મહેસાણા જિલ્લામાં ગોઝારીયા કેળવણી મંડળના અષ્ટ શતાબ્દી મહોત્સવનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પ્રારંભ: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પણ પ્રેરક ઉપસ્થિતી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ મત વ્યકત કર્યો છે કે, કોઇ પણ રાષ્ટ્ર-રાજ્યનો વિકાસ શિક્ષણ વિના શકય નથી. આજના હરિફાઇ-સ્પર્ધાના યુગમાં હરેક ક્ષેત્રે શિક્ષણની આવશ્યકતા છે ત્યારે યુવાશકિત શિક્ષણ દ્વારા સ્વાવલંબની સમાજ-રાષ્ટ્ર-રાજ્યના સર્વગ્રાહી ઉત્કર્ષમાં સહભાગી બને તે સમયની માંગ છે.
મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાના ગોઝારિયામાં ગોઝારિયા કેળવણી મંડળના અષ્ટ દશાબ્દી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.
ગોઝારીયા કેળવણી મંડળ છેલ્લા ૮૦ વર્ષથી શિક્ષણની જ્યોત જલાવી રહી છે. ગોઝારિયા કેળવણી મંડળ દ્વારા ૮૧માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે અષ્ટ દશાબ્દી મહોત્સવ યોજાઇ રહ્યો છે. વિવિધ શૈક્ષણિક એકમોની માતૃ સંસએ તેના વિકાસના ૮૦ વર્ષ પુર્ણ કર્યા છે તે અંતર્ગત અષ્ટ દશાબ્દી મહોત્સવનો પ્રારંભ વિજયભાઇ રૂપાણીના હસ્તે કરાયો હતો.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે ગોઝારીયા ખાતે અનેકવિધ સામાજિક, શૈક્ષણિક એકમો શરૂ કરી સરસ્વતીની સરવાણી આ મંડળે વહેતી કરી છે. સંસ્થામાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ યુવાનો પોતાના સમાજ માટે આ પ્રકારે યોગદાન આપે તે માટે અનુરોધ કરતાં તેમણે ઉમેર્યુ કે ગોઝારીયા કેળવણી મંડળમાં દાતાઓ જે દાન આપ્યું છે તે સમગ્ર ગુજરાત માટે પ્રેરણાોત બની રહેશે.
મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું કે રાજ્ય સરકારે શિક્ષણને હમેશાં પ્રાધાન્ય આપ્યું છે. તાજેતરમાં રૂ.૬૬૬ કરોડના ખર્ચે ૫૦૦૦ વર્ગખંડોનું લોકાર્પણ કરેલ છે. બાળકોને શિક્ષણની ટેકનોલોજીના માધ્યમથી સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે તેમ જણાવ્યું હતું.