અગાઉ જંત્રી દરમાં વધારો કરવાની શરૂ થયેલી તજવીજ ત્રણ મહિના સુધી મુલતવી રાખવામાં આવે તેવા નિર્દેશ
લાંબા સમયથી ગુજરાત સરકારે જંત્રીના દરમાં ફેરફાર કર્યો નથી. ત્યારે જંત્રીનો રેટ ડબલ કરવાની કવાયત રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી હતી. જો કે કોરોનાકાળમાં લોકોને ફટકો ન પડે તે માટે ત્રણ મહિના સુધી આ કવાયત પડતી મુકાઈ હોવાનું જાણવા મળ્યું છે. અલબત્ત જ્યાં સુધી કોરોના જતો નહિ રહે ત્યાં સુધી સરકાર જંત્રી દરમાં વધારો નહી કરે તેવી માહીતી પણ સુત્રોમાંથી મળી રહી છે.
ગુજરાતમાં છેલ્લે જંત્રીના દરમાં ફેબ્રુઆરી 2007માં 50 ટકાનો વધારો થયો હતો. આ પહેલા જંત્રી દરમાં સુધારો 1999માં કરાયો હતો ત્યાર પછી 2011માં જંત્રી દરમાં ફરી સુધારો કરાયો હતો. આ અંગે મહેસુલ અધિકારીએ અગાઉ જણાવ્યું હતુ કે અત્યારે રાજયમાં જંત્રી દર અને મિલ્કતની વાસ્તવિક બજાર ભાવમાં મોટો ફરક છે. ગ્રામ્ય વિસ્તારમાં આ ફરક 50 ટકાનો જયારે શહેરી વિસ્તારમાં આ ફરક 80 ટકા જેવો જોવા મળે છે. આ ફરકને ઘટાડીને સરકારને વધુ આવક થાય તે માટે આ કવાયત હાથ ધરાય છે. તેમના વિભાગ દ્વારા જંત્રીદરને રિવાઈઝ કરવા આયોજન પણ ચાલી રહ્યું હતું.
જો કે ગુજરાતમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. દરરોજ કેસોની સંખ્યા વધતી જઇ રહી છે. હાલ લોકડાઉન લાગુ કરવું અસંભવ છે. અગાઉ સામાન્ય લોકો ઉપર લોકડાઉનની જે અસર પડી હતી. તે ભયાનક હતી. હવે લોકડાઉન કરવું એટલે આ સામાન્ય લોકોનું જીવવું મુશ્કેલ બની જાય તેમ છે. માટે હવે સરકાર ખૂબ ધ્યાનથી આયોજનબદ્ધ રીતે પગલાંઓ લઈ રહી છે.
તેવામાં જંત્રી દરોમાં વધારો કરવાની જે હિલચાલ ચાલી રહી હતી. તેને મુલતવી રાખી દેવામાં આવી છે. જંત્રી દરમાં વધારો સીધી કે આડકતરી રીતે સામાન્ય લોકોને સ્પર્શતો હોય સરકારે ત્રણ મહિના સુધી જંત્રી દરમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત સુત્રોમાંથી એવી પણ માહિતી મળી રહી છે કે જ્યાં સુધી કોરોના કાળ પૂર્ણ નહિ થાય ત્યાં સુધી સરકાર જંત્રી દરના ભાવમાં કોઈ ફેરફાર નહિ કરે.
ઉલ્લેખનીય છે કે કોઈપણ મિલકતની લે-વેચ માટે સ્ટેમ્પ ડ્યૂટી ભરવી પડે છે અને તે સરકાર દ્વારા નક્કી કરાયેલી જંત્રીના દરના આધારે નક્કી થાય છે એટલે સરકાર દ્વારા જંત્રીના દરમાં વધારો કરાય તો, સ્ટેમ્પ ડ્યૂટીની આવક વધી શકે છે. કોરોના સામેના જંગમાં સરકારને ખર્ચ સામે પહોંચી વળવા માટે ભંડોળની જરૂર છે. પણ આ ભંડોળ એકત્ર કરવાનો ભાર પ્રજા માથે નાખી શકાય તેમ નથી.
સરકારનો નિર્ણય આવકારદાયક, ભવિષ્યમાં વધારો એકસામટો કરવાને બદલે તબક્કાવાર થાય તેવી માંગ: પરેશ ગજેરા
રાજકોટ બિલ્ડર એસો.ના પ્રમુખ પરેશ ગજેરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ત્રણ મહિના સુધી જંત્રી દરમાં વધારો ન કરવાનો સરકારનો નિર્ણય ખૂબ આવકારદાયક છે. અમારી રજૂઆતને સફળતા મળી છે. હાલના સમયમાં જંત્રી દર વધવાથી મોટો ફટકો પડે તેમ છે. જેને ધ્યાને લઈને સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે તેઓની માંગ છે કે સરકાર જ્યારે જંત્રી દરમાં વધારો કરે ત્યારે પાર્ટ પાડીને વધારો કરે. મતલબ કે પાંચ વર્ષ સુધી દર વર્ષે અમુક ટકાનો તબક્કાવાર વધારો કરે.