પવિત્ર યાત્રાધામ શકિતપીઠ અંબાજી મંદિરમાં ભાવિકોને અપાતા મોહનથાળ બનાવવા માટે ભેળસેળ યુકત ઘીનો ઉપયોગ કરવામાં આવતો હોવાના ઘટસ્ફોટ બાદ રાજય સરકાર દ્વારા રાજયના તમામ તિર્થધામોમાં ભાવિકોને અપાતા પ્રસાદની ગુણવત્તા ચકાસવા માટે રાજય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં ફુડ વિભાગ દ્વારા પ્રસાદના નમુના લેવા સહિતની કાર્યવાહી શરુ કરવામાં આવશે.
અંબાજી મંદિરે છેલ્લા ઘણા સમયથી પ્રસાદ વિવાદ ચાલી રહ્યો છે. મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચિકીનો પ્રસાદ આપવાના નિર્ણય સામે રાજયવ્યાપી આંદોલન થયા હતા બાદમાં મોહનથાળનો પ્રસાદ યથાવત રાખવામાં આવ્યો હતો.
અંબાજી મંદિરે મોહનથાળના પ્રસાદમાં ભેળસેળ યુકત ઘીનો ઉપયોગ કરાતો હોવાના ઘટસ્ફોટ બાદ સરકારની તાકીદ: ફુડ વિભાગ નમૂના ચેક કરશે
તાજેતરમાં ફુડ વિભાગ દ્વારા પવિત્ર તિર્થધામ અંબાજી મંદિર ખાતે ભાવિકોને પ્રસાદ રુપે અપાતા મોહનથાળનો નમુનો લેવામાં આવ્યો હતો જેમાં ભેળસેળયુકત ઘીનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું ખુલતા રાજયભરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ટેમ્પલ કમીટી દ્વારા તાત્કાલીક અસરથી મોહિની કેટરર્સનુ ટેન્ડર રદ કરી. પ્રસાદ બનાવવા માટે નવી એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. ભેળસેળયુકત ઘી પ્રકરણમાં રોજેરોજ નવા નવા રાજ ખુલ્લી રહ્યા છે.
દરમિયાન રાજય સરકાર દ્વારા રાજયના તમામ તિર્થધામ જયાં ભાવિકોને ભોજન પ્રસાદ કે અન્ય પ્રસાદ આપવામાં આવે છે તેના નમુના લેવા માટે ફુડ વિભાગને આદેશ આપવામાં આવ્યો છે. આગામી દિવસોમાં તમામ મંદિરોમાંથી પ્રસાદના નમુના લઇ તેનું લેબોરેટરીમાં પૃથ્થકરણ કરવામાં આવશે. તેમાંજો નમુના ફેઇલ જશે તો પગલા પણ લેવામાં આવશે.