ભાડે અને ગીરવે રાખેલી કારનું વેચાણ કરી જીપીએસ સિસ્ટમની મદદથી લોકેશન મેળવી કાર હંકારી જતો હોવાની કબુલાત
રૂ.53.61 લાખની કિંમતની નવ કાર ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કરી: અમદાવાદના બે શખ્સોની શોધખોળ
સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહિતના જુદા જુદા શહેરોમાં ભાડે રાખેલી અને ગીરવે રાખેલી કારમાં જીપીએસ સિસ્ટમ લગાવી લોકેશન મેળવી ફરી કારનો કબ્જો મેળવી લેવાના રાજય વ્યાપી કૌભાંડનો ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે પર્દાફાસ કર્યો છે. પોલીસે રુ.ા.53.61ની કિંમતની નવ લકઝરીયસ કાર કબ્જે કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગત તા.8-11-22ના રોજ 150 ફુટ રીંગ રોડ પરથી બોલેરોની ચોરી થઇ હતી. કાર ચોરીના ગુનામાં અમદાવાદની ગેંગની સંડોવણી હોવાનું બહાર આવતા પોલીસે અમદાવાદના મહંમદ ઇમ્તિયાઝ વોરા અને અશરફ મયુદીન દિવાનની ધરપકડ કરી હતી. બંને વાહન ઉઠાવગીરની પૂછપરછ દરમિયાન અમદાવાદની ગેંગ ગીરવે મુકેલી અને ભાડે રાખેલી કારમાં જીપીએસ સિસ્ટમ લગાવી ફરી ચોરી કરી બારોબાર વેચામ કરવાનું કૌભાંડ ચલાવતા હોવાનું બહાર આવ્યું હતું.
દરમિયાન રેલવે સ્ટેશન પાસેથી ઇમ્તિયાઝ ઉર્ફે બોબડા યુનુસ વોરા નામના શખ્સને ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. બી.ટી.ગોહિલ, પી.એસ.આઇ. સાકરીયા, હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ રાઠોડ, ધર્મેશભાઇ ડાંગર અને જયપાલભાઇ બરાલીયા સહિતના સ્ટાફે તેની ધરપકડ કરી પૂછપરછ કરતા તે લોનવાળી કાર સસ્તાભાવે ગીરવે રાખી અડધા ભાવે કાર વેચી તેમાં જીપીએસ સિસ્ટમ લગાવી બીજી ચાવીની મદદથી ફરી કારની ઉઠાંતરી કરી બારોબાર વેચી નાખવાની કબુલાત આપતા ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે તેની પાસેથી સુરત, વડોદરા અને અમદાવાદ પાસીંગની રુા.53.61 લાખની કિંમતની નવ કાર કબ્જે કરી હતી. તેની સાથે અમદાવાદના હુસેનખાન બાબાભન પઠાણ અને રિઝવાન હાફીઝ રસીદ નામના શખ્સોની સંડોવણી હોવાની કબુલાત આપતા પોલીસે બંને શખ્સોની શોધખોળ હાથધરી છે.