- સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને મળી મોટી સફળતા
- 250 ગ્રામ MD ડ્રગ્સ સાથે બે નાઇજીરિયન યુવકોની કરાઈ ધરપકડ
- અંદાજિત 25 લાખનો નશાકારક પદાર્થ પોલીસ એ કર્યો જપ્ત
- પકડાયેલા બે પૈકી એક થોડા સમય પેહલા જ ડ્રગ્સ કેસમાંથી જેલમાંથી છૂટ્યો હોવાનો ખુલાસો
- બંને લોકો વલસાડ કોને ડ્રગ્સ આપવાના હતા તે અંગે પોલીસ તપાસ શરુ કરાઈ
રાજ્યમાં ઝડપાઇ રહેલું ડ્રગ્સ યુવા પેઢીના વાલીઓ માટે ચિંતાનો વિષય જરૂર બનતો જાય છે. જેને ડામવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંકુશમાં લાવવા સ્ટેટ મોનીટરીંગ સેલને સૂચના આપવામાં આવી હતી. આ દરમિયાન સેલની ટીમને મળેલી બાતમીના આધારે ભિલાડ હાઈવે પર વોચ ગોઠવવામાં આવી હતી. ટીમે શંકાસ્પદ કારને રોકીને તપાસ કરતા તેમાંથી મોટા પ્રમાણમાં MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. કારમાં મુસાફરી કરી રહેલા બે નાઈજીરિયન નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.
વલસાડ FSLની ટીમે જપ્ત કરાયેલા પદાર્થની તપાસ કરીને તેને MD ડ્રગ્સ હોવાની પુષ્ટિ કરી છે. પકડાયેલા આરોપીઓએ મુંબઈથી કાર ભાડે કરીને સુરત તરફ જવા નીકળ્યા હોવાનું જણાવ્યું છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ આરોપીઓની પૂછપરછ કરી રહી છે. ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો, સુરતમાં કોને ડેલિવર કરવાનો હતો અને આ રેકેટમાં કોણ કોણ સામેલ છે તે દિશામાં તપાસ ચાલી રહી છે. ભિલાડ પોલીસ મથકે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાત એસએમસીએ લાખો રૂપિયાના ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી પાડયા છે,આરોપીઓ ડ્રગ્સ લઈને નીકળ્યા હતા અને તેઓ મુંબઈથી સુરત અને સુરતથી અમદાવાદ તરફ જતા હતા તે દરમિયાન તેઓ ડ્રગ્સ સાથે ઝડપાઈ ગયા છે.મુંબઈથી કાર ભાડે રાખીને તેઓ ગુજરાતમાં આવ્યા અને એસએમસીને આ બાબતે બાતમી હતી અને તે બાતમીના આધારે કાર્યવાહી કરી છે,ગુજરાતમાં આ ડ્રગ્સ કોને આપવાનું હતુ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથધરી છે.
નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી દ્વારા ગુજરાત યુવાનોને કેફી દ્રવ્યોની ચુંગાલમાંથી છોડાવવાની અને ડ્રગ્સ પેડલરોને સકંજામાં લેવાની દિશામાં આગળ વધ્યું છે.નાર્કો રિવોર્ડ પોલિસી લૉન્ચ કરતી વખતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એવું જણાવ્યું હતું કે, “ડ્રગનું દૂષણ આપણા સમાજને નબળો પાડશે અને યુવાનો તેનાથી દૂર રહે એ જરૂરી છે. ડ્રગ્સ અસ્થાયી રૂપે હાઈ ફીલિંગ આપી શકે છે પરંતુ લાંબા ગાળે તે આપણા શરીરને ભયંકર નુકસાન કરે છે. કોઈ જગ્યાએ ડ્રગ્સ વેચાતું હોય અને એ અંગે યુવાનોને જાણ થાય તો તેમણે પોલીસ અને રાજ્યના ગૃહ વિભાગને માહિતગાર કરવા જોઈએ.”
ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને એટલે જ તે ડ્રગ્સ પકડવામાં દેશભરમાં અગ્રેસર છે. ગુજરાત માદક પદાર્થોના દુરુપયોગને રોકવાના હેતુથી બાતમીદારો માટે રિવોર્ડ પોલિસી શરૂ કરનારું પહેલું રાજ્ય છે. ડ્રગ્સને નેસ્તનાબૂદ કરવાના પ્રયાસોમાં પોલીસ, કર્મચારીઓ/અધિકારીઓ અને બાતમીદારો પણ મહત્વનો ભાગ ભજવે છે. બાતમીદારોના જોખમને ધ્યાનમાં લેતાં અને રાજ્યમાં કેફી પદાર્થોનો વ્યાપાર અટકાવવા માટે ગુજરાત સરકારે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બાતમીદારોને પ્રોત્સાહન આપવા માટે નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી શરૂ કરી હતી. આ રિવોર્ડ પોલિસીનું અમલીકરણ સરકારના ગૃહ વિભાગ હેઠળ થાય છે.
અહેવાલ: રામ સોનગઢવાલા