રાજયમાં અવારનવાર મહિલાઓની છેડતીથી માંડીને અન્ય પ્રકારના બનાવો બનતાં રહે છે. આવા બનાવોમાં યુવતીઓ પોતાનું સ્વરક્ષણ કરી શકે તે માટે તાલીમ આપવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતી ધો.6થી 12ની વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણની ઓનલાઈન તાલીમ આપવામાં આવશે. આ માટે વિદ્યાર્થિનીઓએ દીક્ષા પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યારબાદ કોર્સમાં જોડાઈને ઓનલાઈન તાલીમ લેવાની રહેશે.
વિદ્યાર્થીનિઓએ દીક્ષા પોર્ટલ પર અરજી કરી સપ્ટેમ્બર સુધીમાં તાલીમ મેળવવાની રહેશે
જે વિદ્યાર્થિનીઓએ ગત વર્ષે તાલીમ લીધી નથી તેમણે પણ તાલીમ લેવાની રહેશે અને જે વિદ્યાર્થિનીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ તાલીમ લીધી નથી તેમને પણ તાલીમ લેવા માટે જણાવાયું છે. સપ્ટેમ્બર-2021 સુધીમાં વિદ્યાર્થિનીઓ આ તાલીમ મેળવી લે તે માટે ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્વારા તમામ શિક્ષણાધિકારીઓને સૂચના આપી છે.
કોવિડ-19 મહામારીના કારણે વર્ષ 2020-21માં શાળાઓ બંધ હોવાથી જિલ્લાની સરકારી ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની ધો.6થી 12ની વિદ્યાર્થિનીઓને ઓનલાઈન સ્વરક્ષણની તાલીમ આપવા માટે જણાવવામાં આવ્યું હતું.
શૈક્ષણિક વર્ષ 2021-22માં પણ કોવિડ-19 મહામારીના કારણે હાલમાં શાળાઓ બંધ હોવાથી પ્રત્યક્ષ તાલીમ આપવી શક્ય નથી. જેથી આ વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણ તાલીમ આપવા માટે ઓનલાઈન કાર્યવાહી કરવામાં આવનાર છે. વર્ષ 2020-21માં જે વિદ્યાર્થિનીઓને તાલીમ લેવાની બાકી હોય તેમણે દિક્ષા પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી તાલીમ લેવાની રહેશે. જે વિદ્યાર્થિનીઓએે રજિસ્ટ્રેશન કરેલું છે અને તાલીમ પૂર્ણ કરી નથી તેમને પણ તાલીમ પુર્ણ કરવાની રહેશે. ઓનલાઈન સ્વરક્ષણ તાલીમમાં દીક્ષા પોર્ટલના માધ્યમથી જોડાઈ શકાશે. આ માટે રજિસ્ટ્રેશન માટેની લિંક અને કોર્સમાં જોડવવા માટેની લિંક પણ આપવામાં આવી છે. વિદ્યાર્થિનીઓએ સપ્ટેમ્બર-2021 સુધીમાં તાલીમ મેળવી લેવાની રહેશે.