ઉમીયા ધામ ખાતે હાર્દિક સિવાયના પાટીદાર આગેવાન હાજર
વિધાનસભા ચૂંટણી અગાઉ પાટીદારોની નારાજગીને દૂર કરવા માટે ભાજપ સરકાર દ્વારા તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે પાટીદાર અનામત આંદોલન શ‚ થયું હતું. જેમાં હાર્દિક પટેલનું કદ ગુજરાતમાં મોટું થયું હતું. આ આંદોલન બાદ પાટીદારો અને ભાજપ વચ્ચે ખેચતાણ શ‚ થઈ હતી. પરંતુ હવે આ વિવાદને દૂર કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અગાઉ સરકારે હાર્દિકને મનાવવાના પ્રયાસો કર્યા હતા પણ હાર્દિકે નમતુ જોખ્યુ ન હતું. હવે સરકારે હાર્દિકને એરણે મુકીને પાટીદાર આગેવાનો સાથે વાતચીત શ‚ કરી છે. એક સમયે પાસના આંદોલનમાં આગળ પડતી ભુમિકા ભજવનાર હાર્દિક હવે તેના જ સમાજમાં એકલો પડી ગયું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. સરકારે ચૂંટણી અગાઉ હાર્દિક પટેલને ખુણે મુકીને પાટીદારો અને સરકાર વચ્ચેની કડવાસને દુર કરવાના પ્રયાસો શ‚ કરી દીધા છે. જેના અંતર્ગત કમીટીની પણ રચના કરવામાં આવી છે.
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા પાટીદાર અનામત આંદોલનનું બે વર્ષથી ગૂંચવાયેલું કોકડું ઉકેલાય તે માટે અમદાવાદના ઉમિયા ધામમાં સામાજિક-ધાર્મિક સંસ્થાના અગ્રણીઓ અને પાસ-એસપીજીના નેતાઓની મીટિંગ સાથે આંદોલનનો અંત લાવવા માટે ધમધમાટ શરૂ થયો છે. બંધારણીય રીતે શક્ય નથી તે અનામતનો મુદ્દો બાજુએ મૂકીને પાટીદારોની ધાર્મિક-સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ તથા પાસ-એસપીજીના કેટલાક હોદ્દેદારો સાથે સરકાર મીટિંગ કરીને પાટીદાર આયોગ બનાવવા અને અન્ય માગણીઓનો સરકાર સ્વીકાર કરે તે રીતે આંદોલનનો અંત લાવવા ફોર્મ્યુલા ઘડાઇ રહી છે. હાર્દિક પટેલ બેઠકમાં હાજર રહ્યો ન હતો પરંતુ પાસના અન્ય નેતાઓ તેમાં હાજર રહેતા પાસમાં જૂથબંધી હોવાનું સ્પષ્ટ થયું હતું. પ્રથમવાર પાટીદાર અગ્રણીઓ અને પાસ-એસપીજીના પ્રતિનિધિઓની વીસ સભ્યોની એક કમિટી બનાવાઇ છે જેની ટૂંક સમયમાં સરકાર સાથે મીટિંગ યોજાશે.
ઉમિયા ધામ ખાતે પાટીદાર અગ્રણીઓ જેરામભાઇ પટેલ, વાસુદેવ પટેલ, સી. કે. પટેલ, ધારાસભ્ય નલિન કોટડિયા, પાટીદાર નેતા કેતન પટેલ વિગેરેની મીટિંગ યોજાઇ હતી. જેમાં એસપીજીના પ્રવક્તા પૂર્વિન પટેલ અને પાસ સાથે સંકળાયેલા નરેન્દ્ર પટેલ, સુરેશ ઠાકરે, દિલીપ સાવલિયા વિગેરે મળીને અનેક આંદોલનકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેતન પટેલે જણાવ્યું હતું કે, આંદોલનનો સુખદ અંત આવે તે માટે બેઠક યોજાઇ હતી. તાજેતરમાં પાસ દ્વારા પાટીદારોને અનામત, પોલીસ દમન કરનારા સામે તપાસ, આંદોલનમાં મૃત્યુ પામેલા પટેલ યુવકના પરિવારને વળતર-નોકરી વગેરે માગણીઓ રજૂ કરાઇ હતી તે ઉપરાંત પાટીદાર સમાજની વિવિધ માગણીઓ સરકારમાં રજૂ કરવા અંગે લાંબી બેઠક યોજાઈ હતી. જેરામભાઇ પટેલે જણાવ્યું હતું કે, બેઠકમાં પાસ અને એસપીજીના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને હવે સરકાર સાથે મીટિંગ યોજાશે. એસપીજીના પ્રવક્તા પૂર્વિન પટેલે જણાવ્યું હતું કે, સમાજની માગણીઓ અંગે સરકાર હાથમાં જે વાત છે તેનો વહેલી તકે સ્વીકાર થાય તે અમારી માગણી છે. બેઠકમાં પણ આંદોલનનો ઉકેલ લાવવા વાટાઘાટ કરવા માટે જે સમિતિ બનાવાઇ છે તેમાં એસપીજીના પ્રતિનિધિ સામેલ થશે.
નલિન કોટડિયાએ જણાવ્યું હતું કે, સરકાર સમક્ષ કરાયેલી કેટલીક માગણીઓ જો સરકાર સ્વીકારી લે તો આંદોલનનો અંત લાવવા અમારી તૈયારી છે. ઉમિયા ધામ સિદસર, ખોડલધામ, સુરત સમસ્ત પાટીદાર સમાજ અને ઉમિયાધામ સહિત ધાર્મિક-સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ તેમાં ઉપસ્થિત રહ્યા હતા. સૂત્રોના જણાવ્યામુજબ પાસ-એસપીજી અને અન્ય અગ્રણીઓ પણ બેઠકમાં પાટીદારોને કોઇપણ રીતે અનામત મળે તે શક્ય નથી તે વાત સાથે લગભગ સંમત થઇ ગયા છે. બંધારણીય રીતે પાટીદારોને અનામત આપવાનો મુદ્દો પકડી રાખવાથી કોકડું ઉકેલાવાનું નથી ત્યારે અન્ય મુદ્દાઓ જેવા કે અલગ પાટીદાર આયોગ બનાવી સમાજને લાભ મળે તથા અન્ય માગણીઓ સરકાર સ્વીકારે તો વિધાનસભાની ચૂંટણી પહેલા આંદોલનનો અંત લાવવા માટે તૈયારી કરાઇ રહી છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર અગ્રણીઓની બેઠક મળી હતી અને તેમણે વિવિધ મુદ્દે સરકાર સાથે મીટિંગ કરવા સમય માગ્યો છે તે મુજબ ટૂંક સમયમાં તેમના જે મુદ્દા છે તેની ચર્ચા કરવા માટે બેઠક યોજાશે. પાટીદાર સમાજ દ્વારા જે માગણીઓ કરવામાં આવી છે તેનો કેવી રીતે ઉકેલ લાવી શકાય તે માટે આગળ વધાશે.
પાટીદાર અગ્રણીઓ દ્વારા હાર્દિકને આમંત્રણ અપાયું હોવાનું કહેવામાં આવ્યું છે પરંતુ પાસના ક્ધવીનર હાર્દિક પટેલે પોતાને આ મીટિંગમાં આમંત્રણ નહીં અપાયું હોવાનું અને ભાજપની સાથે છે તેવા લોકો જ બારોબાર મીટિંગ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. જો કે મીટિંગમાં પાસના અનેક જાણીતા ચહેરા હાજર હોવાથી ફરી એક વખત પાસમાં ભાગલાની સ્થિતિ હોવાનું સ્પષ્ટ થયું છે.હાર્દિકે કહ્યું હતું કે, સમાજના હિતમાં કોઇ નિર્ણય લેવાતો હોય તો મને તેની સામે વાંધો નથી પણ આ બેઠકમાં ઘરના ભૂવાને ઘરના ડાકલા હોય તેવી સ્થિતિ હતી. બેઠકમાં પાસ-એસપીજીના હોદ્દેદારો પણ ન હતા. ચૂંટણી પહેલા આ રીતે લોલીપોપ આપવાનો પ્રયાસ ચાલી રહ્યા છે અને બેઠકમાં હાજર રહેલા અગ્રણીઓ ભાજપ સાથે સંકળાયેલા છે.