માત્ર બે વર્ષના ટૂંક ગાળામાં જ જાહેર દેવામાં 60 હજાર કરોડથી વધુ રકમનો ધરખમ વધારો થયો
ગુજરાત વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળમાં ગુજરાત પર દેવાના વિપક્ષના સવાલમાં સરકારે આંકડા રજૂ કર્યા છે. ગુજરાતનું જાહેર દેવું 3 લાખ કરોડને પાર થયુ છે. વર્ષ 2020-21માં દેવામાં 33, 864 કરોડનો વધારો થયો છે. જ્યારે વર્ષ 2019-20માં દેવામાં 26, 791 કરોડનો વધારો થયો છે. કોંગ્રસ ધારાસભ્ય નિરંજન પટેલે પૂછેલા સવાલનો સરકારે જવાબ આપ્યો છે. બીજી બાજુ ગૃહમાં રૂપાણી સરકારની કામગીરી, નિર્ણયોની ટીકા કરતો કેગનો અહેવાલ રજૂ કરાયો, કેગના અહેવાલની બુકને બદલે સીડી આપવામાં આવી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજય સરકારનું નાણાકીય વર્ષ 2020-21ની સ્થિતિમાં 3,00,959 કરોડ દેવું હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. વર્ષ 2019-20માં 26,791 કરોડ અને વર્ષ 2020-21 મા 33,864 કરોડ દેવામાં વધારો થયો છે.. પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલના સવાલ પર રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો હતો.
ગુજરાત સરકારનું દેવું દિવસ-રાત કૂદકે ને ભૂસકે વધતું જાય છે. 31 માર્ચ, 2021ના અંતે સરકારનું જાહેર દેવું રૂ. 3,00,959 કરોડે પહોંચશે અને બે વર્ષ બાદ 2023-24ના અંતે એ રૂ. 4,10,989 કરોડ વટોળી જવાનો અંદાજ છે. વર્ષ 2021-22ના અને વર્ષ 2022-23ના આખરે આ જાહેર દેવું અનુક્રમે રૂ. 3,27,124 કરોડ તથા રૂ. 3,71,989 કરોડ રહેવાની ધારણા રખાઈ છે. રાજ્યના જાહેર દેવામાં માત્ર બે વર્ષના ટૂંક ગાળામાં જ 60 હજાર કરોડથી વધુ રકમનો ધરખમ વધારો થયો છે, વર્ષ 2018-19ના અંતે જાહેર દેવું રૂ. 2,40,305 કરોડ હતું.