સુરેન્દ્રનગર ખાતે આયુષ્યમાન ભારત -પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો શુભારંભ.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સમગ્ર દેશમાં આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો છે. સમગ્ર દેશના લોકોના આરોગ્ય સુખાકારી માટેની સૌથી મોટી આ યોજનાના શુભારંભમાં સહભાગી બનવા સુરેન્દ્રનગર ખાતે જિલ્લાના પ્રભારી અને પાણી પુરવઠો, ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતુ કે, છેવાડાનો માનવી આરોગ્ય સુવિધાથી વંચિત ન રહે તે માટે રાજય અને કેન્દ્રની સરકાર પ્રયત્નશીલ છે. મંત્રીશ્રીએ આ તકે વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય માણસને કેન્દ્રમાં રાખીને તેના આરોગ્યની સુખાકારી માટેની આટલી મોટી યોજના અત્યાર સુધીમાં કયારેય પણ નથી બની. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ગરીબ મધ્યમ સામાન્ય વર્ગના પરિવારોને માંદગીના સમયે દેવુ ન થાય અને તે પરિવારના વ્યક્તિને એકપણ રૂપિયો ચૂકવ્યા વિના માંદગીના સમયે રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર મળી રહે તે માટે માનવીય અભિગમ સાથેની યોજના અમલમાં મૂકી છે.
તેમણે આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ ગુજરાતના ૪૪ લાખથી વધુ પરિવારોના ૨.૨૫ કરોડ લોકોને મળશે છેવાડાના માનવીને કેન્દ્રમાં રાખીને તેના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી હોવાનું વધુમાં ઉમેર્યું હતું.
પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ વર્ષાબેન દોશીએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ગોલ્ડન કાર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. પી.કે. પરમારે શાબ્દીક સ્વાગત, જ્યારે ડો. હરિશ વસેટીયને આભાર વિધી કરી હતી. આ તકે વડાપ્રધાનશ્રીના હસ્તે રાંચી ઝારખંડ ખાતેથી સમગ્ર દેશમાં શુભારંભ કરવામાં આવેલ આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાઈવ પ્રસારણને ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતુ.
આ કાર્યક્રમમાં લોકસભા સાંસદ શ્રી દેવજીભાઇ ફતેપરા, ધારાસભ્યશ્રી ધનજીભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષકુમાર બંસલ, મા યોજનાના ડાયરેકટર ર્ડા. જાની, અગ્રણી સર્વશ્રી દિલીપભાઇ પટેલ, જગદીશભાઇ મકવાણા, શંકરભાઇ વેગડ, જીજ્ઞાબેન પંડયા, અધિકારી પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહયાં હતા.