કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભભાઈ પટેલ, ગણપતભાઈ વસાવા અને જયેશભાઈ રાદડિયા સહિતનાઓએ વહેલી સવારે મતદાન કરી ચુંટણી કામગીરીમાં જોડાયા હતા
ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો અને વિધાનસભાની ૪ બેઠકોની પેટાચુંટણી માટે સવારે ૭:૦૦ વાગ્યાથી મતદાન શરૂ થયું છે. રાજયમાં ૪.૫૧ કરોડ મતદારો ૫૧,૮૫૧ મતદાન કેન્દ્રો પરથી મતદાન કરનાર છે. ગુજરાત લોકસભાની ૨૬ બેઠકો પરથી કુલ ૩૭૧ ઉમેદવારો ચુંટણી લડી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત ૧૩ રાજયો, ૨ કેન્દ્ર શાસિત પ્રદેશની ૧૧૬ સીટ પર વોટીંગ શરૂ થયું છે. પી.એમ.મોદી અને અમિત શાહ સહિતનાં દિગ્ગજોએ પણ આજે વહેલી સવારે મતદાન કર્યું હતું.આજ સવારથી રાજય સરકારનાં મંત્રીઓ અને ભાજપનાં આગેવાનોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.
ભાજપનાં મંત્રીઓ અને નેતાઓએ આજે મતદાન કરી લોકશાહી પર્વ ઉજવ્યું હતું. ભાજપના પ્રદેશ પ્રવકતા ભરતભાઈ પંડયાએ સવારે ૭:૩૦ કલાકે અમદાવાદ બોપલ, શિવઆશિષ હાઈસ્કુલ ખાતે મતદાન કર્યું હતું. તેમજ બીજા અન્ય ૨૪ જેટલા મંત્રીઓએ મતદાન કર્યું હતું. જેમાં આર.સી.ફળદુએ સવારે ૭:૦૦ વાગ્યે જામનગર જિલ્લાની કાલાવડ કુમાર શાળા, ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોળકાની જુની મામલતદાર કચેરીએ ૯:૦૦ વાગ્યે, સૌરભભાઈ પટેલે અમદાવાદ ખાતે સી.એન.વિદ્યાલયમાં ૧૦:૦૦ વાગ્યે, ગણપતભાઈ વસાવાએ સુરતનાં ઉમરપાડાની વાડીગામ પ્રાથમિક શાળામાં સવારે ૭:૩૦ કલાકે, જયેશભાઈ રાદડિયાએ રાજકોટ જિલ્લાની જામકંડોરણા તાલુકા શાળામાં સવારે ૭:૦૦ વાગ્યે, દિલીપભાઈ ઠાકોરે હારીજની દાતરવાડા પ્રાથમિક શાળામાં સવારે ૮:૦૦ વાગ્યે, ઈશ્વરભાઈ પરમારે સુરત જિલ્લાનાં બારડોલીની બાબેન ખાતે સવારે ૯:૦૦ વાગ્યે, કુંવરજીભાઈ બાવળીયાએ રાજકોટ જિલ્લાના વિંછીયા ગામે અજમેરા પ્રાથમિક શાળા નં.૨માં સવારે ૭:૧૫ વાગ્યે, જવાહરભાઈ ચાવડાએ માણાવદરની સરકારી હાઈસ્કુલમાં સવારે ૭:૦૦ વાગ્યે, પ્રદિપસિંહ જાડેજાએ અમદાવાદ વસ્ત્રતાલ માધવ સ્કુલ ખાતે સવારે ૧૦:૩૦ કલાકે, પરબતભાઈ પટેલે થરાદ તાલુકાની પાંચર પ્રાથમિક શાળાએ સવારે ૭:૦૦ વાગ્યે, બચુભાઈ ખાબડે ધાનપુર તાલુકાની પીપેરો પ્રાથમિક શાળાએ સવારે ૭:૩૦ વાગ્યે, જયદથસિંહ પરમારે પંચમહાલ જિલ્લાની હાલોર તાલુકાની કંજરીકુમાર શાળાએ સવારે ૭:૧૫ વાગ્યે, ઈશ્વરસિંહ પટેલે ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળાએ ૭:૦૦ વાગ્યે, વાસણભાઈ આહિરે પેટાપરા પ્રાથમિક શાળાએ સવારે ૭:૦૦ વાગ્યે, વિભાવરીબેન દવેએ ભાવનગર જિલ્લાની વાણંદ હોસ્ટેલે સવારે ૯:૩૦ વાગ્યે, રમણભાઈ પાટકરે ઉમરગામ તાલુકાના ઘોડીપાડામાં સવારે ૭:૦૦ વાગ્યે, કિશોરભાઈ કાનાણીએ સુરતની પટેલ સોસાયટીમાં સવારે ૯ વાગ્યે, યોગેશભાઈ પટેલે બરોડાની ન્યુએરા સ્કુલ ખાતે સવારે ૮:૩૦ વાગ્યે, ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જામનગરની સેતુ સ્કુલમાં સવારે ૮:૩૦ કલાકે, રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ બરોડાના રાવપુરામાં શ્રેયસાધક બિલ્ડીંગ ખાતે સવારે ૭:૩૦ વાગ્યે, પંકજભાઈ દેસાઈએ નડીયાદની મ્યુનિ.શાળા નં.૧માં સવારે ૭:૦૦ વાગ્યે, આર.સી.પટેલે જલાલપોર મુ.આંટ પ્રાથમિક શાળા ખાતે સવારે ૭:૩૦ વાગ્યે, ભરતસિંહ ડાભીએ મહેસાણાનાં શેરાલુ તાલુકાની પ્રાથમિક શાળામાં સવારે ૭:૦૦ વાગ્યે ઉત્સાહભેર મતદાન કરીને ચુંટણી કામગીરીમાં જોડાઈ ગયા હતા.