નુકશાન થયું હતું અને હાલ ચાલુ વર્ષે પણ નુકશાન થયું છે. ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર હવે પ્રવાસીઓને ઓનલાઈન સાથે ઓફલાઈન ટિકિટ પણ મળશે તેવી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
જેથી હવે ફરવાના શોખીન લોકો કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ લાહવો માણી શકશે. પ્રવાસીઓને કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે પ્રવેશ અપાશે. જેથી મુલાકાતીઓએ કોરોનાના નિયમોનું ચૂસ્તપણે પાલન કરવું પડશે.