સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમવાર 370 કરારી કર્મચારીઓને એકી સાથે બ્રેક આપી દેતા દેકારો, અત્યાર સુધી ક્રમશ: છૂટા કરવામાં આવતા હતા
રાજ્યના શિક્ષણ વિભાગમાં છેલ્લા ઘણા મહિનાથી ઉથલપાથલ ચાલી રહી છે જેને લઈ યુનિવર્સિટીઓની ઇમેજ ડાઉન થઇ રહી છે
અબતક-રાજકોટ
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓના કુલપતિઓની સત્તાને બ્રેક મારી છે. ભરતી હોય કે આર્થિક મોટા ખર્ચ હોય અથવા સેનેટ કે સિન્ડીકેટનું નિમણૂંક હોય કોઇપણ મોટા નિર્ણય સરકારને પૂછ્યા વગર લઇ નહીં શકાય, સરકાર સાથે પરમાર્શ કર્યા બાદ અને મંજૂરી મળ્યા બાદ જ મોટા નિર્ણય લઇ શકાશે. આવા ફતવાથી રાજ્યની તમામ યુનિવર્સિટીઓ જાણે ધંધે લાગી ગયુ હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમવાર 370 કરારી કર્મચારીઓને એકીસાથે બ્રેક આપી દેતા દેકારો મચી જવા પામ્યો છે. અત્યાર સુધી યુનિવર્સિટીમાં દર વર્ષે કરારી કર્મચારીઓને ક્રમશ: એટલે કે 40 થી 50 લોકોને બ્રેક આપવામાં આવતી હતો. જો કે હવે એકીસાથે 370 જેટલા કર્મચારીઓને બ્રેક અપાતા હવે અઠવાડીયા બાદ રાજ્ય સરકાર શું નિર્ણય લેશે તેના પર સૌની મીટ છે.
છેલ્લાં પાંચ, છ મહિનાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છબી ખૂબ જ ખરાબ થઇ છે. અવારનવાર જાત-જાતના કૌભાંડો બહાર આવવા લાગ્યા હતા. આવું મોટું શિક્ષણ ધામ જાણે ગેરરીતીનો અખાડો બની ગયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તો હાલત એવી થઇ ગઇ છે કે જાણે શિક્ષણ પ્રક્રિયા ખારાશ બની ગઇ છે. તાજેતરમાં જ યુનિવર્સિટીમાં 88 જેટલા પ્રોફેસરોની ભરતીમાં કૌભાંડ બહાર આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા આ ભરતી પ્રક્રિયામાં બ્રેક લગાવી દેવામાં આવી હતી. જેના કારણે યુનિવર્સિટીની શિક્ષણ વ્યવસ્થા ખોરંવાઇ ગઇ છે. લાખો વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય ઉપર અંધકારના ઓળા ઉતરવા લાગ્યા છે. આવનારા દિવસોમાં પણ રાજ્ય સરકાર વધુ કડક પગલાં લે એવી શક્યતા છે. શિક્ષણ વિભાગના આવા પરિપત્રના કારણે કુલપતિઓના મનમાં ઘણો કચવાટ થઇ રહ્યો છે અને જો બધી બાબતોમાં સરકારને પૂછવાનું હોય તો કુલપતિની શું જરૂર?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નોન ટીચીંગના 370 કરારી કર્મચારીઓને 10મીએ એક અઠવાડિયા માટે છૂટા કરાયા બાદ હવે તે કર્મીઓને આ વખતે નોકરીમાંથી કાઢી મુકાશે તો? તેવો ડર સતાવી રહ્યો છે. કારણ કે રાજ્ય સરકારે દરેક યુનિવર્સિટીમાં હવે કાયમીની મંજૂર જગ્યાઓ એટલી જ કોન્ટ્રાક્ટ પર ભરતીના આદેશ કરી રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ તે નિયમ લાગૂ પાડે તો મંજૂર 267 જગ્યા પર જ ભરતી થાય અને 113 કર્મચારીઓ બેરોજગાર થઇ જાય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નોન ટીચંગમાં હાલ કાયમી અને એપ્રેન્ટીસ સહિત 150 કર્મચારીઓ જ છે. આ સિવાયના 370 કરાર પર છે. સરકારની આઉટ સોર્સીંગ મારફત 30 અને 12 પટ્ટાવાળા છે જે હજુ છૂટા કરાયા નથી. 18મીથી કરારી કર્મચારીઓને ફરજ લેવાના થશે કે છુટ્ા કરાશે? તે સવાલ છે.
રાજ્ય સરકારના આવા પરિપત્રને કારણે મોટાભાગની યુનિવર્સિટીઓ ધંધે લાગી છે તે હવે નાના-મોટા નિર્ણય માટે પણ રાજ્ય સરકારની રાહ જોવા મળશે. તાજેતરમાં એમ.એસ. યુનિવર્સિટીમાં પણ આવા કરારી કર્મચારીઓને છુટ્ા કરવાથી દેકારો મચી ગયો હતો. જો કે આ બાબતે ત્યાંના સિન્ડીકેટના સભ્યોએ શિક્ષણ વિભાગને રજૂઆત કરી છે. હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ કરારી કર્મચારીઓને હાલ બ્રેક અપાય છે. જો રાજ્ય સરકાર દ્વારા કરારી કર્મચારીઓને છુટ્ા કરવાનો નિર્ણય કેટલા અંશે યોગ્ય સાબિત થશે તે જોવું રહેશે.
શિક્ષણમંત્રીને “શિક્ષિત” કોણ કરશે?
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગમાં છેલ્લા ત્રણ-ચાર મહિનાથી ઉથલપાથલ ચાલી રહી છે. જેને લઇને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીઓની ઇમેજ પણ ડાઉન થઇ રહી છે. શિક્ષણ વિભાગના ઘણા અપરિપક્વ નિર્ણયથી યુનિવર્સિટીઓ પણ ધંધે લાગી ગઇ છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ બેઝ પ્રોફેસરોની ભરતીને મામલે જે પણ ગેરરીતી બહાર આવી હતી તેમાં રાજ્ય સરકારે આખરે પોતાના નિર્ણય લીધો અને ભરતી પ્રક્રિયા રદ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારે છેલ્લા દોઢ મહિનાથી આ ભરતી પ્રક્રિયા અટકી હોય જેને લઇ યુનિવર્સિટીઓના મોટાભાગના ભવનોમાં અભ્યાસક્રમ પણ પૂરો ન થતાં વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન થયાં છે. જો કે ત્યાર બાદ શિક્ષણ વિભાગના પરિપત્રથી યુનિવર્સિટીઓ જાણે ધંધે લાગી ગઇ હોય તેમ નાના-મોટા નિર્ણયો માટે પણ રાજ્ય સરકાર સમક્ષ પરામાર્શ કર્યા બાદ અને મંજૂરી મળ્યા બાદ જ નિર્ણય લઇ શકાશે. તેનાથી હવે યુનિવર્સિટીઓની ઇમેજ પણ ડાઉન થઇ રહી છે અને કચવાટ ફેલાયો છે.