ઉમરગામ સમાચાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કે જે મુંબઈ-અમદાવાદને જોડતી હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટ છે જેમાં વલસાડ ઉમરગામ તાલુકાના ઝરોલી ગામ ખાતે આવતા પહાડમાં ટનલ બનાવવાની કામગીરી હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી હતી. માત્ર 10 મહિનામાં પહાડો વચ્ચે ટનલ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
ટનલની કામગીરી કઈ રીતે કરવામાં આવી
ટનલ કુલ 350 મીટર અને 12.6 મીટરનો વ્યાસ ધરાવે છે. સુરંગની ઊંચાઈ 10.25 મીટર છે. જે સિંગલ ટ્યૂબ હોર્સ-શૂ અકારમાં નિર્માણ કરવામાં આવી છે. જેમાં 2 ટ્રેક ઉપર હાઈ સ્પીડ રેલ આવાગમન કરશે. બુલેટ ટ્રેનની એકમાત્ર ટનલની કામગીરી પૂર્ણ થતાં હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાતની એક માત્ર ટનલ બનાવવામાં આવી છે. 350 મીટર લંબાઈની સુરંગમાં પથ્થરોને તોડવા 120 બ્લાસ્ટ કરાયા હતા. આ બ્લાસ્ટ દરમિયાન કર્મચારીઓને સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. તો આસપાસના એરિયાને ધ્યાને રાખી દિવસ દરમિયાન જ આ કામગીરી કરવામાં આવી હતી. રાત્રિના સમયે ટનલનું ખોદકામ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું હતું.
ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લીમીટેડ દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેકટ કાર્યરત છે. આ પ્રોજેકટ હેઠળ વલસાડ જિલ્લાનું ઝરોલી ગામ સમગ્ર ગુજરાતમાં એક નવી ઓળખ પામ્યું છે. કેમ કે, અહીંના એક પર્વતમાંથી બુલેટ ટ્રેન આરપાર પસાર થવાની છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લીમીટેડ દ્વારા હાથ ધરાયેલ બુલેટ ટ્રેન પ્રોજેકટ હેઠળ અહીં 350 મીટર લાંબી પર્વતીય ટનલનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના ચીફ પ્રોજેકટ મેનેજર સત્યપ્રકાશ મિત્તલ સહિતની ટીમે ગુરુવારે ઝરોલી ખાતે આવી ટનલનું નિરીક્ષણ કર્યું હતું. તેમની હાજરીમાં જ સુરંગના આખરી આરપારના એન્ટ્રેસને એક્સપલોઝીવની મદદથી બ્રેક થ્રુ કરવામાં આવ્યું હતું. સત્યપ્રકાશ મિત્તલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતની આ એકમાત્ર ટનલ છે જેને બ્રેક થ્રુ કરી ગુજરાત મહારાષ્ટ્ર વચ્ચે દોડનારી ટ્રેનના રૂટનો બંને તરફનો રસ્તો ખોલી નાખ્યો છે. પર્વતની જે ટનલ છે તે ટનલનો એક છેડો મુંબઈ તરફ તો બીજો છેડો અમદાવાદ તરફનો છે.
આ પ્રોજેક્ટ હેઠળ તમામ કામગીરી લેટેસ્ટ ઇક્વિપમેન્ટ દ્વારા કરવામાં આવી રહી છે. ટનલનો આકાર હૉર્સ-શૂ ટાઈપમાં તૈયાર કરવામાં આવ્યો છે. જેથી સુરંગમાં જ્યારે પણ બુલેટ ટ્રેન પસાર થાય ત્યારે હવાનું દબાણ વર્તાશે નહીં અને તેની ગતિમાં અવરોધ ઊભો નહીં થાય તેનું ઇજનેરો દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનો કુલ 508 કિલોમીટર લાંબો રૂટ છે. આ રૂટ ઉપર ટ્રેન તેજગતિથી દોડી શકે તે માટે પિલર ઊભા કરવામાં આવ્યા છે. તો, રૂટ ઉપર આવતી નદીઓ ઉપર બ્રિજ બનાવવામાં આવ્યા છે. જો કે, પહાડમાંથી પસાર થતી હોય તેવી ગુજરાતની આ પ્રથમ ટ્રેન હશે. તો, એ જ રીતે ઝરોલી ગામ પણ એવું પ્રથમ ગામ બન્યું છે. જ્યાના પહાડમાં બનાવેલી ટનલમાંથી ટ્રેન આરપાર પસાર થશે.