એક જ વર્ષમાં રાંધણ ગેસનાં ભાવમાં 218 રૂપીયાનો તોતીંગ વધારો: ગૃહિણીઓમાં ભારે રોષ
કેન્દ્ર સરકાર દ્વારા ફરી એકવાર રાંધણ ગેસના ભાવમાં 50 રૂપીયાનો તોતીંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. એક વર્ષમાં ગેસ સિલિન્ડરનાં ભાવમાં 218 રૂપીયાનો કમ્મરતોડ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. જેના કારણે મધ્યમ વર્ગીય પરિવારનું બજેટ વેરવિખેર થઈ ગયું છે. ગૃહિણીઓનો રોષ સાતમાં આસમાને પહોચી ગયો છે. રાંધણ ગેસમાં ભાવ વધારાના વિરોધમાં આજે ગુજરાત મહિલા કોંગ્રેસ દ્વારા રાજય વ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. તમામ 33 જિલ્લાઓ અને આઠ મહાનગરપાલિકાઓમાં અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત મહિલા કોંગ્રેસના દ્વારા રાંધણ ગેસના ભાવ વધારા આજે દરેક જિલ્લા અને મહાનગર પાલિકા વિસ્તારમાં અનોખી રીતે પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.
મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમ્મરે જણાવ્યું હતુ કે ભાજપ સરકાર દ્વારા રાંધણ ગેસનો ભાવ વધારો આ સામાન્ય જાન તા માટે ખૂબ અસહનીય છે. છેલ્લા એક જ વર્ષમાં 220 રૂપિયા જેટલો વધારો સામાન્ય નાગરિક પર નાખવામાં આવ્યો અને હવે તો સીધો 50 રૂપિયાનો વધારો કર્યો છે. જે પ્રજાએ સરકાર પર મૂકેલા વિશ્વાસ પર તમાચો મારવાનું કાર્ય છે. બહેનો અત્યારે મોંઘવારીના કારણે પરેશાન છે એવામાં રાંધણગેસ પર કરવામાં આવેલો વધારો વિશ્વાસઘાત સમાન છે.
એક વર્ષમાં, ઘરગથ્થુ હેતુઓ માટેના એલપીજીના ભાવમાં 218 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જુલાઈ 2021 માં તે 835 પ્રતિ સિલિન્ડર (14.2 કિગ્રા) હતો, અને હવે લોકોએ 1053 પ્રતિ સિલિન્ડર (14.2 કિગ્રા, દિલ્હી) ચૂકવણી કરવી પડશે. આ સંદર્ભમાં તમામ જિલ્લા તથા શહેર મહિલા કોંગ્રેસ સમિતિઓએ તેમના વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમનું મૂલ્યાંકન પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રી જેનીબેન ઠુમ્મર કરશે.