ધર્મ અને રાજકારણને અલગ કરવાથી જ્ઞાતિ-જાતિના વૈમનશ્યને દૂર કરી શકાય છે : સર્વોચ્ચ અદાલત
“શું રાજ્ય નપુંસક છે? શું તે દ્વેષપૂર્ણ ભાષણ ફેલાવનારાઓ સામે સમયસર પગલાં લઈ શકતું નથી? જો તે ન લઈ શકે, તો પછી રાજ્ય સરકારોની જરૂર કેમ છે?” આ શબ્દો બુધવારે સુપ્રીમ કોર્ટ તરફથી મહારાષ્ટ્રમાં હિંદુ સંગઠનો દ્વારા દ્વેષપૂર્ણ ભાષણો સામે નિષ્ક્રિયતા બદલ તેને રોકવાની બાંયધરી આપવા છતાં તેની સામે તિરસ્કારની કાર્યવાહીની માંગ કરતી અરજી પર આવ્યા હતા.
જસ્ટિસ કે એમ જોસેફ અને બી વી નાગરથનાની બેન્ચે કેરળના શાહીન અબ્દુલ્લાની અરજી પર આ ટિપ્પણી કરી ત્યારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, “રાજ્યો વિશે હું કંઈ કહી શકતો નથી, પરંતુ કેન્દ્ર નપુંસક નથી. કેન્દ્રએ પીએફઆઈ જેવા સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો છે, જે ભારતમાં અસ્તિત્વમાં હતી અને સાંપ્રદાયિક વૈમનશ્ય ફેલાવી રહ્યું હતું.
મહેતાએ જણાવ્યું હતું કે, આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટ દ્વારા સર્વગ્રાહી વિચારણાની જરૂર છે અને જ્યાં સુધી અદાલત અન્ય સમુદાયોની અગ્રણી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલા ગંભીર અને દ્વેષપૂર્ણ ભાષણોની નોંધ ન લે ત્યાં સુધી દ્વેષપૂર્ણ ભાષણને રોકવાનો હેતુ પૂર્ણ થશે નહીં. જસ્ટિસ જોસેફે કહ્યું કે, ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. જો ધર્મને રાજનીતિથી સંપૂર્ણપણે અલગ કરવામાં આવે તો તે બધું બંધ થઈ જશે. અબ્દુલ્લા દ્વારા મહારાષ્ટ્રમાં રેલીઓ આયોજિત કરવાનો અને દ્વેષપૂર્ણ ભાષણો આપવાનો આરોપ લગાવતા હિંદુ સંગઠન માટે દલીલ કરતા એડવોકેટ પી વી યોગેશ્વરને કહ્યું કે, ભારત બિનસાંપ્રદાયિક છે કારણ કે હિન્દુઓ બહુમતીમાં છે.
જસ્ટિસ જોસેફે કહ્યું કે, હું રાષ્ટ્રના હિતમાં હિંમત કરું છું, જે ક્ષણે ધર્મ રાજનીતિથી સંપૂર્ણપણે અલગ થઈ જશે, ત્યારે આ બધી રમત બંધ થઈ જશે. જ્યારે ફરજિયાત કરવામાં આવશે કે ધર્મના નામે કોઈ અપીલ ન કરી શકાય, ત્યારે આ બધું બંધ થઈ જશે. ધર્મ અને રાજકારણ વચ્ચે ઊંડો સંબંધ છે. ત્યારે સોલિસિટર જનરલએ કહ્યું હતું કે, કોઈ એક ધર્મના આગેવાન દ્વારા કરાયેલી ટિપ્પણીને ધ્યાનમાં રાખીને કોઈ નિર્ણય લઈ શકાય નહીં. અન્ય ધર્મના લોકો પણ સતત ઘૃણાસ્પદ નિવેદનો આપતાં હોય છે. ખંડપીઠે કહ્યું છે કે, તે 28 એપ્રિલે નવી અરજી પર કાર્યવાહી કરશે અને મહારાષ્ટ્ર સરકારને હિંદુ સંગઠનો દ્વારા કથિત દ્વેષપૂર્ણ ભાષણ સામે કરવામાં આવેલી કાર્યવાહી અંગે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા જણાવ્યું હતું.