હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળના જવાનો માટે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાના રમતોત્સવનું આયોજન કરાયું. સાંઈ સ્પોર્ટસ ઓથોરિટી ગ્રાઉન્ડ ખાતે રમત ગમત અને યુવક સેવા મંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં શુભારંભ સમારોહ યોજાશે.
જવાનોની શારીરિક સ્ફૂર્તિ, ચપળતા તેમજ મજબૂત જીવનશૈલી માટે ખેલ-કૂદ અને રમતો ખૂબ મોટો ભાગ ભજવતી હોય છે. ગુજરાતના જાંબાઝ અને કર્તવ્યનિષ્ઠ હોમગાર્ડઝ તેમજ નાગરિક સંરક્ષણ દળના જવાનો માટે એક નવતર વિચાર સાથે રાજ્યકક્ષાના રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે તા. 28 નવેમ્બર, ગુરૂવારે રમત ગમત અને યુવક સેવા મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સાંઈ સ્પોર્ટસ ઓથોરિટી ગ્રાઉન્ડ, સેક્ટર-15 ખાતે સવારે 9 કલાકે રાજ્યકક્ષાના રમતોત્સવનો શુભારંભ સમારોહ યોજાશે.
આ રમતોત્સવમાં પુરુષ તથા મહિલા કેટેગરીમાં 100 મી., 200 મી., 400 મી.દોડ, લાંબી કૂદ, ગોળા ફેંક અને રસ્સા ખેંચ જેવી રમતોનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત પુરુષ કેટેગરીમાં કબ્બડી, વોલી બોલ અને મહિલા કેટેગરીમાં ખો-ખોની રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.