કુવાડવા રોડ પર 89 લાખનો વિદેશી દારૂનો જંગી જથ્થો પકડાયો
એસએમસી અને એરપોર્ટ પોલીસ 30,538 બોટલ વિદેશી દારૂ, બે ટ્રક મળી રુા.1.14 કરોડનો મુદામાલ કબ્જે
રાજસ્થાન અને હરિયાણાના શખ્સોની ધરપકડ: બંને ટ્રક કોને ડીલીવરી આપવા જતા હતા?
ત્રણ ટ્રક વિદેશી દારૂ ઘુસાડવાની બાતમી મળી પકડાયા બે ટ્રક વિદેશી દારૂ : ભરેલો ટ્રક કંઇ રીતે સગેવગે થયો?
કુવાડવા રોડ પર અવાર નવાર વિદેશી દારુનો જંગી જથ્થો પકડવામાં આવે છે. ગઇકાલે સ્ટેટ મોનિટરીંગ સેલ અને એરપોર્ટ પોલીસે દારુ અંગે દરોડા પાડી રુા.89 લાખની કિંમતના 30,538 બોટલ વિદેશી દારુ સાથે હરિયાણા અને રાજસ્થાનના શખ્સોની ધરપકડ કરી બે ટ્રક તેમજ વિદેશી દારુ મળી રુ.1.14 કરોડનો મુદામાલ કબ્જે કર્યો છે. સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા રાજકોટમાં વારંવાર પાડતા શહેર પોલીસ હરકતમાં આવીને ઠેર ઠેર દારુ અંગે દરોડા પાડવાનો દોર શરુ કર્યો છે.
ગાંધીગ્રામ, બી ડિવિઝન અને તાલુકા પોલીસે પણ વિદેશી દારુ અંગે કાર્યવાહી કરી બુટલેગરોની ધરપકડ કરી છે. રાજકોટમાં એક જ દિવસમાં કુલ રુા.91 લાખનો વિદેશી દારુ પકડયો છે. રુા.1.7 કરોડનો મુદામાલ કબ્જે કર્યો છે. સ્ટેટ મોનિટરીંગ સેલ અને એરપોર્ટ પોલીસને વિદેશી દારુના ત્રણ ટ્રક આવ્યાની બાતમી હતી પરંતુ વિદેશી દારુ સાથે બે ટ્રક પકડયા છે. ત્યારે એક ટ્રક સ્ટેટ મોનિટરીંગ સેલ અન્ે એરપોર્ટ પોલીસની નજર ચુકવી કંઇ રીતે પસાર થઇ ગયો તે અંગે સવાલો થઇ રહ્યા છે.
ઘોડા છુટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો રાજકોટ પોલીસનો ઘાટ સર્જાયો છે. જેમાં શહેર પોલીસની મોટી ફોજ વચ્ચે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડાનો દૌર ચાલુ રાખ્યો છે. જેમાં એક સપ્તાહ પૂર્વે નવાગામમાં દારૂ બનાવવાની ફેકટરી ઝડપ્યા બાદ આજે બામણબોર જીઆઈડીસી વિસ્તારમાં વિદેશી દારૂનુ કટીંગ થાય તે પૂર્વે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી ટ્રકમાં પશુદાણમાં છુપાવેલો 21,418 બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી ટ્રક અને દારૂ મળી રૂા.60.75 લાખનો મુદામાલ કબ્જે કરી દારૂ મોકલનાર સહિત ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
વધુ વિગત મુજબ રાજકોટનુ પ્રવેશદ્વાર સમાન કુવાડવા-બામણબોર પંથક બુટલેગરો માટે સ્વર્ગ સમાન હોય તેમ મોટાપાયે વિદેશી દારૂનુ કટીંગ થતુ હોવાનુ અવાર-નવાર વિવાદમાં હોય છે. એક સપ્તાહ પૂર્વે નવાગામમાં એસએમસીએ દરોડો પાડી દારૂ સાથે દારૂ બનાવવાનો મુદામાલ પકડાયાની હજુ શાહી સુકાય નથી ત્યારે બામણબોર જીઆઈડીસીમાં આવેલ ગ્રીન પ્લાય નામના કારખાનાની નજીક રાજસ્થાન પાર્સીંગના ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરીયા અને પીએસઆઈ વિજયસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડયો હતો.
આરજે19સીજી-7325 નંબરના પાર્ક કરેલા ટ્રકની તલાસી લેતા જેમા પશુદાણ હેઠળ છુપાવેલો રૂા.50.63 લાખની કિંમતનો 21418 બોટલ વિદેશી દારૂ સાથે બાડમેરનો કેશારામ લાખારામ જાટની ધરપકડ કરી ટ્રક, દારૂ, મોબાઈલ, રોકડા અને કેટલ ફૂડ મળી રૂા.60.75 લાખના મુદામાલ કબજે કર્યો છે. દારૂ મોકલનાર સહિત શોધખોળ હાથ ધરી છે
રાજકોટમાં હીરાસર એરપોર્ટ પોલીસ મથકના વિસ્તારમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જ્યારે દારૂનો મોટો જથ્થો પકડ્યો હોવાની ગણતરીની મિનિટોમાં જ એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ મહેન્દ્રસિંહ ઝણકાટ સહિતના સ્ટાફે બાતમીને આધારે વોચ ગોઠવી બામણબોર નજીકથી એક શંકાસ્પદ ટ્રક પકડી લીધો હતો.
આ ટ્રકની તલાશી લેતા સૌ પ્રથમ તેમાં કોઈ સફેદ થેલીઓ હતી તેમાં ભુસુ ભરેલું હોવાનું જાણવા મળ્યું હતું.ત્યારબાદ પોલીસ સ્ટાફે ટ્રક પર ચડી અંદર તલાશી લેતા મોટું ચોરખાનું બનાવ્યું હતું.તેમાં લોક તોડી અંદર જોતા વિદેશી દારૂની અંદાજીત 600 જેટલી પેટીઓ મળી આવી હતી.ટ્રકને પોલીસ મથકે લઈ જઈ હાલ રાજસ્થાની ચાલકની પૂછપરછ કરવામાં આવી રહી છે.આ બંને ટ્રકમાંથી ઝડપાયેલો દારૂ અને ટ્રક સહિત લગભગ દોઢ કરોડ જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
એસએમસી અને શહેર પોલીસ વચ્ચે વિદેશી દારૂ પકડવાની હરિફાઇ
રાજકોટમાં બુટલેગરો અને પોલીસ વચ્ચે સાંઠગાંઠ હોવાના અનેક આક્ષેપ થઇ રહ્યા છે. ત્યારે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા નવ જેટલા દારુ અંગે દરોડા પાડતા શહેર પોલીસ હરકતમાં આવી ઠેર ઠેર દારુ અંગે દરોડા પાડવાનું શરુ કરી પોતાની આબરુ બચાવવા પ3યાસ શરુ કરવામાં આવ્યા છે. ગઇકાલે સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે કુવાડવા રોડ પરથી વિદેશી દારુનો જંગી જથ્થો પકડી લીધા બાદ એરપોર્ટ, ગાંધીગ્રામ, તાલુકા અને બી ડિવિઝન પોલીસે દારુના દરોડા પડતા ગઇકાલે સ્ટેટ મોનિટરીંગ સેલ અને શહેર પોલીસ વચ્ચે દારુ પકડવાની હરિફાઇ શરુ થઇ હોય તેમ બુટલેગર પર ધોસ બોલાવવામાં આવી છે.