રાજય સરકારના આદેશ બાદ રાજયભરમાં ચેકીંગનો ધમધમાટ: સુરત અને અમદાવાદમાં 9 ગેમ ઝોનના સંચાલકો સામે પોલીસ ફરિયાદ
રાજકોટમાં ફાયર એનઓસી વિના ધમધમતા ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાની ઘનામાં 30થી વધુ માનવ જીંદગી હોમાય ગઈ છે. આ ઘટનાની તપાસ માટે રાજય સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી છે. દરમિયાન મંજુરી કે ફાયર એનઓસી વિના ધમધમતા ગેમ ઝોનનાં સંચાલકો સામે પોલીસ ફરિયાદદાખલ કરવા રાજય સરકાર દ્વારા કડક આદેશ આપવામા આવ્યા છે. જે અંતર્ગત આજે સુરતમાં પાંચ અને અમદાવાદમાં ચાર ગેમ ઝોનના માલીકો સામે એફઆઈઆર દાખલ કરવાામં આવી છે.
રાજકોટ ખાતે ટીઆરપી ગેમઝોનમાં બનેલી આગ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્યના પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાય સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ગૃહ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.
આ પ્રકારની દુર્ઘટનાનું ભવિષ્યમાં ક્યારેય પુનરાવર્તન ન થાય તેની તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં આ પ્રકારની જગ્યાઓ પર ખાસ ચેકીંગ કરવા સહિત અસરકારક કડક પગલાં સૂચનાઓ આપવામાં આવી છે.
રાજ્યના તમામ પોલીસ કમિશનર તથા તમામ જીલ્લા પોલીસ વડાઓને ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનમાં ચેકીંગ કરવા સૂચના આપવામાં આવી છે. એટલું જ નહિ, જે ગેમ ઝોનનું ફાયર એનઓસી હોય તથા લાયસન્સ મેળવેલ ન હોય તેમજ નિયમોનુસારની કાર્યવાહી કરેલ ન હોય તેના માલિકો વિરૂધ્ધમાં એફ.આઇ.આર. દાખલ કરવા આદેશ આપવામાં આવ્યા છે.
રાજય સરકારના આદેશ બાદ તંત્ર હરકતમાં આવી ગયું છે. સવારથી રાજયભરમાં સઘન ચેકીંગ ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન અલગ અલગ શહેરમાં મોટી માર્કેટમા ફાયર સેફટીની સુવિધા ન હોય તેને સીલ કરવામાં આવી રહ્યા છે. સુરતમાં સતત બીજા દિવસે ટેકસ ટાઈલ માર્કેટમાં સીલીંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગેમ ઝોન માટે નવા આકરા નિયમો ઘડવાની સરકાર તૈયારી કરી રહ્યું છે. ભવિષ્યમાં ફાયર સેફટીના કારણે આગની દુર્ઘટનામાં નિદોર્ષ નાગરિકોએ જીવ ગુમાવવા ન પડે તે માટે સરકાર ગંભીર બની છે. ફાયર સેફટીના નિયમો પણ વધુ આકરા બનાવવામાં આવે તેવી શકયતા નકારી શકાતી નથી.
- રાજ્યમાં 20 ગેમઝોન સીલ
- 81ને હંગામી ધોરણે બંધ કરાવી દેવાયા
- રાજકોટના અગ્નિકાંડ બાદ આઠ મહાનગરોમાં જરૂરી મંજૂરી વગર ચાલતા 101 ગેમઝોન સામે કાર્યવાહી
- આઠ મહાનગરોમાં કેટલા ગેમઝોન સીલ કર્યા ? કેટલા બંધ કર્યા ?
અબતક, રાજકોટ : રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ પછી સરકાર હરકતમાં આવી છે. રાજ્યના મહાનગરોમાં સરકારી તંત્ર દ્વારા કરાયેલી તપાસમાં કુલ 101 જેટલા ગેમ ઝોન જરૂરી પરવાનગીઓ વિના જ ચાલતા હોવાનું બહાર આવતા બંધ અને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
રાજકોટના નાના મવા રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ પછી સરકાર એકશનમાં આવી છે. રાજ્યમાં ગેરકાયદે અને નિયમોને નેવે મૂકીને નાગરિકોના જીવ જોખમમાં મૂકાય તેવી મનોરંજક પ્રવૃતિઓના ધંધા બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે તેની વિગતો બહાર આવી રહી છે. ખાસ કરીને શહેરી વિસ્તારો અને તેની નજીક અનેક મનોરંજન સ્થળો-ગેમ ઝોન રાતોરાત ઉભા થઇ ગયા છે. ગૃહ વિભાગની સૂચનાથી તેની તપાસ સ્થાનિક તંત્ર દ્વારા કરાતા જીડીસીઆરનું પાલન નહીં થતું હોવાનું, બીયુ પરમિશન તેમજ પોલીસ કે મહાનગરપાલિકાની મંજૂરી તેમજ ફાયર સેફ્ટીના અભાવ સહિત અનેક ખામીઓ જોવા મળી હતી. જેમાંથી કેટલાક ગેમ ઝોનને હંગામી ધોરણે તો કેટલાકને સીલ કરી દેવામાં આવ્યા છે. કુલ 101 ગેમ ઝોનમાંથી 81 હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યા છે તો 20 સીલ કરી દેવાયા છે. અમદાવાદમાં 34 જેટલા ગેમ ઝોન બંધ કરાયા તેમાંથી 29 હંગામી ધોરણે અને 5 સીલ કરી દેવાયા છે. રાજકોટમાં 12માંથી 8 સીલ કરાયા છે અને 4 હંગામી ધોરણે તો ગાંધીનગરમાં 17માંથી 14 હંગામી ધોરણે અને 3 સીલ કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા આગામી દિવસોમાં પણ વધુ તપાસ જારી રહેશે અને ગેમ ઝોન સહિતના જે મનોરંજક સ્થળો હાલ વેકેશનમાં ધમધમી રહ્યા છે તેમાં સુરક્ષાના નિયમોનું પાલન નહીં થતું હોય તો તેની સામે પગલા લેવામાં આવશે. આ પ્રકારે જનસુરક્ષાને પ્રાધાન્ય આપી આવનારા દિવસોમાં થિયેટર્સ, સ્કૂલ-કોલેજ, રેસિડેન્સિયસલ બિલ્ડિંગ સહિતના સ્થળો પર પણ કાર્યવાહી કરવામાં આવશે. જો કોઇ જગ્યા પર ખામી કે નિયમચૂક જણાશે તો જરૂરી કાર્યવાહી હાથ ધરાશે.
મહાનગર સિલ હંગામી બંધ કુલ
જામનગર 0 1 1
ભાવનગર 3 4 7
જૂનાગઢ 4 0 0
અમદાવાદ 5 29 34
સુરત 0 12 12
વડોદરા 0 16 16
રાજકોટ 8 4 12
ગાંધીનગર 0 15 15
કુલ 20 81 101