રાજકોટ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સુશાસન દિવસની ઉજવણી કરાઇ
૪૪૨ લાભાર્થીઓને રૂ. ૨.૪૬ કરોડની રકમના લાભોનું વિતરણ કરાયું
સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અટલ બિહારી બાજપાઈ હોલ ખાતે કરવામાં આવી હતી.
આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ લોકો આર્થિક રીતે સમૃદ્ધ બને તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, આ માટે વર્ષો પહેલા જ સરકારે ગરિબ કલ્યાણ મેળા શરૂ કર્યા હતા. તેમજ સરળતાથી લોકોને યોજનાકીય સહાય મળે તે માટે પણ સરળ પ્રક્રિયા સરકારે અમલી બનાવી છે. આ સહાયનો સદઉપયોગ કરી જરૂરિયાતવાળાનાગરિકોએ આર્થિક સ્વાવલંબન મેળવવું જોઈએ.
રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ કહ્યું હતું કે સુશાસન સપ્તાહમાં જરૂરિયાતમંદ લોકોને ગુજરાત સરકાર વિવિધ યોજનાકીય લાભ આપી રહી છે તે માટે હું રાજ્ય સરકારને અભિનંદન પાઠવું છું.
આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે કહ્યુ હતું કે વંચીત અને છેવાડાનો માનવી આગળ આવે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. ગરીબ કલ્યાણ મેળા એ તેનું ઉદાહરણ છે. સમાજનો સમાંતર વિકાસ થાય તે માટે સરકાર ઘરવિહોણા લોકોને મકાન આપી રહી છે, શૌચાલય વિહોણા લોકોને શૌચાલય બનાવવા સહાય કરે છે, રોજગારીની વિવિધ કિટનું વિતરણ કરે છે.
ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાએ કહ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમીતે સુશાસન સપ્તાહ રાજ્ય સરકાર ઉજવી રહી છે. જેમાં સરકારની વિવિધ લોકકલ્યાણલક્ષી યોજનાનો લાભ દરેક જરૂરિયાતમંદ માનવીને મળી રહ્યો છે.
આ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓ જેવી કે ડો. આંબેડકર આવાસ યોજના, કુંવરબાઈનું મામેરું યોજના, આંતરજ્ઞાતિય લગ્ન પ્રોત્સાહક યોજના, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ, પંડિત દિન દયાલ આવાસ યોજના, ગોપાલક વિકાસ નિગમ, કોળી ઠાકોર વિકાસ નિગમ, પછાત વર્ગ વિકાસ નિગમ, વિચરતી વિમુક્ત વિકાસ નિગમ, દિવ્યાંગ સાધન સહાય યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, પાલક માતા-પિતા યોજના, સરસ્વતી સાધના સાયકલ યોજના સહીત વિવિધ યોજના અંતર્ગત ૪૪૨ લાભાર્થીઓને રૂ. ૨ કરોડ ૪૬ લાખ ૫૮ હજારની રકમના લાભોનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કર્યા બાદ આદર્શ નિવાસી શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ સી.એન. મિશ્રાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. મહાનુભાવોને બંધારણીય પુસ્તિકા અર્પણ કરી આવકારાયા હતા. જિલ્લા નાયબ નિયામક, વિકસતી જાતિ એમ.એમ પંડ્યાએ રામપરા બેટી પાસે સરકારે વિચરતી જાતિના લોકો સ્થાયી બને તે માટે સરકાર દ્વારા બનાવાયેલા ૧૧૬ આવાસો, તેમજ ગુંદાળા ગામ ખાતે બની રહેલા ૧૬૦ આવાસો વિશેની માહિતી આપી હતી.
આ તકે લાભાર્થીઓ પોતાને મળેલ સરકારી યોજનાઓના લાભો અંગે પ્રતિભાવ રજૂ કર્યો હતો.
આ પ્રસંગે ડે.મેયર દર્શીતાબેન શાહ, જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન મોહનભાઇ દાફડા, કલેકટર અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નાયબ નિયામક, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ડી એમ સાવરીયા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ.એન ગોસ્વામી, મદદનીશ કમિશ્નર, આદિજાતિ વિકાસ એ.એસ.બવડ, મહિલા અને બાલ કલ્યાણ અધિકારી મિત્સુબેન વ્યાસ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.