પ્રતિ માસ ૧૩૦૦થી વધુ નિ:શુલ્ક ડાયાલીસીસ સેવા આપવામાં અગ્રેસર
ભારત અને વિશ્વભરમાં કિડનીનાં રોગોનું પ્રમાણ ભયજનક રીતે વધતું જાય છે. કિડનીનાં જુદા-જુદા રોગો અને ક્રોનિક કિડની ડીસીઝનાં દર્દીઓની સંખ્યામાં ભયજનક રીતે વધારો થઈ રહ્યો છે ત્યારે રાજકોટ ખાતે સરકારી હોસ્પિટલ્સ, ટ્રસ્ટ તેમજ ખાનગી હોસ્પ્ટિલ ખાતે ડાયાલીસીસ કરાવી આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવેલ મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ ધારકો નિ:શુલ્ક ડાયાલીસીસ કરાવી શકે છે.
સિવિલ હોસ્પિટલ ખાતે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ૨૪ કલાક ખાસ ડાયાલીસીસ વિભાગ શરુ કરાયો છે. હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક ૩૦ ડાયાલીસીસ મશીન બીપી મોનીટરીંગની સિસ્ટમની મદદ વડે ૨૪ કલાકે અને ૩૬૫ દિવસ ડાયાલીસીસની તદ્દન નિ:શુલ્ક સેવા આપવામાં આવે છે. વર્ષ ૨૦૧૯ દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કુલ ૩૫૮૦ જેટલા ડાયાલીસીસ કરાયા હતા. ડાયાલીસીસ પ્રોસિજરના ૩૭ કેસની સારવાર કરવામાં આવી હતી. ફેબ્રુઆરી-૨૦માં ૫૫૭ ડાયાલીસીસ કરાયા હતા જે અંતર્ગત પ્લાઝમા ડાયાલીસીસના ૦૭ કેસ તથા ડાયાલીસીસ પ્રોસિજરના ૪૫ કેસની સારવાર કરવામાં આવી હતી. માર્ચ-૨૦માં ૯૫૩ ડાયાલીસીસ કરાયા હતા જે અંતર્ગત પ્લાઝમા ડાયાલીસીસના ૦૮ કેસ તથા ડાયાલીસીસ પ્રોસિજરના ૫૦ કેસની સારવાર કરવામાં આવી હતી.એપ્રિલ-૨૦માં ૧૦૮૨ ડાયાલીસીસ કરાયા હતા જે અંતર્ગત પ્લાઝમા ડાયાલીસીસના ૧૦ કેસ તથા ડાયાલીસીસ પ્રોસિજરના ૪૨ કેસની સારવાર કરવામાં આવી હતી.મે-૨૦માં ૧૨૬૦ ડાયાલીસીસ કરાયા હતા જે અંતર્ગત પ્લાઝમા ડાયાલીસીસના ૧૪ કેસ તથા ડાયાલીસીસ પ્રોસિજરના ૪૭ કેસની સારવાર કરવામાં આવી હતી તેમ, સિવિલ હોસ્પિટલ (પી.ડી.યુ.)ના ડાયાલીસીસ વિભાગમાં ફરજ બજાવતા ઈન્ચાર્જ ટેકનિશ્યન ક્રિષ્ના કાછડીયાની યાદીમાં જણાવાયું છે.