એસટી સમાજની વસતીવાળા 9 જિલ્લા અને 51 તાલુકાઓમાં ઓબીસી સમાજને 10% જ અનામત મળશે
રક્ષાબંધન પર રાખડી બંધાવી ભાઈ જે રીતે બહેનની સુરક્ષા કરે છે તેમ સરકારે રક્ષાબંધન ઉપર ઓબીસીને સુરક્ષા આપતો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યની ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને જિલ્લા પંચાયતની પાછી ઠેલાયેલી સામાન્ય ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો છે. લોકસભાની ચૂંટણીમાં મતોની ખેતી કરવા માટે સત્તાધારી ભાજપ દ્વારા મોટો ઘા મારવામાં આવ્યો છે. જસ્ટીસ જવેરી કમિશનના અહેવાલનો સ્વીકાર કરતા રાજ્યની સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી અને હોદ્ાની ફાળવણીમાં ઓબીસી સમાજને 27 ટકા અનામત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, એસટી કેટેગરીની વસતી ધરાવતા 9 જિલ્લાના 51 તાલુકાઓમાં ઓબીસી સમાજને 10 ટકા અનામત મળશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકાર રાજ્યના ઓ.બી.સી./એસ.ટી. અને એસ.સી. વર્ગોના હિતો માટે હંમેશાથી સંવેદનશીલ છે. રાજ્યમાં શહેરી ઉપરાંત ગ્રામ્ય સ્તરે સર્વસમાવેશક વિકાસ થાય તે દિશામાં રાજ્ય સરકારે હંમેશા પ્રયાસો હાથ ધર્યા છે. સમાજના દરેક વર્ગને વિકાસની મુખ્યધારામાં જોડીને રાજ્યનો વિકાસ હાથ ધરાયો છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગોને બેઠકો તેમજ ચેરપર્સનની બેઠકોમાં અનામત ફાળવણી માટે સુપ્રિમ કોર્ટના દિશા-નિર્દેશ અનુસાર જસ્ટીસ ઝવેરી કમિશનની રચના કરવામાં આવી હતી. આ કમિશને પોતાનો અહેવાલ રાજ્ય સરકારને રજૂ કર્યો હતો.
આ અહેવાલના અભ્યાસ માટે રાજ્ય સરકારે એક કેબિનેટ સબ કમિટિની રચના કરી હતી. આ કેબિનેટ સબ કમિટિના અહેવાલની ભલામણોનો રાજ્ય સરકારે જનહિતમાં સ્વીકાર કર્યો છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અન્ય પછાત વર્ગોને બેઠકો / હોદ્દા (પ્રમુખ,મેયર,સરપંચ) માટે 27 ટકા બેઠકો અનામત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સુપ્રિમ કોર્ટના વિવિધ નિર્દેશોથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી કરતા પહેલા “ટ્રીપલ ટેસ્ટ” કાર્યવાહી કરવા કરાયેલ નિર્દેશનો પણ રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે.
આ ટ્રીપલ ટેસ્ટના નિર્દેશ પ્રમાણે રાજ્ય સરકારે સમર્પિત આયોગની રચના કરીને, વોર્ડ પ્રમાણે અનામતનું પ્રમાણ જાળવી અને મહત્તમ મર્યાદા નક્કી કરી.
જેના આધારે સ્વરાજ્યની સંસ્થાઓ માટે પછાતપણાના સ્વરૂપ અને અસરો અંગે સંપુર્ણ અને કાળજીપુર્વક તપાસ કરવા માટે સમર્પિત આયોગની રચના અસરકારક સાબિત થશે.
આયોગની ભલામણોને આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાવાર અનામતના પ્રમાણને સ્પષ્ટ કરવામાં આવ્યું.
કોઇપણ સંજોગોમાં એસસી, એસટી અને ઓબીસી માટે સંસ્થાવાર અનામત રાખવામાં આવનાર બેઠકો કુલ બેઠકોના 50 ટકાથી વધે નહીં તે પ્રમાણેની સમગ્રતયા વ્યવસ્થા ગોઠવવામાં આવી.
સમર્પિત આયોગના અહેવાલ પર કેબિનેટ સબ કમિટિની ભલામણોમાં ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ શહેરી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ (નગરપાલિકા અને મહાનગરપાલિકા)માં અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના સમુદાયના લોકોને મળનાર હાલના પ્રતિનિધિત્વમાં સમર્પિત આયોગ દ્વારા કોઇ જ ફેરફાર કરવામાં આવેલ નથી, તે બાબતની કેબિનેટ સબકમિટી દ્વારા નોંધ લેવામાં આવી તેમજ તે બાબતે સંમતી દર્શાવવામાં આવી. ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો તેમજ ગ્રામ પંચાયતોમાં, શિડ્યુલ (અનુસૂચિત) વિસ્તારો અને પેસા એક્ટની જોગવાઈઓ લાગુ પડે છે તે સિવાયના વિસ્તારોમાં વોર્ડ / બેઠક માટે અને હોદ્દાઓ (પ્રમુખો / સરપંચો) અન્ય પછાત વર્ગ (ઓ.બી.સી.) માટે 27% અનામત (અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે બેઠકો / હોદ્દાઓ 50% ની મર્યાદામાં) રાખવા માટે કમિટીની ભલામણ છે. શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકા વિસ્તારોમાં પણ વોર્ડ / બેઠક અને હોદ્દાઓ માટે (પ્રમુખો /મેયરો) માટે અન્ય પછાત વર્ગ (ઓ.બી.સી.) માટે 27% અનામત (અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે બેઠકો હોદ્દાઓ 50%ની મર્યાદામાં) માટે કમિટીની ભલામણ છે.
બિન અનુસૂચિત વિસ્તારોની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અનુસૂચિત જનજાતિને (એસટી) અનુસૂચિત વિસ્તાર / પેસા એક્ટની જોગવાઇઓ મુજબ અનામત બેઠકો ફાળવવામાં આવેલ છે. જેમાં હાલની સ્થિતિએ રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિ માટે જે પ્રતિનિધિત્વ સંસ્થાવાર અમલમાં છે, તેનો અમલ યથાવત રાખવા ભલામણ કરેલ છે.
સમર્પિત આયોગ દ્વારા રજૂ કરવામાં આવેલ સ્થાનિક સ્વરાજયની સંસ્થાવાર આંકડાકીય માહિતીનું અવલોકન કરતા સમગ્ર રાજ્યની ગ્રામીણ અને શહેરી વિસ્તારની તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સંસ્થાવાર હાલની 10%ની નીતિ અનુરૂપ અન્ય પછાત વર્ગોના ફાળે બેઠકો ફાળવાયેલ છે, પરંતુ સમર્પિત આયોગ દ્વારા અન્ય પછાત વર્ગોને (ઓબીસી) બેઠકોની ફાળવણીની ભલામણ કરતા પેસા વિસ્તાર અને નોન-પેસા વિસ્તારમાં કેટલીક સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગોની બેઠકો રદ્દ થઇ જાય છે. તેવી સંસ્થાઓમાં ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ-9,10,11 તથા ગુજરાત નગરપાલિકા અધિનિયમ-1963 ની કલમ-6 તેમજ આ અધિનિયમોમાં થયેલ વખતો-વખતના સુધારા-વધારા અનુસાર અન્ય પછાત વર્ગોને (ઓબીસી) અગાઉની 10% નીતિ મુજબ ફાળવેલ આરક્ષિત બેઠકો યથાવત રાખવા કમિટીએ ભલામણ કરી છે. (મહાનગરપાલિકાઓમાં આ પ્રમાણેની પરિસ્થિતિ ઉદ્દભવેલ નથી.)
જસ્ટીસ ઝવેરી કમિશનની ભલામણોનો સ્વીકાર કરીને અમલવારી માટે સમર્પિત આયોગ દ્વારા ઓ.બી.સી. વસ્તીના આંકડા જે ગણતરીમાં લીધા છે તેમાં કલેકટર કચેરીની ચૂંટણી શાખાના આંકડા, આરોગ્ય વિભાગના આંકડા, વર્ષ-2021-22 દરમ્યાન ધોરણ-1માં પ્રવેશ મેળવેલ બાળકોના આંકડા, મતદાર યાદીમાં ઓ.બી.સી. મતદારોના આંકડા, બ્રીટીશ સમયના સેન્સસના આંકડા, કમિશન દ્વારા વિભાગીય કક્ષાએ વિવિધ સમાજો દ્વારા થયેલ રજૂઆતોના આંકડા, ગ્રામિણ વિસ્તારોમાં પ2 ટકા અને શહેરી વિસ્તારોમાં 46.43 ટકા મળી ઓ.બી.સી.ની વસ્તી રાજયમાં 49.20 ટકા અંદાજવામાં આવેલ છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઓબીસી સમાજ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જાહેર કરાયેલ 27% અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટની ભલામણો ધ્યાનમાં રાખીને આયોગની રચના કરી ગુજરાતની 52% વસ્તી અને 146 થી વધુ જાતિનો સમાવેશ થાય છે તેવા ઓબીસી સમાજને ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા અનામત આપવાનો મહત્વનો નિર્ણય કરવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરું છું. ઓબીસી સમાજ માટે જાહેર કરાયેલી અનામતમાં એસ.સી તેમજ એસ.ટી સમાજને અપાયેલી અનામતની ટકાવારીમાં કોઈપણ ફેરફાર કરવામાં આવ્યો નથી અને હિતોનું રક્ષણ થાય તેની ખાસ કાળજી રાખવામાં આવી છે. 9 જિલ્લા અને 51 તાલુકામાં એસ.ટી સમાજની વસ્તી મુજબ ઓબીસી સમાજને 10% અનામત મળશે. ભાજપા હંમેશા ઓબીસી સમાજને સાથે લઈને ચાલે છે, આજે ભાજપાના 50 જેટલા ધારાસભ્યો ઓબીસી સમાજના છે. રાજ્ય સરકાર દ્વારા ઓબીસી સમાજ માટે 27% અનામતની જાહેરાત બાદ રાજ્યભરના ઓબીસી સમાજમાં હકારાત્મક વલણ સાથે સંતોષનીની લાગણી પ્રસરી છે.
રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં રાજ્યની ભાજપા સરકાર હરહંમેશ નાનામાં નાના છેવાડાના માનવીને તેમજ વિવિધ જ્ઞાતિ-જાતિ અને ધર્મના નાગરિકોને સાથે રાખી ચાલે છે તેમાં આજે એક કડી ઉમેરતા કોઈપણ અન્ય જ્ઞાતિને અસર ન થાય તે પ્રકારે ઓબીસી સમાજ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27% અનામતનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. પ્રત્યેક વ્યક્તિ મુખ્ય પ્રવાહમાં આવે અને આગળ વધે તે ભાવથી સતત કાર્યરત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે રક્ષાબંધન પૂર્વે ઘરેલુ એલપીજી સિલિન્ડરમાં રૂ.200 નો ઘટાડો તેમજ ઉજ્જવલા યોજના હેઠળ રૂ.200ની સબસિડી જાહેર કરી દેશની કરોડો બહેનોને એલપીજી ગેસ સિલિન્ડરમાં કુલ રૂ.400ની રાહત આપવાની જાહેરાત કરી છે.