રાજ્યના સમૂદ્ર કિનારાના વિકાસ માટે સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે બેટ દ્વારિકા, શિયાળ બેટ અને પિરોટન ટાપુઓને પર્યટન-પ્રવાસન હોટસ્પોટ તરીકે વિકસાવવા વધુ એક મહત્વની જાહેરાત કરી છે. પ્રવાસન-ઈન્ફ્રાસ્ટ્રકચર તેમજ સામાજિક આર્થિક વિકાસના કામોના વિવિધ પ્રોજેકટસ રાજ્ય સરકાર હાથ ધરશે. આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ચોથી બેઠક મળી હતી. જેમાં આ ટાપુઓને ટુરિઝમ અને નેચર રિલેટેડ એક્ટિવિટીઝ, એડવેન્ચર સ્પોર્ટસ સહિતની ગતિવિધિઓથી પ્રવાસન પ્રવૃત્તિના આકર્ષણ કેન્દ્રો બનાવવાના વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

ગુજરાત ૧૬૦૦ કિ.મી. લાંબો સમુદ્ર કિનારો અને ૧૪૪થી વધુ આયલેન્ડસ-બેટ ધરાવતું વિકાસશીલ રાજ્ય છે. તે સંદર્ભમાં કેન્દ્ર સરકારની આયલેન્ડ ડેવલપમેન્ટ પોલિસીને સુસંગત રાજ્યના આયલેન્ડ ટાપુઓના વિકાસ માટે રાજ્ય સરકારે આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરી છે. જેનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષાની જાળવણી સાથે ટાપુઓ પર આર્થિક-સામાજિક-સોશિયો ઇકોનોમિક અને પ્રવાસન ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાનો છે.

દરિયાઈ ક્ષેત્રના વિકાસ થકી ટુરિઝમને વેગ આપવા તરફ મોટો નિર્ણય

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ચોથી બેઠકમાં બેટ દ્વારિકામાં ૧પ, શિયાળ બેટમાં ર૦ અને પિરોટન ટાપુના ૧ર મળી કુલ ૪૭ પ્રોજેકટસ વિકસાવીને આ ટાપુઓને પર્યટન હોટસ્પોટ તરીકે ડેવલપ કરવાની બાબતે વિશાદ પરામર્શ-વિચારણા હાથ ધરી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ઉપરાંત શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મહેસૂલમંત્રી કૌશિક પટેલ સહિત ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ સહભાગી થયા હતા.

વિકાસ માટે કયા કયા પ્રોજેકટ હાથ ધરાશે ??

આ બેઠકમાં કાર્યવાહીની વિગતો પ્રેઝન્ટેશન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. તદઅનુસાર, બેટ દ્વારિકામાં ઇકો ટુરિઝમ એન્ડ વોટર સ્પોર્ટસ, મરિન ઇન્ટરપ્રિટેશન સેન્ટર, બિચફ્રન્ટ ડેવલપમેન્ટ, લેઇક ફ્રન્ટ ડેવલપમેન્ટ, ડોલ્ફીન વ્યૂઇંગ સહિતના પ્રવાસન સુસંગત પ્રોજેકટ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ માટે રૂ. ર૮.૯પ કરોડના વિવિધ કામો માટે વિકાસ માસ્ટર પ્લાન તૈયાર કરવા એજન્સીની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને ઓથોરિટી દ્વારા ડિટેઇલ્ડ પ્રોજેકટ રિપોર્ટ મંજૂર કરી દેવાયો છે.

CM Vijayકઈ કઈ આકર્ષક સુવિધા ઊભી થશે ??

શિયાળ બેટ ટાપુ ઉપર ઇકો રિસોર્ટ, ઇકો પાર્ક, ડોલ્ફીન વ્યૂઇંગ પોઇન્ટ, આર્કિયો લોજીકલ ડિસપ્લે ગેલેરી, બીચફ્રન્ટ ડેવલપમેન્ટ અને વોટર એક્ટિવિટીઝ જેવા કામો સહિતના ટુરિઝમ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને સોશિયો ઇકોનોમિક પ્રોજેકટસના કુલ ૩પ.૯પ કરોડના કામો માટે પણ વિકાસ એજન્સીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પિરોટન ટાપુ પર ટૂંક સમયમાં ઇકોફ્રેન્ડલી ટુરિઝમ પ્રોજેકટ હાથ ધરવામાં આવશે. તેમ સરકારે જણાવ્યુ છે.

આ ઉપરાંત મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતાની આ બેઠકમાં અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય એવો પણ લેવામાં આવ્યો છે કે, દ્વારિકાની આઇ.ટી.આઇ.ને મરિન સ્કીલ ટ્રેનિંગ સેન્ટર તરીકે વિકસાવવામાં આવશે. દ્વારકા, પિરોટન અને શિયાળ બેટ ટાપુઓ પર સાકાર થનારા ૪૭ જેટલા પ્રવાસન વિકાસ એડવેન્ચર્સ સ્પોર્ટસ અને નેચર એજ્યુકેશન તેમજ ફિશરીઝ સેકટરના પ્રોજેકટસને અનુરૂપ સ્કીલ્ડ મેનપાવરની જરૂરિયાત ઊભી થશે તેને આ મરિન સ્કીલ ટ્રેનિંગ સેન્ટર પૂરી કરી શકશે. એટલું જ નહિ સ્થાનિક યુવાઓને રોજગાર અવસર પણ મળશે

દ્વારિકાની આઇ.ટી.આઇ.ના મરિન સ્કીલ ટ્રેનિંગ સેન્ટરની ખાસિયત શું હશે ?

રાજ્ય સરકારના ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશન દ્વારા નેચર એન્વાયરેમન્ટ એજ્યુકેશન ટૂર ગાઇડ, કોરલ ટૂર ગાઇડ, મરિન બાયોલોજીસ્ટ ટુરિઝમ તથા એન્ડવેન્ચર્સ વોટર સ્પોર્ટસ અંતર્ગત એડવેન્ચર સ્કાઉટ, પેરાસેઇલીંગ ડ્રાઇવર પેરાસેલિંગ ગાઇડ, લાઇફ ગાર્ડ, બોટ ઓપરેટર જેવા સૂચિત અભ્યાસક્રમો દ્વારિકા આઇ.ટી.આઇ.માં શરૂ કરાશે. મરિન કેપ્ચર ફિશરમેન કમ પ્રાયમરી પ્રોસેસર, ફિશીંગ એન્ડ સી ફૂડ પ્રોસેસિંગ ટેકનીશીયન વગેરે ફિશરીઝ રિલેટેડ સૂચિત અભ્યાસક્રમો પણ શરૂ કરવામાં આવશે. આવા અભ્યાસક્રમોના ઇન્ફ્રાસ્ટ્રકચર, કન્ટેન્ટ, ફેકલ્ટી ડેવલપમેન્ટ વગેરે ટેકનીકલ આસિસ્ટન્સ અને સપોર્ટ માટે નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ વોટર સ્પોર્ટસ-ગોવા જેવી ખ્યાતિ પ્રાપ્ત સંસ્થાઓ સાથે જોડાણ કરવામાં આવશે તેમ પણ બેઠકમાં ચર્ચા-પરામર્શ દરમ્યાન જણાવવામાં આવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.