રાજકોટ જિલ્લામાં ૩૧૪ કામોની યાદી તૈયાર
સમગ્ર રાજ્યમાં ૧મી માર્ચ-૨૦૨૦ થી સુજલામ સુફલામ જળસંચય યોજનાનો પ્રારંભ થઇ રહયો છે ત્યારે રાજકોટ જિલ્લામાં આગોતરા આયોજન રૂપે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન કરાયું હતું.
કલેક્ટરએ બેઠકમાં જણાવ્યું કે જળસંચયના કામો તાલુકાકક્ષાએ થી સુનિશ્વત કરીને જિલ્લા કક્ષાએ મોકલવા જોઇએ, જેના કારણે કામો સમયસર અને સારી રીતે થઇ શકે. તેમણે ઉમેર્યુ કે ગતવર્ષમાં કોઇપણ કારણસર ન થયા હોય તેવા કામોને અગ્રતા આપી ચાલુ વર્ષના માસ્ટર પ્લાનમાં તેનો સમાવેશ કરી શકાય. જિલ્લાના અમુક વિસ્તારમાં ઓછો વરસાદ થયો છે તે વિસ્તારમાં પીવાના પાણીની મુશ્કેલીને ધ્યાનમાં રાખી જળસંચયના કામોને અગત્યનાં ધોરણે શરૂ કરવા જણાવ્યું હતું.
રેમ્યા મોહને જણાવ્યું કે જળસંચયના કામોને રાજ્ય સરકાર પ્રાધાન્ય આપી રહ્યુ છે અને જેના દ્વારા જમીનમાં પાણીના તળપણ ઉપર આવે છે, તેવા સંજોગોમાં લોકોએ પણ પાણીનું મહત્વ સમજીને બીનજરૂરી વેડફાય નહી તેનું ધ્યાન રાખવા સૂચન કર્યુ હતું અને આમ જનતામાં પાણી બચાવવા માટેની જાગૃતિ લાવવા અંગે બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું.
આ બેઠકમાં અભિયાનનાં નોડલ ઓફિસર કે.એચ.મહેતાએ જણાવ્યું કે જિલ્લામાં જળસંપતિ વિભાગના ૨૦૫, વન અને પર્યાવરણ વિભાગના ૭૭, પાણી પૂરવઠાનું૧, નગરપાલીકાના ૮, અને જિલ્લા જળ વિકાસ એજન્સીના ૨૩ કામો મળી કુલ ૩૧૪ કામોનું લીસ્ટ તૈયાર થયું છે, આ ઉપરાંત હજુ પણ કામોનો સમાવેશ થઇ શકે તે માટે તાલુકાકક્ષાએથી વ્યવસ્થીત પ્લાન તૈયારને મોકલવા હિમાયત કરી હતી.
આ બેઠકમાં જળસંચયના કામો સાથે સંકળાયેલ અલગ અલગ વિભાગ અને કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.