દરિયાઈ કનેક્ટિવીટી તથા ઓટો મોબાઈલ ક્ષેત્રના કારણે ગુજરાતનો વિકાસ ઉચ્ચકક્ષાએ
ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવા અગ્રેસર થઈ રહી છે જેમાં નિકાસકારો માટે ખુબજ સારા સમાચાર છે. વાત કરવામાં આવે તો ગુજરાત રાજય સરકાર આવનારા દિવસોમાં નવી નિકાસ પોલીસી લાવવા કમરકસી રહી છે જેથી રાજયના નિકાસકારોને ખૂબજ લાભ થશે. જેની વિગત ફેડરેશન ઓફ ઈન્ડિયન એકસ્પોર્ટર ઓર્ગેનાઈઝેશન દ્વારા આપવામાં આવી હતી.
આ જાહેરાત એફઆઈઈઓના લોકાર્પણ પ્રસંગે અમદાવાદ ખાતે કેન્દ્રના વાણીજય મંત્રી સુરેશ પ્રભુએ જાહેરાત કરી હતી. આ અંગે વધુ માહિતી આપતા એફઆઈઈઓના અધ્યક્ષ અજય સહાએ જણાવ્યું હતું કે, તેઓ અને રાજય સરકાર સંયુકત ઉપક્રમે નવી નિકાસ પોલીસી જાહેર કરવામાં આવશે અને તે હાલ વિચારણા હેઠળ રાખવામાં આવી છે.
હાલ ગુજરાત આખા ભારત દેશના કુલ નિકાસમાં ૨૫ ટકાનો ફાળો આપી રહ્યું છે જેમાં ફાર્માસ્યુટીકલ, ટેકસ ટાઈલ્સ, સીરામીક, કેમીકલ તથા જવેલરી જેવી ચિજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમ એફઆઈઓના પ્રેસીડેન્ટ જી.કે.ગુપ્તાએ જણાવ્યું હતું.
નિકાલ પોલીસી આવતા ગુજરાતના નિકાસકારોને ખૂબજ ફાયદો થશે અને નિકાસમાં તેઓને મહત્તમ લાભ મળશે. અજય સહાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, તેઓનો લક્ષ્યાંક છે કે, ગુજરાત નિકાસમાં ૨૫ ટકાથી વધી ૩૩ ટકા સુધીનો વધારો થઈ શકે અને તે લક્ષ્યાંક ૨૦૨૦ સુધીમાં પૂર્ણ કરવા માટે રાજય સરકાર અને એફઆઈઈઓ સંયુક્ત ઉપક્રમે કાર્ય કરી રહ્યું છે. નિકાસ પોલીસી હાલ આંધ્રપ્રદેશમાં પ્રવર્તીત છે જયારે અન્ય રાજયો જેવા કે, ગુજરાત, ઓડિસા અને છત્તીસગઢ આ પોલીસીને લઈ કાર્ય કરી રહ્યું છે.
નવી નિકાસ પોલીસી આવતાની સાથે સોથ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વિકાસમાં અને આંતરરાષ્ટ્રીય માર્કેટીંગમાં બહોળો લાભ થશે. જેમાં કેન્દ્ર સરકાર પણ રાજયની સાથે રહી બજેટમાં પણ આ અંગેનું પ્રાવિધાન હાથ ધરશે. સાથો સાથ ઉદ્યોગકારોને પડતી તકલીફો વિશે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવશે અને નિકાસમાં કયાં પ્રકારના અવરોધો આવી રહ્યાં છે તેની પણ ચર્ચા કરી તેનો હલ કરવામાં આવશે.
વધુમાં એફઆઈઈઓના અધ્યક્ષે જણાવ્યું હતું કે, ભારત નિકાસ માટેનું ઉચ્ચત્તમ સ્થળ છે અને નિકાસ માટે ગુજરાતનો બેઈઝ ખુબજ મજબૂત છે જેનું એકમાત્ર કારણ દરિયાઈ કનેક્ટિવીટી માનવામાં આવે છે અને જે રીતે ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે તે પણ ગુજરાતના વિકાસ માટેનું મહત્વપુર્ણ કારણ છે. ગુજરાતમાં ઓટો મોબાઈલ ક્ષેત્ર આવતા જ ગુજરાતના વિકાસગાથા ખૂબજ વધુ પ્રબળ બની છે જેથી નવી નિકાસ પોલીસી આવતા ગુજરાતને ખૂબજ લાભ થશે અને નિકાસકારોને પણ તેનો ફાયદો થશે.