બાર કાઉન્સીલ ઓફ ગુજરાતે ઘટનાને વખોડી
દિલ્હી ખાતે તીસ હજારી કોર્ટ દિલ્હી કોર્ટ કમ્પાઉન્ડમાં દિલ્હી પોલીસ દ્વારા નજીવી બાબતે વકીલો ઉપર લાઠીચાર્જ અને ગોળીબાર કરવામાં આવેલો જેમાં વકીલ ગંભીર રીતે ઘાયલ થયેલા. એક વકીલને ગોળી વાગેલી. આ બનાવ સંબંધે દિલ્હી હાઈકોર્ટ સુઓમોટો લઈ પોલીસ કમિશનરને ઈજા પામનાર વકીલોના સ્ટેટમેન્ટનાં આધારે જવાબદાર પોલીસ સામે એફઆઈઆર દાખલ કરવા તેમજ સરકારને ઈજા પામનાર વકીલોને એઈમ્સમાં સારવાર આપવા તથા ઈજા પામનાર વકીલોને વળતર આપવા તથા જયુડીશીયલ ઈન્કવાયરી છ અઠવાડિયામાં પૂર્ણ કરવાનો તેમજ જવાબદાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી પગલા ભરવાનો તથા બે પોલીસ અધિકારીની બદલી કરવાનો હુકમ કરેલો છે.
તેમજ કોઈપણ વકીલની સામે સખત પગલા ભરવાનો હુકમ કરી વકીલ આલમને ન્યાય આપેલ છે. આ ઘટનાને બાર કાઉન્સીલ ઓફ ગુજરાત સખત શબ્દોમાં વખોડી કાઢી છે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા રાજયનાં તમામ ધારાશાસ્ત્રીઓને અપીલ કરી તા.૬ને બુધવારનાં રોજ કોર્ટ સમય દરમિયાન તમામ ધારાશાસ્ત્રીઓ પોતાના કોટ પર લાલપટ્ટી ધારણ કરીને વિરોધ પ્રસ્થાપિત કરશે તેમ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનાં સી.કે.પટેલ અને મેમ્બર દિલીપ પટેલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રાજકોટ બાર એસો. દ્વારા સુત્રોચ્ચાર કરશે
દિલ્હીની તીસ હજારી કોર્ટ ખાતે વકીલો ઉપર પોલીસ અત્યાચારનાં વિરોધમાં બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનાં આદેશ અનુસાર રાજકોટ બાર એસોસીએશન દ્વારા સિવિલ કોર્ટ બિલ્ડીંગ ખાતે આજે ૧૨ કલાકે સુત્રોચ્ચાર કરી વિરોધ વ્યકત કરવામાં આવશે તેમ બારનાં પ્રમુખ બકુલભાઈ રાજાણી અને સેક્રેટરી જીજ્ઞેશ જોષીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.