મહામારીના કપરા સમયમાં દર્દીઓને સેવા કરવાને બદલે મેવા મેળવવાના કૌભાંડમાં બે તબીબ અને મેડિકલ ક્ષેત્રમાં જોડાયેલા શખ્સોએ લાંછન લગાડ્યું
અંકલેશ્વરની લાયકા લેબથી ચોરેલું રૂ.૧૦૦૦નું ઇન્જેક્શન દર્દી પાસે પહોંચે ત્યારે રૂ.૭૮૫૦ કિંમત થઈ જતી
રાજકોટમાં પોલીસે મ્યુકર મહામારીના ઇન્જેક્શનની કાળાબજારીનો ભેદ ઉકેલતા રાજ્ય વ્યાપી કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં પોલીસે કુલ ૧૪ શખ્સોની ધરપકડ કરી છે. આવી કપરી પરિસ્થિતિમાં પણ દર્દીઓની સેવા કરવાને બદલે મેવા મેળવવા માટે બ્લેકમાં ઇન્જેક્શન વહેંચી કૌભાંડ આચરનાર બે તબીબોએ સમગ્ર મેડિકલ ક્ષેત્રને લાંછન લગાવ્યું છે. તમામ કૌભાંડીઓ અંકલેશ્વરની લાયકા કંપનીમાંથી ઇન્જેક્શન ચોરતા હોવાનું સામે આવ્યું છે. રૂ.૧૦૦૦ની કિંમતનું ચોરેલું ઇન્જેક્શન દર્દીઓ પાસે પહોંચે ત્યારે કાળાબજારીમાં તેની કિંમત રૂ.૭૮૫૦ સુધી પહોંચી જતી હતી. એસઓજી અને પોલીસે રાજ્ય વ્યાપી કૌભાંડમાં કુલ ૧૦૧ ઇન્જેક્શન અને વાહન સહિત કુલ રૂ.૧૧.૬૩ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
રાજકોટમાં એક તરફ કોરોનાની વૈશ્વિક મહામારી બાદ હવે મ્યુકરમાયકોસીસની સ્થિતિ સામે લડવા આરોગ્ય તંત્ર તનતોડ મહેનત કરી કરી રહ્યું છે. બીજી તરફ આ મહામારીના સમયમાં કાળાબજારીયાઓ બેફામ બન્યા છે. રાજકોટમાં રેમડેસિવિર બાદ મ્યુકોરમાયકોસિસ સારવારમાં વપરાતા એમફોટેરીસીન બી ઇન્જેક્શનની કાળાબજારીનું રાજ્યવ્યાપી કૌભાંડ સામે આવ્યું છે. જેમાં રાજકોટ એસઓજી પોલીસે સુરતના મુખ્ય આરોપી હાર્દિક પટેલ સહિત ૧૪ આરોપીની ધરપકડ કરી રૂ.૪,૨૩,૪૬૭ કિંમતના ૧૦૧ ઇન્જેક્શન કબજે કરી કુલ રૂ.૧૧.૬૩ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
પોલીસે ૧૦૧ ઇન્જેક્શન અને વાહનો સાથે કુલ રૂ.૧૧.૬૩ લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે : ૧૪ની ધરપકડ
આ રાજ્ય વ્યાપી કૌભાંડ અંકલેશ્વરની લાયકા ફાર્મા કંપનીમાંથી શરૂ થતું હતું. ચોરી કરીને નીકળેલા ઇન્જેક્શનની બજાર કિંમત રૂ.૧૦૦૦થી દર્દીઓ પાસે પહોંચે ત્યારે રૂ.૭૮૫૦ જેટલી વધી જતી હતી. વચેટિયાઓ પાસેથી આવતા ઇન્જેક્શનમાં કમિશનનો દર વધતા ઇન્જેક્શનનો ભાવ અનેક ગણો વધી જતો હતો.
આ અંગે રાજકોટ શહેર SOG પોલીસને બાતમી મળી હતી જેમાં રૈયા રોડ પર સેલ્સ હોસ્પિટલ નજીક મેહુલ કટેસીયા નામનો વ્યક્તિ મ્યુકોરમાયકોસિસ સારવાર માટે વપરાતા એમફોટેરીસીન બી ઇન્જેક્શન જેની મૂળ કિંમત રૂ.૩૪૫ છે જેના બદલે રૂ.૬૫૦૦ વસૂલી કાળાબજારી કરતા હતા જે આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલી આરોપીની ધરપકડ કરી બે ઇન્જેક્શન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ રીતે ચાલતું હતું રાજ્યવ્યાપી ઇન્જેક્શનનું નેટવર્ક
અંકલેશ્વરની ઇન્જેક્શન બનાવતી કંપની લાયકા લેબમાંથી જુનિયર એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતો વિશ્વાસ રાયસિંગ પાવરા પાસેથી ઇન્જેક્શનની બોટલો મેળવી તે જ કંપનીનો શુભમ શંભુપ્રસાદ તિવારી નામનો સ્ટોરકીપર અને જે.બી. કેમિકલ્સમાં પ્રોડકશન ઓફિસર તરીકે ફરજ બજાવતો અભિષેક તુરહા ઇન્જેક્શન ચોરતો હતો. વિશ્વાસ પાવરા પાસેથી રૂ.૧૦૦૦માં ઇન્જેક્શન લઈ આ બંને શખ્સો આગળ એજન્ટ હાર્દિક પટેલને રૂ.૪૫૦૦માં વહેંચતા હતા. ઉલ્લેખનિય છે કે હાર્દિક પટેલ મૂળ સુરતનો રહેવાસી છે અને તે પોતે અંકલેશ્વરની જે.બી.કેમિકલ કંપનીમાં નોકરી કરતો હતો અને શુભમ તિવારી સાથે રૂમમાં ભાડે સાથે રહેતો હોવાથી સંપર્ક થયો હતો અને ઇન્જેક્શન કાળાબજારી કરવા પ્લાન ઘડ્યો હતો.
સુરતના હાર્દિક મુકેશ પટેલ જેતપુરના મેડિકલ એજન્સીમાં કામ કરતો હિરેન મનસુખ રામાણીને રૂ.૪૫૦૦ ઇન્જેક્શન આપતો હતો. ત્યાર બાદ હિરેન જુદા-જુદા ગ્રાહકોને ગોતી કાળાબજારીમાં દર્દીઓને રૂ.૭૮૫૦માં વહેંચતો હતો.
રાજકોટના બે તબીબોએ પણ કૌભાંડમાં હાથ કાળા કર્યા
મ્યુકરની મહામારીમાં દર્દીઓના ખિસ્સા ખાલી કરી પોતાના ગજવા ભારે કરવાના ઇન્જેક્શનના કૌભાંડમાં રાજકોટના બે તબીબોએ પણ પોતાના હાથ કાળા કર્યા છે. જેમાં મૂળ કોડીનારના અને હાલ રાજકોટમાં રહેતા ડો.વત્સલ બારડ અને ડૉ.યશ ચાવડાએ પણ પોતાના ખિસ્સા ભરવા માટે વહેતી ગંગામાં હાથ ડૂબાડયા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે બંને તબીબોની પણ ધરપકડ કરી છે. રાજ્યવ્યાપી કૌભાંડમાં બે તબીબો સાથે મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા આરોપીની સંખ્યા પણ વધારે હોવાનું સામે આવ્યું છે. લેબ અને મેડિકલ સ્ટોર ધરાવતા શખ્સોને પોલીસે દબોચી લીધા છે.
રાજ્યવ્યાપી કૌભાંડમાં ઝડપાયેલા આરોપી અને તેમની લાયકાત
મ્યુકર ઇન્જેક્શનના રાજ્યવ્યાપી કૌભાંડમાં પોલીસે રાજકોટના મેહુલ ગોરધન કટેશીયા (નર્સિંગ સ્ટાફ), રાયસીંગ ઉર્ફે ગોપાલ જગદીશ વંસ (ધંધો), જસદણનો અશોક નારણ કાગડીયા (નર્સિંગ સ્ટાફ), જૂનાગઢનો નિકુંજ જગદીશ ઠાકર (ખાનગી નોકરી), રાજકોટના ડો.વત્સલ હરાજ બારડ (તબીબ), ડો.યશ ક્રદલીપકુમાર ચાવડા (તબીબ), જેતપુરનો સાગર ચમન કીયાડા (મેડિકલ એજન્સી સંચાલક), રાજકોટનો ઉત્સવ નપયુષ નીમાવત (ખાનગી નોકરી), રૂદય મનસુખ જાગાણી (સીસીટીવી કેમેરા ફિટિંગ), જૂનાગઢનો હીરેન મનસુખ રામાણી (દવા એજન્સી), સુરતનો હાદીક મુકેશ વડાલીયા (નોકરી કેમિકલ કંપની), અંકલેશ્વરના શુભમ રામપ્રશાદ તીવારી (સ્ટોર ઇન્ચાર્જ – લાયકા ઇન્જેક્શન કંપની), વિશ્વાસ રાયનસિંગ પાવરા (નોકરી ઇન્જેક્શન કંપની) અને અભિષેક કુમાર શ્રવણકુમાર શાહ ( નોકરી ઇન્જેક્શન કંપની)
કૌભાંડના પર્દાફાશ બદલ પો.કમિશનરે એસઓજી ટીમની પીઠ થબથબાવી ઇનામ જાહેર કર્યું
રાજકોટમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી) દ્વારા મ્યુકરના ઇન્જેક્શનનું કાળાબજારી ઝડપી પાડતા રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં એસઓજી પીઆઇ આર.વાય.રાવલ, પીએસઆઇ એમ.એસ.અંસારી, એએસઆઈ રાજુ ભટ્ટ, બાદલ દવે, હેડ કોન્સ્ટેબલ ધીરેન ગઢવી, કિશોરદાન ગઢવી, કોન્સ્ટેબલ મહમદઅઝહરુદિન બુખારી, સિરાજ ચાનીયા, જયુભા પરમાર, સોનાબેન મૂળિયા, શાંતુંબેન મૂળિયા, ભૂમિકાબેન ઠાકર અને હરિભાઈ બાલસરાએ ભારે જહેમત ઉઠાવતા તેમની સરાહનીય કામગીરીને રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે બિરદાવી તેમની પીઠ થાબડી હતી. એસઓજીની આ ટીમને પોલીસ કમિશનરે રૂ.૧૫,૦૦૦નું ઇનામ પણ જાહેર કર્યું હતું.