‘વંદેમાતરમ’… ‘ભારત’ માતા કી જય… પીળો માલ રૂ. 74માં…!!
19,700 લિટર ભેળસેળયુક્ત ડીઝલના જથ્થા સાથે રૂ. 67.92 લાખનો મુદ્દામાલ કબ્જે
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં ભેળસેળયુક્ત ડીઝલનો જથ્થો ઝડપાયો છે. સાથોસાથ સ્ટેટ મોનીટરીંગ સેલે કુલ 67.92 લાખના મુદ્દામાલ સાથે 6 શખ્સોની ધરપકડ પણ કરી છે. જો કે, સ્થાનિક સૂત્રોમાં ચર્ચાતી વિગતો મુજબ હજુ સમગ્ર મામલામાં ફકત નાની માછલીઓ ઉપર જ તવાઈ બોલવાઈ હોય અને મોટા મગરમચ્છો હજુ પણ પોલીસ પકડથી દૂર હોય તેવું જોરોશોરોથી ચર્ચાઈ રહ્યું છે.
પડધરી તાલુકાના અન્નપૂર્ણા આટા ફેક્ટરી નજીક ડીઝલના વેપલા દરમિયાન જ સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડતા નાસભાગ મચી જવા પામી હતી. હાલ સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં કુલ 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે જયારે અન્ય ત્રણની શોધખોળ હાથ ધરાઈ છે. 19,700 લિટર ભેળસેળયુક્ત ડીઝલનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. જયારે રૂ. 1.28 લાખની રોકડ, રૂ. 55 હજારની કિંમતના 8 મોબાઈલ ફોન, રૂ. 18 લાખની કિંમતના બે ટેન્કર, રૂ. 22 લાખની કિંમતના બે ટ્રક, રૂ. 11 લાખની કિંમતની બે કાર, એક જનરેટર, એક ડીસ્પેન્સર મશીન, ઇલેક્ટ્રિક મોટર સહીત કુલ રૂ. 67,92,500 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ પડધરી પંથકમાં છેલ્લા અમુક મહિનાઓથી બેફામ ભેળશેળયુક્ત ડીઝલ, બાયોડીઝલનો વેપલો ચાલી રહ્યો હતો. એક માહિતી અનુસાર ‘ધૂમ વેચાણ… પીળો માલ રૂ. 74માં’ તેવા મેસેજ વોટ્સઅપ મારફત ફરતા કરવામાં આવ્યા હતા. ભેળશેળયુક્ત ડીઝલનો કાળો કારોબાર ચલાવનાર શખ્સોને તંત્રની સહેજ પણ શેહ-શરમ કે ડર ન હોય તે રીતે રાત્રીના અગિયાર વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી ધમધોકાર વેચાણ કરવામાં આવતું હતું.
મળતી માહિતી મુજબ ડીઝલ માફીયાઓ બેફામ બન્યા તેની પાછળ સ્થાનિક તંત્ર જવાબદાર હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. તંત્રમાં બેસેલા અમુક કર્મચારીઓ જ ડીઝલના માફિયાઓ સાથે સાંઠ ગાંઠ ધરાવતા હોય તેવી ચર્ચા પડધરી પંથકમાં ચાલી રહી છે. સાંઠ ગાંઠની ચર્ચા એટલી જોરોશોરોથી ચાલી રહી છે કે, એક એવી પણ વાત સામે આવી છે કે, ગેરકાયદેસર પ્રવૃતિઓ ડામવાની જવાબદારી ધરાવતા લોકો જ ડીઝલના કાળા કારોબારના રખોપા કરતા હોય છે તેવું પણ સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે.
આ સમગ્ર કાળા કારોબારમાં સ્ટેટ મોનીટરીંગ સેલએ મુખ્ય આરોપી તરીકે વણપરીના વિક્રમસિંહ ગુણુભા જાડેજા, રાજકોટના રવિ પ્રવીણ વિરડા, મૂળ રાજસ્થાનના લલિતસિંહ પ્રતસિંહ પવાર અને નરેન્દ્રસિંહ બાલુસિંગ પવાર જયારે ડીઝલ ભરાવવા આવનાર જામનગરના મિનેષ રમણીક મેંદપરા અને શાહરુખ અજિત સાકિયાની ધરપકડ કરી છે. જયારે જ્વલનશીલ પદાર્થ મોકલનાર રાજકોટના લાલા આહીર, જથ્થો લાવનાર રાજકોટના બસીર અને કટિંગ માટે જગ્યા આપનાર બાબુ સોનીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
એસએમસીના દરોડા બાદ સ્થાનિક વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ હજુ અનેક મગરમચ્છો પોલીસ પકડથી દૂર છે. પડધરીના ‘વંદેમાતરમ’ અને ‘ભારત’ માતા કી જય સમાન સહેલાણીઓ માટેના સ્થળની આજુબાજુમાં ખુલ્લેઆમ અને બેફામ ભેળસેળયુક્ત ડીઝલ અને બાયોડીઝલનો જથ્થાનો વેપલો કરવામાં આવે છે અને તેમાં અનેક મોટા મગરમચ્છોની સંડોવણીની પણ ચર્ચા છે.
એક ચર્ચા મુજબ આ સમગ્ર કાળા કારોબારમાં સૌરાષ્ટ્રના એક દિગ્ગજ નેતાના નજીકના ગણાતા શખ્સની પણ સંડોવણી ખુલ્લે તો નવાઈ નહીં. હાલ આ સમગ્ર બાબતોથી સ્થાનિકો પરિચિત છે પણ હવે કોઈએ એસએમસી જેવી તટસ્થ એજન્સીની ‘આંખ’ બનવું પડે તેવી સ્થિતિ ઉદભવી છે. જ્યાં સુધી કોઈ મહત્વની એજન્સી સુધી ચોક્કસ હકીકત નહીં પહોંચે ત્યાં સુધી આ વેપલો ફુલતો ફાલતો રહેશે.
6ની ધરપકડ, 3ની શોધખોળ પણ પડદા પાછળના ‘કારીગરો’ હજુ પણ પોલીસની ‘બાજ નજરથી’ દૂર!!
સમગ્ર કાળા કારોબારમાં સ્ટેટ મોનીટરીંગ સેલએ મુખ્ય આરોપી તરીકે વણપરીના વિક્રમસિંહ ગુણુભા જાડેજા, રાજકોટના રવિ પ્રવીણ વિરડા, મૂળ રાજસ્થાનના લલિતસિંહ પ્રતસિંહ પવાર અને નરેન્દ્રસિંહ બાલુસિંગ પવાર જયારે ડીઝલ ભરાવવા આવનાર જામનગરના મિનેષ રમણીક મેંદપરા અને શાહરુખ અજિત સાકિયાની ધરપકડ કરી છે. જયારે જ્વલનશીલ પદાર્થ મોકલનાર રાજકોટના લાલા આહીર, જથ્થો લાવનાર રાજકોટના બસીર અને કટિંગ માટે જગ્યા આપનાર બાબુ સોનીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પણ સ્થાનિક વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ હજુ પડદા પાછળના અનેક કારીગરોના નામનો ક્યાંક ઉલ્લેખ સુધા પણ નથી.
રેન્જ આઈજીએ પણ તપાસનો ધમધમાટ શરૂ કરાવ્યો?!!
હાલ જે રીતે ભેળશેળયુક્ત ડીઝલનો જથ્થો ઝડપાયો છે ત્યારે એસએમસીએ કુલ 9 શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે પણ સ્થાનિક સૂત્રમાં ચર્ચાતી વિગતો મુજબ તંત્રમાં બેસેલા લોકોએ પણ ક્યાંક કાળા કારોબારમાં હાથ કાળા કર્યા છે તેવી ચર્ચા ચાલી રહી છે. ત્યારે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ દિશામાં રાજકોટ રેન્જ આઇજીએ પણ તપાસના આદેશ આપ્યા છે. આ ગુપ્ત તપાસ તટસ્થ રીતે કરવામાં આવે અને તેમાં કંઈ તથ્ય સામે આવશે તો ટૂંક સમયમાં આ ઘટનાના પડઘા પડે તેવી પ્રબળ શક્યતા છે.
મહિનાઓથી ચાલતા કાળા કારોબારથી સ્થાનિક તંત્ર સાવ અજાણ!!
જે રીતે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે ત્યારે અનેક સવાલ ઉભા થયાં છે. જો સ્ટેટ મોનીટરીંગ સેલને સમગ્ર ઘટના અંગે સચોટ બાતમી મળી જાય અને સ્થાનિકોમાં પણ આ અંગેનો જબરો ગણગણાટ થતો હોય તો પોતાને સ્માર્ટ ગણાવતું તંત્ર આ કાળા કારોબારથી સાવ અજાણ કેવી રીતે રહી ગઈ તે મોટો સવાલ છે. નાના નાના ડિટેક્શનમાં પણ ફોટા પડાવતી પોલીસ આ દિશામાં કેમ નબળું પડ્યું તે પણ એક મોટો સવાલ છે.
‘ધૂમ વેચાણ’…બેફામ બનેલા ડીઝલ માફિયાઓએ વોટ્સઅપમાં મેસેજ ફરતા કર્યા’તા!!
બેફામ બનેલા ડીઝલના માફિયાઓ એટલી હદે બેલગામ બન્યા હતા કે, વોટ્સઅપમાં ‘ધૂમ વેચાણ… પીળો માલ રૂ. 74માં..’ તેવા મેસેજ ફરતા કર્યા હતા. ફકત રાજકોટ કે જામનગર જ નહીં પણ સૌરાષ્ટ્રના અનેક પંથકમાં ભેળસેળિયું ડીઝલનો જથ્થો મોકલવામાં આવતો હતો. આ મેસેજ છેલ્લા કેટલાય સમયથી ફરી રહ્યો હતો જેમાં મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યો હતો. આ મેસેજ જો છેવાડાના માનવી સુધી પહોંચી શકતો હોય તો પોલીસ સુધી કેમ પહોંચ્યો નહીં તે પણ એક મોટો સવાલ છે.