રાજકોટના 2 હજાર સહિત સૌરાષ્ટ્રના 15 હજાર જેટલા કર્મીઓ 9 જૂનથી વિવિધ આંદોલનના કાર્યક્રમો આપશે: ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન, રાજ્ય એસ.ટી. કર્મચારી મહામંડળ અને એસ.ટી. મજદૂર મહાસંઘ માસ સી.એલમાં જોડાશે

ગુજરાત એસ.ટી. નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્ર્નોને લઇને છેલ્લાં ઘણા સમયથી ચાલતી માંગણીઓનો હજુ ઉકેલ નથી આવ્યો ત્યાં વધુ એકવાર રાજ્યના એસ.ટી. કર્મચારીઓ આગામી તા.17મી માસ સી.એલ પર ઉતરી જશે. જેમાં રાજકોટના 2 હજાર સહિત સૌરાષ્ટ્રના 15 હજાર જેટલા કર્મીઓ 9 જૂનથી વિવિધ આંદોલનના કાર્યક્રમો આપશે. ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન, રાજ્ય એસ.ટી. કર્મચારી મહામંડળ અને એસ.ટી. મજદૂર મહાસંઘ માસ સી.એલમાં જોડાશે.

તા.17મી થી ગુજરાતભરમાં એસ.ટી. કર્મચારીઓ માસ સી.એલ ઉપર ઉતરી જઇ બસના પૈંડા થંભાવી દેવાની ચીમકી આપી છે. કર્મચારી યુનિયનને વર્ગ-4થી લઇને વર્ગ-1 સુધીના કર્મચારીઓને લગતી 23 માંગણીઓ મૂકી છે. અગાઉ પણ આંદોલનની તૈયારી યુનિયને કરી હતી. પરંતુ સરકારે પ્રશ્ર્નોના નિરાકરણ માટે ખાતરી આપતા આંદોલન મોકૂફ રાખ્યું હતું. પરંતુ પડતર પ્રશ્ર્નો અંગે છેલ્લા ઘણા સમયથી કોઇ જ માંગણી સ્વીકારવામાં ન આવતા એસ.ટી.ના ત્રણેય યુનિયનો ફરી મેદાને આવ્યા છે.

આ બાબતે એસ.ટી. યુનિયનના પ્રમુખ મહેશ વેકરીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આઠ મહિના પૂર્વે વાહન વ્યવહાર મંત્રીની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં લેખિતમાં સમાધાન અનુસારના સરકાર લેવલના મુદ્ાઓ અને આર્થિક ચૂકવણાઓના મુદ્રામાં તા.1/11/2021 થી અમલમાં આવે તે રીતે ચૂકવણા અમલવારીના આદેશ આપેલ હોવા છતાં તે બાબતે આજ દીન સુધી ચુકવણા અમલવારી ન થવાને કારણે નિગમના કર્મચારીઓને આર્થિક નુકશાન થઇ રહ્યું છે. તા.10/5/2022 સુધીમાં પડતર મુદ્ાઓનું નિરાકરણ ન આવવાના સંજોગોમાં અગાઉ મોકૂફ રાખેલ આંદોલન પુન:જીવત કરવાની ફરજ પડી છે.

જેને લઇને આગામી તા.9 જૂનથી 16 જૂન સુધી વિવિધ આંદોલન કાર્યક્રમો કરવામાં આવશે તેમજ 17 જૂનથી રાજ્યભરના એસ.ટી.કર્મીઓ હડતાલ પર ઉતરી જશે.

મુખ્ય માંગણીઓ

  1. ડ્રાઇવર અને ક્ધડક્ટરના ગ્રેડ-પે સુધારા તેમજ એરિયર્સ સહિતનું ચુકવણું કરવું.
  2. નિગમના કર્મચારીઓને ડી.એ.ચુકવણું કરવું.
  3. 2021-22ની હક્ક રજાનું રોકડમાં તાત્કાલીક ચુકવણું કરવું.
  4. ડ્રાઇવર કમ કંડક્ટરના ગ્રેડ-પેનું ચુકવણું કરવું.
  5. એક્સગ્રેશીયા બોનસ તાત્કાલીક ચૂકવવું.
  6. આશ્રીતોનો નોકરી આપવી.
  7. સાતમા પગાર પંચનો લાભ આપવો.
  8. એસ.ટી. કર્મીઓને રાજ્ય સરકારના કર્મીઓ જાહેર કરવા

આંદોલન કાર્યક્રમ

  1. 9 જૂનથી બે દિવસ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવશે.
  2. 11 જૂનથી બે દિવસ કર્મીઓ યુનિફોર્મ પહેર્યા વિના ફરજ બજાવશે.
  3. 13 જૂનથી બે દિવસ રિસેષ સમયગાળા દરમિયાન સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવશે.
  4. 14 જૂનથી બે દિવસ કર્મચારીઓ ટ્વીટર દ્વારા પોતાની માંગણીઓ મૂકશે.
  5. 15 જૂને મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખી કર્મચારીઓ પોતાની વ્યથા ઠાલવશે.
  6. 17મી જૂને રાત્રે 12 વાગ્યાથી કર્મચારીઓ સ્વયંભૂ અચોક્કસ મુદ્ત માટે માસ સી.એલ પર ઉતરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.