રાજ્ય સરકારના આઠ લાખથી વધુ અધિકારી/કર્મચારી- પેન્શનરોને ૨ મોંઘવારી ભથ્થાનો લાભ અપાશે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ
રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓ તેમજ પેન્શનરો મળી કુલ ૮,૨૦,૭૬૪ કર્મચારીઓને લાભ રાજ્ય સરકારને વાર્ષિક રૂ. ૬૮૦ કરોડનો વધારાનો ખર્ચ થશે
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકારની આઠ લાખથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧.૦૧.૨૦૧૮ થી ૨% મોંઘવારી ભથ્થુ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ મોંઘવારી ભથ્થુ
સપ્ટેમ્બર-૨૦૧૮ ના પગાર સાથે ચુકવવામાં આવશે, જેનાથી રાજ્ય સરકારને રૂ.૬૮૦ કરોડનો વધારાનો વાર્ષિક બોજ પડશે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સરકારી કર્મચારીઓ માટે અનેકવિધનિર્ણયો કર્યા છે, જેના ભાગરૂપે આ નિર્ણય કરાયો છે, તેમ જણાવી નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ કે, રાજ્ય સરકારના ૧,૮૫,૫૭૫, પંચાયત વિભાગના ૨,૦૮,૭૭૧ અને ૪,૨૬,૪૧૮ પેન્શનરો મળી, અંદાજીત કુલ ૮,૨૦,૭૬૪અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને રાજ્ય સરકારે સાતમાં નાણા પંચના લાભો મંજૂર કરેલ છે, જે મુજબ હાલમાં પગાર તથા પેન્શન ચુકવવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે તેના અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને જન્માષ્ટમી તથા આગામી તહેવારોને ધ્યાને લઇને, તા.૦૧.૦૧.૨૦૧૮ થી ૨% મોંઘવારી ભથ્થુ રોકડમાં આપવાનો નિર્ણય કર્યો છે.