સાયલા શહેરના નવાણીયા રોડ પર મકાનમાં ધમધમતા જુગારધામ પર સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી રાજકોટના બે શખ્સ સહિત 11 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂા.4.40 લાખ, 13 મોબાઇલ, બે કાર અને બાઇક મળી રૂા.11.20 લાખનો મુદ્ામાલ કબ્જે કર્યો છે. જ્યારે દરોડાની ગંધ આવી જતા જુગાર ક્લબના સંચાલક બંધુ સહિત સાત શખ્સો નાશી જતા શોધખોળ હાથધરી છે.
4.40 લાખ રોકડા, થાર સહિત ત્રણ વાહન અને 13 મોબાઇલ મળી રૂા.16.31 લાખનો મુદ્ામાલ કબ્જે
સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં 11 શખ્સોની ધરપકડ: સંચાલક બંધુ સહિત સાત શખ્સો ફરાર
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર ઝાલાવડ પંથકમાં દારૂ-જુગારની બદી ડામી દેવા સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફ દ્વારા સુરેન્દ્રનગર પંથકમાં ધામા નાખ્યા છે. સાયલા ખાતે રહેતા જીતુ નટવર પરમાર અને પ્રદીપ નટવર પરમાર નામના બંને ભાઇએ જુગાર ક્લબ ચાલુ કર્યાની સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી.સાખલાને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા સુરેન્દ્રનગરનો મનસુખ રણછોડ પરમાર, સાયલાના રમઝાન ઇબ્રાહીમ કરવા, મુળી વિપુલ મોતી ઝાલા, વઢવાણના બલદાણા ગામે હસુ અમરસંગ સોલંકી, લીંબડીના અરવિંદ બચુ મઢવી, રાજકોટના પરસાણાનગર અલ્તાફ બસીર ખીયાણી અને બસીર હસન ખીયાણી, ધ્રાંગધ્રાના રહેમાન ગુલામ રસુલ, સુરેન્દ્રનગરના હુસેન સિદ્ીકી કઝાટીયા, મીતુલ ઇશ્ર્વર મકવાણા અને વઢવાણના જેઠાભાઇ કણજારીયાની ધરપકડ કરી હતી.
જુગારના પટમાંથી રોકડા રૂા.4.40 લાખ રોકડા, 13 મોબાઇલ, બે કાર અને બાઇક મળી રૂા.16.31 લાખનો મુદ્ામાલ કબ્જે કર્યો છે. જ્યારે દરોડા દરમિયાન નાશી છૂટેલા જુગાર ક્લબના સંચાલક સાયલાનો જીતુ નટવર પરમાર અને તેના ભાઇ પ્રદીપ નટવર પરમાર, લીંબડીનો હિંમત દલપતભાઇ ડાભી, સુરેન્દ્રનગર સલીમ ઉર્ફે ટકો સુલેમાન, વઢવાણનો હાજીભાઇ, રણછોડ નાગજી પરમાર અને એક મોબાઇલ ધારક સહિત સાત શખ્સો નાશી છૂટતા તેની શોધખોળ હાથધરી છે. સાયલા પોલીસ મથકમાં ગુનો નોંધી કેટલી સમયથી જુગાર ક્લબ ચાલતી હતી તે મુદ્ે તપાશનો ધમધમાટ આદર્યો છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસ.એમ.સી.એ પાડેલા દરોડાથી પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. આ દરોડા બાદ એસ.પી. અને રેન્જ આઇ.જી. દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે તે તરફ સૌની મીટ મંડાય રહી છે.