વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી પાટણમાં જ્યારે રાજકોટમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે થશે ધ્વજવંદન
સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી વલસાડમાં કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ધ્વજવંદન સમારોહ સહિતના કાર્યક્રમ યોજાશે. જ્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી પાટણ ખાતે ધ્વજવંદન સમારોહમાં હાજરી આપશે. અલગ-અલગ કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ જુદા-જુદા જિલ્લામાં ધ્વજવંદન કાર્યક્રમમાં સામેલ થશે.
પ્રજાસત્તાક અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માત્ર પાટનગર ગાંધીનગર ખાતે કરવાને બદલે રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં કરવાની પરંપરા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરી હતી. આ પરંપરા આજે પણ ગુજરાતમાં જાળવી રાખવામાં આવી છે. દરમિયાન આગામી સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી વલસાડ ખાતે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં ધ્વજવંદન સમારોહ યોજાશે.
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી પાટણમાં ધ્વજવંદન કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત નવસારી જિલ્લામાં નાણામંત્રી કનુભાઇ દેસાઇ, વડોદરામાં આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલ, રાજકોટમાં કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ, સુરતમાં ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, અમદાવાદમાં પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, કચ્છ જિલ્લામાં પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા, છોટા ઉદેપુર જિલ્લામાં શિક્ષણ મંત્રી ડો.કુબેર ડિંડોર, જૂનાગઢ જિલ્લામાં સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે.
રાજ્ય કક્ષાના મંત્રી હર્ષ સંઘવી દાહોદ જિલ્લામાં, જગદીશ વિશ્ર્વકર્મા બનાસકાંઠા જિલ્લામાં, પુરૂષોત્તમભાઇ સોલંકી ગીર સોમનાથ જિલ્લામાં, બચુભાઇ ખાબડ મહિસાગર જિલ્લામાં, મુકેશભાઇ પટેલ ગાંધીનગર જિલ્લામાં, પ્રફૂલ્લભાઇ પાનસેરિયા ભાવનગર જિલ્લામાં, ભીખુસિંહ પરમાર પંચમહાલ જિલ્લામાં, કુંવરજીભાઇ હળપતી નર્મદા જિલ્લામાં ધ્વજવંદન સમારોહમાં ઉ5સ્થિત રહેશે.
જ્યારે આણંદ, પોરબંદર, ખેડા, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, સાબરકાંઠા, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, મહેસાણા, અમરેલી, તાપી, ડાંગ અને ભરૂચ જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે.