રાજકોટ પોલીસની ‘કામગીરી’ના બીજા દિવસે પણ ધજાગરા
સપ્તાહમાં બે વખત વિસ્તારમાં બટુક ભોજન કરાવતા બુટલેગરને ત્યાં નશો કરવા આવેલા 10 શખ્સો ઝડપાયા: સુત્રઘાર ફરાર
રાજકોટ પોલીસ ‘તોડકાંડ’, ‘સાયલા દારૂકાંડ’ વગોવાયા બાદ છેલ્લા બે દિવસ દરમિયાન સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે સ્થાનિક પોલસને અંધારામાં રાખી જુગાર અને દારૂના ધંધાર્થીઓ પર ધોસ બોલાવતા રાજકોટ પોલીસમાં ફફડાટ મચી ગયો છે. ગંજીવાડામાં વરલી મટકાના ચાલતા નેટવર્કનો પર્દાફાસ કર્યા બાદ બીજા દિવસે ગોકુલધામ પાસેના આવાસ યોજનાના કવાર્ટરમાં ચાલતા દેશી બાર પર દરોડો પાડી 10 શખ્સોને ઝડપી લીધા છે. સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફને દારૂ અને જુગારના ચાલતા ધંધા અંગેની બાતમી મળે છે ત્યારે સ્થાનિક પોલીસને કેમ મળતી નથી તેવા સવાલ થઇ રહ્યા છે.
શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પોલીસ સ્ટાફની છબી સુધારવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે કેટલાક પેધી ગયેલા અને દારૂ-જુગારના ધંધાથી સાથે સાંઠગાંઠ ધરાવતા પોલીસના કારણે વધુ એક વખત રાજકોટ પોલીસની આબરૂના ધજાગરા થયા છે. રાજકોટ પોલીસની કામગીરી સામે સવાલો થઇ રહ્યા છે ત્યારે દારૂ-જુગારના ધંધા બંધ કરાવવાના બદલે લીસ્ટેડ બુકીઓ અને નામચીન બુટલેગરોનો કાળો કારોબાર બેરોકટોક ચાલી રહ્યો હોવાથી ગઇકાલે સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે ગંજીવાડા મેઇન રોડ પર વરલી મટકાનું નેટવર્ક ધરાવતા મયુરસિંહ ભરતસિંહ ઝાલા સંચાલિત જુગારના હાટડા પર દરોડો પાડી 16 શખ્સોની ધરપકડ કર્યા બાદ બીજા દિવસે ગોકુલધામ પાસે આવાસ યોજનાના કવાર્ટરમાં ચાલતી દેશી દારૂની મોટી ભઠ્ઠી પર દરોડો પાડી સરા જાહેર ચાલતા દેશી દારૂના બારમાં નશો કરવા આવેલા દસ શખ્સોને માલવીયાનગર પોલીસને અંધારામાં રાખી ઝડપી લેતા પોલીસમાં ફફડાટ મચી ગયો છે.
દેશી દારૂના હાટડા અને જુગારના અડ્ડા ચલાવતા શખ્સો સાથેની સ્થાનિક પોલીસની સાંઠગાંઠનો પર્દાફાંશ
ગોકુલધામ નજીક આવાસ યોજનાના કવાર્ટરમાં જુદી જુદી ફલેવરનો દેશી દારૂ બનાવી ત્યાં જ નશો કરવાની વ્યવસ્થા કરી આવતા કવિ ઉર્ફે હાર્દિકને ત્યાં સ્ટેટ મોનિટરીંગ સેલના પી.એસ.આઇ. સી.એન.પરમાર અને તરૂણસિંહ સહિતના સ્ટાફે દરોડો પાડતા કવિ ઉર્ફે હાર્દિકના બારમાં નાસભાગ મચી ગઇ હતી. સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે નશો કરવા આવેલા દસ શખ્સોની ધરપકડ કરી ત્યારે સુત્રધાર કવિ ઉર્ફે હાર્દિક ભાગી ગયો હતો.
કવિ ઉર્ફે હાર્દિકે ભાડે રાખેલા આવાસ યોજનાના કવાર્ટરમાંથી 2500 લિટર દેશી દારૂ બનાવવાનો આથો અને દેશી દારૂને અલગ અલગ બોટલમાં પેક કરવાની દારૂ ભરેલી તેમજ પ્લાસ્ટીકની ખાલી બોટલનો મોટો જથ્થોમળી આવતા કબ્જે કરી માલવીયાનર પોલીસમાં ગુનો નોંધાવ્યો છે.સ્ટેટ મોનિટરીંગ સેલનો સ્ટાફ આગામી દિવસોમાં બુટલેગરો અને જુગારના ધંધાર્થીઓ પર દરોડા પાડવાનું જારી રાખવાના હોવાના નિર્દેશ મળી રહ્યા છે.ત્યારે પોલીસની મીઠી નજર હેઠળ ચાલતા દારૂ-જુગારના ધંધા બંધ કરાવવા સ્થાનિક પોલીસ દ્વારા દોડધામ શરૂ કરી દીધી છે.
વરલીના જુગારમાં પોલીસની સાંઠગાંઠ અંગે ડીસીપીને સોંપાઇ તપાસ
ગંજીવાડા મેઇન રોડ પર સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી વરલી મટકાના આંકડાના જુગારના નેટવર્કનો પર્દાફાસ કરી 16 શખ્સોની ધરપકડ કરતા વરલી મટકાનો જુગાર ચલાવતા મયુરસિંહ ઝાલાને થોરાળા પોલીસ સાથે સાંઠગાંઠ છે કેમ તે અંગેની તપાસ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે ડીસીપી ઝોન-2ને ઇન્કવાયરી સોપવામાં આવી છે.