- માન્ય ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા તા. 09 થી 15 માર્ચ-2025 સુધી ગ્રાહક જાગૃત્તિ સપ્તાહની વિવિધ સ્વરૂપે ઉજવણી
- ગ્રાહકો માટે રાજ્યકક્ષાનો ટોલ ફ્રી હેલ્પલાઈન નં 1800 233 0222/14437 કાર્યરત
ગ્રાહકોમાં વિવિધ ખરીદી પ્રત્યે જાગૃતિ આવે તેવા હેતુથી વિશ્વભરમાં દર વર્ષે તા. 15મી માર્ચના રોજ ‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ’ની થીમ “A Just Transition to Sustainable Lifestyles” નક્કી કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે ‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણી વિવિધ સ્વરૂપે કરવામાં આવશે.
ગ્રાહકો પોતાના અધિકારો માટે જાગૃત થાય, ગ્રાહકોની સુરક્ષા વધે, અયોગ્ય વેપાર તથા ખામીયુક્ત માલ સામે ગ્રાહકોને રક્ષણ આપવાના હેતુ સાથે રાજ્યના માન્ય ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા તા. 09 થી 15 માર્ચ-2025 સુધી ગ્રાહક જાગૃત્તિ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત શાળા, કચેરીઓ અને ગ્રામીણ કક્ષાએ વિવિધ સ્થળોએ માન્ય ગ્રાહક મંડળો દ્વારા ગ્રાહક જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. નાગરિકોમાં ગ્રાહક જાગૃતિનો વ્યાપ વધે તે માટે તેમના કરેલા ખર્ચને અનુરૂપ નાણાકીય સહાય પણ આપવામાં આવે છે.
આ ઉપરાંત ગ્રાહક તરીકે તેમને પડતી મુશ્કેલીઓ અંગે સરકારી તંત્રની વ્યવસ્થા અંગે માહિતગાર કરવામાં આવે છે. રાજ્યમાં મજબૂત અને વિશાળ પાયા પર ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા ગ્રાહક ક્લબો ઉભી કરીને સરકાર માન્ય સ્કૂલ અથવા કોલેજોના વિદ્યાર્થીઓને વિવિધ ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિઓમાં સાંકળીને ગ્રાહક શિક્ષણ આપવા માટે “કન્ઝ્યુમર ક્લબ” પણ બનાવવામાં આવે છે.
વધુમાં રાજ્યમાં ગ્રાહકના માર્ગદર્શન તથા તેમના વિવાદોના નિરાકરણમાં મદદરૂપ થવા માટે નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહકોની બાબતોની કચેરી, કર્મયોગી ભવન, ગાંધીનગર ખાતે ટોલ ફ્રી સ્ટેટ કન્ઝ્યુમર હેલ્પલાઈન નં 1800 233 0222/14437 કાર્યરત છે.