એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં વસતા આદિજાતિ સમુદાયના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે અનેક વિકાસલક્ષી પ્રયત્નો આદર્યા છે. શિક્ષણ, પોષણ, સ્વાસ્થ્ય, મહિલા સ્વાવલંબન, રોજગારલક્ષી બાબતો સહિત સરકારે ખેતી-પશુપાલન ક્ષેત્રે પણ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. જેનો લાભ લઈને નાગરિકો સ્વમાનભેર જીવન જીવી રહ્યાં છે. પશુપાલન ક્ષેત્રે અગ્રેસર લાભાર્થીઓની વાત કરીએ તો, નર્મદા જિલ્લામાં વિવિધ પશુપાલન યોજનાઓ અંતર્ગત ૩૧૫૦ લાભાર્થીઓને કુલ રૂ. ૧૭૫.૩૩ લાખની સહાય મળી છે. આ યોજનામાં વિદ્યુત સંચાલિત ચાફકટર ખરીદી સહાય યોજના, બકરા એકમ ૧૦+૧ ખરીદી સહાય, વિયાણબાદ મોટા પશુઓ માટે સમતોલ દાણ ખરીદી સહાય, કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડી માટે પ્રોત્સાહન સહાય, ગાભણ મોટા પશુઓ માટે સમતોલ ખાણ-દાણ ખરીદી સહાય, અનુ. જાતિ પશુપાલકોના બે પશુઓ માટે કેટલ શેટ બાંધકામ સહાય, ૧ થી ૨૦ દુધાળા પશુ એકમની સ્થાપના યોજના હેઠળ વ્યાજ સહાય જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. આવી જ એક પશુપાલન યોજનાનો લાભ નાંદોદ તાલુકાના હજરપુરા ગામના પશુપાલક શ્રી વિનોદભાઈ પરમારે લીધો છે.
તેમણે જણાવ્યું કે, સરકારની પશુપાલનલક્ષી યોજનાની માહિતી મેળવીને પશુઓ માટે કેટલશેડ અંગે પોર્ટલમાં નોંધણી કરાવી હતી. ત્યાર બાદ સરકાર અને પશુપાલન વિભાગ દ્વારા મને કેટલશેડ માટે રૂ. ૩૦ હજારની સહાય સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી. કેટલશેડ બનતા મારા પશુઓ તડકા અને વરસાદથી સુરક્ષિત રહ્યા છે. આ માટે શ્રી પરમારે સરકાર અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રનો તેમાય ખાસ કરીને પશુપાલન શાખા જિલ્લા પંચાયતનો આભાર માન્યો હતો. (અનુસૂચિત જાતિના પશુપાલકોને આ લાભ મળવા પાત્ર છે.) ઉલ્લેખનીય છે કે, ખેતી અને પશુપાલન ભારતીય લોકજીવનના અર્થતંત્રની કરોડરજ્જું છે. અંદાજિત ૩.૪૪ લાખ પશુધન ધરાવતા નર્મદા જિલ્લામાં ૧.૭૭ લાખથી વધુ ગાયવર્ગ, ૭૬ હજારથી વધુ ભેંસ વર્ગ અને ૮૯ હજારથી વધુ ઘેટા-બકરાં છે. આ અબોલ પશુઓ માટે રાજ્ય સરકારની પશુસારવાર યોજનાઓનો લાભ પશુપાલકોને મળી રહ્યો છે.
નર્મદા જિલ્લામાં કુલ ૬૮ પશુસારવાર સંસ્થાઓ છે. જેમાંથી ૧૮ પશુદવાખાના, ૪ ફરતા પશુદવાખાના, ૧૮ ગ્રામ્ય પ્રાથમિક પશુસારવાર કેન્દ્રોએ ૨૭ ગ્રામ્ય પશુસુધારણા ઉપકેન્દ્રો છે. જે પશુ સ્વાસ્થય અને પશુપાલકોની પશુઓ માટેની આરોગ્યલક્ષી જરૂરિયાતોને ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે. આ પશુ સારવાર સંસ્થાઓ દ્વારા પશુઓની આપાતકાલિન સારવાર, રોગ નિદાન, રસીકરણ અને દવાઓની ઉપલબ્ધતાને વધુ સરળ બનાવીને રાજ્ય સરકાર અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ અબોલ પશુઓના સ્વાસ્થ્યની ચિંતા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે અને પશુપાલન મંત્રી દ્વારા પશુ સ્વસ્થતાને ધ્યાને લઈને ફરતા પશુદવાખાનાની પરિણામલક્ષી પહેલનો પ્રારંભ કરીને છેવાડાના તથા દૂરના વિસ્તારના પશુપાલકોના ઘરે જ તેમના પશુઓને મેડિકલ ટીમ દ્વારા મેડિકલ સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. રાજ્ય સરકાર અને જીવીકે ઈએમઆરઆઈ (GVK EMRI) ના સહયોગથી “પીપીપી” (પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ) ધોરણે કાર્યરત નવું મોબાઈલ પશુદવાખાના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યાં છે.
આ પહેલનો હેતુ એ છે કે, તેઓ દૂરના વિસ્તારોમાં વસતા પશુપાલકોને ઘરના નજીક તેમના પશુઓને મેડિકલ સેવાઓ સારવાર પ્રદાન કરી શકે. નર્મદા જિલ્લામાં ગ્રામ દીઠ એક મોબાઈલ પશુદવાખાનું એમ કુલ ૧૮ મોબાઈલ પશુદવાખાનું કાર્યરત છે. આ મોબાઈલ પશુ દવાખાનું જિલ્લાના ૨૧૯ ગામોને આવરી લે છે. નોંધનીય છે કે, ખરવા મોવાસા રસીકરણ અભિયાન હેઠળ જિલ્લાના કુલ ૨.૧૫ લાખથી વધુ મોટા પશુઓમાં ખરવા મોવાસા રસીકરણની કામગીરી સરળતાપૂર્વક પૂર્ણ થઈ છે.
રાષ્ટ્રીય કૃત્રિમ બીજદાન કાર્યક્રમ હેઠળ જિલ્લામાં કુલ ૮૧ હજારથી વધુ માદા પશુઓને કૃત્રિમ બીજદાનની કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે. પશુપાલન ક્ષેત્રે અગ્રેસર લાભાર્થીઓની વાત કરીએ તો નર્મદા જિલ્લાના પશુપાલકોને વિવિધ પશુપાલક યોજનાઓનો કુલ ૩૧૫૦ લાભાર્થીઓને કુલ રૂ. ૧૭૫.૩૩ લાખની સહાય આપવામાં આવી છે. આ યોજનામાં વિદ્યુત સંચાલિત ચાફકટર ખરીદી સહાય યોજના, બકરા એકમ ખરીદી સહાય, વિયાણબાદ મોટા પશુઓ માટે સમતોલ દાણ ખરીદી સહાય, કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડી માટે પ્રોત્સાહન સહાય, ગાભણ મોટા પશુઓ માટે સમતોલ દાણ ખરીદી સહાય, અનુ. જાતિ પશુપાલકોના બે પશુઓ માટે કેટલશેડ બાંધકામ સહાય, ૧ થી ૨૦ દુધાળા પશુ એકમની સ્થાપના યોજના હેઠળ વ્યાજ સહાય જેવી યોજનાઓનો સમાવેશ થાય છે.