શ્રેષ્ઠ સમાજના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા અહમ: સાંસદ મોહનભાઈ કુંડારીયા
શિક્ષક દિન નિમિતે રાજકોટ જિલ્લા, તાલુકાના કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરતા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, છેવાડાના વિસ્તારમાં રહેતા બાળકોને પણ શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે રાજય સરકાર સંકલ્પબઘ્ધ છે.
રાજય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરેલ કાર્યો અંગે જણાવતા રાદડિયાએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ અંતર્ગત રાજયનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે, ગુણોત્સવ જેવા કાર્યક્રમ થકી બાળકોમાં શિક્ષણનું સ્તર સુધરે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
તેમજ નબળા વિદ્યાર્થીઓને સારું શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે હાલમાં જ રાજય સરકાર દ્વારા મિશન વિદ્યા યોજના અમલી બનાવી બાળકોને તેજસ્વી બનાવવા અભિયાન હાથ ધરાયું છે. આ માટે તેઓએ સર્વે શિક્ષકોનો આભાર માન્યો હતો. મંત્રીએ વધુમાં ઉમેયુર્ં હતું કે, પ્રાથમિક શિક્ષણ એટલે કે પાયાનું શિક્ષણ જો શ્રેષ્ઠ મળે તો બાળકોની કારકિર્દી શ્રેષ્ઠ બની શકે છે. આ માટે પ્રાથમિક શિક્ષકોને ખુબ જ સારું શિક્ષણ વિદ્યાર્થીઓને મળી રહે તે માટે પ્રયત્ન કરવા અનુરોધ કર્યો હતો.
આ તકે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ વિદ્યાર્થીઓના માનસ પર શિક્ષકોની વિશેષ અસર પડતી હોવાનું જણાવતા કહ્યું હતું કે, બાળકો શિક્ષકોના પ્રભાવમાં જીવનની કેડી કંડારતા હોય છે. વિશેષમાં કુંડારિયાએ જણાવ્યું હતું કે, તમામ શિક્ષકોએ તેમને શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન પ્રાપ્ત થાય તે માટે સર્વે શિક્ષકોએ પ્રયત્ન કરવો જોઈએ અને વિદ્યાર્થીઓના જીવનને શ્રેષ્ઠ બનાવવા હકારાત્મક અભિગમ અપનાવવો જોઈએ.
શિક્ષકદિન ઉજવણી ૨૦૧૮ અંતર્ગત જિલ્લા વહિવટી તંત્ર રાજકોટ તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી રાજકોટના સંયુકત ઉપક્રમે આયોજીત તાલુકા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારંભમાં શ્રેષ્ઠ શિક્ષકોને પ્રમાણપત્ર, રોકડ પુરસ્કાર તેમજ શાલ ઓઢાડીને તેમનું સન્માન કરાયું હતું.
જેમાં તાલુકા કક્ષાએ વિસામણ પ્રાથમિક શાળાના ટંકારિયા વિપુલભાઈ, વડાળી પ્રાથમિક શાળાના નિમાવત રંજનબેન તેમજ પ્રાસંલા પ્રાથમિક શાળાના ચૌહાણ જયંતીલાલને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. જયારે જિલ્લા કક્ષાએ વડાળી પ્રાથમિક શાળાના નિરંજની પ્રકાશભાઈ, સાજડીયાળી પ્રાથમિક શાળાના રાણપરીયા વિજયભાઈ તેમજ આંબરડી સરસ્વતી મંદિરના દિપક ગજેરાને સન્માનિત કરાયા હતા.