અમદાવાદ , સુરત, ભુજ, રાજકોટ, જૂનાગઢ, વડોદરા અને મહેસાણાની 79 મોબાઈલ શોપમાં સ્ટેટ GST ત્રાટક્યું
ગુજરાત ન્યૂઝ
સ્ટેટ GST દ્વારા અમદાવાદ , સુરત, ભુજ, રાજકોટ, જૂનાગઢ, વડોદરા અને મહેસાણાની 79 મોબાઈલ શોપમાં દરોડા પાડી 22 કરોડની કર ચોરી ઝડપી પાડી છે.સ્ટેટ GST અધિકારીઓએ અમદાવાદના 57 સહિત કુલ 79 મોબાઈલ શોપ પર દરોડા પાડી તેમના દ્વારા કરવામાં આવેલી GST ચોરીની તપાસ હાથ ધરી છે. મોબાઈલ ફોન શોપ વિક્રેતાઓ બિલ વગર રોકડ રકમ પર મોબાઇલ વેચીને કરોડો રૂપિયાની GST ચોરી કરતા હતા. અમદાવાદના બિલ વગરના મોબાઈલ ખરીદ વેચાણ માટે કુખ્યાત મૂર્તિમંત માર્કેટ ઉપરાંત શહેરના ઘણા ઠેકાણે GST અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન 3 કરોડ રુપિયા અને 500 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર વેપારીઓ મોબાઈલ અને તેની એસેસરીઝ રોકડેથી વેંચતા હતા અને તેનો કોઈ રેકોર્ડ રાખતા ન હતા. આ ઉપરાંત તેઓ ખોટા બિલોને આધારે ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ મેળવતા હતા. રાજ્યના વેપારીઓએ ખોટી રીતે 22 કરોડ રૂપિયાની ઇનપુટ એક્સ ક્રેડિટ પણ મેળવી હોવાનું અધિકારીઓની સામે આવ્યું હતું.
અધિકારીઓએ અમદાવાદમાં 57, સુરત 8, ભુજ 4, રાજકોટના 3, જૂનાગઢ ત્રણ, વડોદરા બે અને મહેસાણાના બે મળી કુલ 79 મોબાઈલ શોપમાં દરોડા પાડીને મોટા પ્રમાણમાં વિવાદાસ્પદ વિગતો એકત્રિત કરી છે જ્યારે ઘણો ડેટા અને જુદી જુદી એન્ટ્રીઓ કબજે લીધી છે. અધિકારીઓએ તપાસ દરમિયાન ત્રણ કરોડ રૂપિયાની જીએસટીની વસૂલાત કરી છે.
સ્ટેટ GSTના અધિકારીઓએ હાલમાં અન્ય કોમોડિટીઝ પર દરોડા પાડીને કરોડોની GST ચોરી પકડી હતી. તેમાં કરોડ રૂપિયાની વસૂલાત પણ કરવામાં આવી હતી, ત્યારે જ અધિકારીઓના ધ્યાનમાં આવ્યું હતું કે, અમદાવાદ સહિત રાજ્યભરમાં હજારો કરોડના મોબાઈલ વેચાઈ રહ્યા છે. મોબાઈલનું આટલું મોટું માર્કેટ હોવા છતાં મોબાઇલનું વેચાણ કરતા તેમજ મોબાઇલની એસેસરીઝનું વેચાણ કરતા વેપારીઓ જેટલું વેચાણ કરે છે એટલી જીએસટી ભરતા નથી.