જીંદગી એક સફર હૈ સુહાના…
મુસાફરી કરનાર રાજય સરકારની સાથો સાથ સહકારી ક્ષેત્ર, બેંક અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને પણ એલટીસી કેશ વાઉચરના લાભની સાથે આવકવેરામાંથી મુકિત મળશે
પ્રકાશનાં પર્વ દિવાળીને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે સરકારી કર્મચારીઓને લાભાન્વિત કરવા માટે નાણા મંત્રાલય અને કેન્દ્ર સરકાર દ્વારા અત્યંત મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. હાલ અત્યાર સુધી માત્ર કેન્દ્રનાં કર્મચારીઓને જ એલટીસી એટલે કે લીવ ટ્રાવેલ ક્ધસેશન આપવામાં આવતું હતું પરંતુ હવે તેનો સીધો જ લાભ રાજય સરકારનાં કર્મચારીઓ, પબ્લીક સેકટર એન્ટરપ્રાઈઝ, બેંક અને ખાનગી ક્ષેત્રોના કર્મચારીઓને પણ લાભાન્વિત કરવામાં આવશે. કેન્દ્ર સરકાર અને નાણા મંત્રાલય દ્વારા જે પગલું લેવામાં આવ્યું છે તેનાથી મુસાફરી કરનાર મુસાફરોને રૂ.૩૬ હજારથી પુરસ્કૃત કરવામાં આવશે. આ નિર્ણયને ધ્યાને લઈ નાણા મંત્રાલય દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં જે કોઈ મુસાફરોએ એલટીસીનો લાભ લીધેલ હોય તેઓને આવકવેરામાંથી મુકિત આપવામાં આવશે અને ૩૬ હજાર રૂપિયા સુધીની રકમને માફી અપાશે.
આવકવેરા વિભાગમાંથી મુસાફરોને એકઝમશન એટલે કે મુકિત મળે તે માટે સરકારે એલટીસી કેશ વાઉચર સ્કિમની અવધી લંબાવવામાં આવી છે. સરકારના અધિકૃત સુત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રનાં કર્મચારીઓની સાથે રાજયનાં અન્ય કર્મચારીઓને એલટીસી કેસ વાઉચરનો લાભ પહેલા મળવાપાત્ર ન હતો પરંતુ મુસાફરીને પ્રોત્સાહન મળી રહે તે માટે સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અત્યાર સુધી એલટીસીનો લાભ લેનાર કેન્દ્રના કર્મચારીઓને જ આવકવેરામાંથી મુકિત મળતી હતી પરંતુ તે લાભ હવે રાજય સરકારનાં કર્મચારીઓની સાથે જાહેર ક્ષેત્ર, બેંક તથા ખાનગી ક્ષેત્રને પણ મળવાપાત્ર રહેશે. જે કોઈ ખાનગી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો એલટીસીનો લાભ લેવા માંગતા હોય તો તેઓએ સંસ્થાના વડા સાથે આ અંગે ચર્ચા કરી ટેકસ ફ્રી કેસ એલાઉન્સ મેળવવા માટે અરજી પણ કરી શકે છે. સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ જે કોઈ મુસાફર એલટીસીનો લાભ લેશે તો તેઓને આવકવેરામાંથી ૩૬ હજાર રૂપિયા સુધીનો બાદ મળવાપાત્ર રહેશે. હાલ આ યોજના હવે રાજય સરકારનાં કર્મચારીઓ માટે પણ અમલી બનાવવામાં આવેલી છે.
સરકારની આ યોજનાને ધ્યાને લઈ ટેકસ એકસપોર્ટનું માનવું છે કે, જે કોઈ ખાનગી ક્ષેત્ર સાથે સંકળાયેલા કર્મચારીઓ હોય અને કોન્ટ્રાકટ સાઈન કરવા સમયે જો એલટીસી અંગેની માહિતી આપવામાં આવી હોય તો તેઓને લાભ મળવાપાત્ર રહેશે. સરકાર મુસાફરોની સાથોસાથ લોકોને ટેકસમાંથી મુકિત મળે તે માટે પણ પ્રયત્નો હાથ ધરી રહ્યું છે.
સરકાર દ્વારા લેવામાં આવેલા આ મહત્વપૂર્ણ નિર્ણયમાં આ મુખ્ય મુદ્દો એ છે કે આ યોજનાનો લાભ કોને અને કેવી રીતે મળી શકે છે જેમાં કોઈપણ કર્મચારી ૪ વર્ષમાં બે વખત એલટીસીની સુવિધાનો લાભ લઈ શકશે જેમાં સરકારી કર્મચારીઓ કે આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે તેઓને આ ખર્ચ ઉપર એક પણ પ્રકારનો ટેકસ ચુકવવો નહીં પડે. અત્યાર સુધી સરકારી કર્મચારીઓને જ એલટીસીનો લાભ મહતમ મળતો હતો પરંતુ હવે ખાનગી ક્ષેત્ર સાથે સંકળાયેલા કર્મચારીઓ પણ ૪ વર્ષમાં બે વખત એલટીસીનો લાભ લઈ શકશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આ યોજનામાં એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે એલટીસીની રકમથી ત્રણ ગણો જો ખર્ચ કરવામાં આવશે તો જ મુસાફરોને ટેકસમાંથી મુકિત મળી શકે છે અથવા તો એલટીસીથી મળવાપાત્ર રકમના ત્રણ ગણા કિંમતની ચીજવસ્તુઓ ખરીદવામાં આવે તો તેને આ યોજનાનો લાભ મહત્વપૂર્ણ રીતે મળી શકશે જેમાં મુસાફરો દ્વારા જે ચીજવસ્તુઓ ખરીદવામાં આવે તેનો જીએસટી દર ૧૨ ટકાથી વધુનો હોવો જોઈએ. વધુમાં એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે કર્મચારીઓએ ટેકસમાંથી બાદ મેળવવા માટે જીએસટીનું બીલ આપવું પણ એટલું જ ફરજીયાત છે તો બીજી તરફ આ તમામ ચીજવસ્તુઓ કે જેનાથી યાત્રિકો એટલે કે મુસાફરોને ટેકસમાંથી બાદ મળે તે તમામ ચીજવસ્તુઓ ૩૧ માર્ચ ૨૦૨૧ પહેલા જો ખરીદી કરવામાં આવી હોય તેઓને જ આનો લાભ મળી શકશે.
દેશની અર્થવ્યવસ્થાને વધુને વધુ મજબુત અને સુદ્રઢ બનાવવા માટે સરકાર દેશમાં તરલતા લાવવા માટે અનેકવિધ પ્રયત્નો હાથ ધરી રહ્યું છે ત્યારે એલટીસી કેશ વાઉચરનો નિર્ણય પણ મહદઅંશે તે જ દિશામાં લેવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે તેનાથી મળવાપાત્ર રકમથી ત્રણ ગણો ખર્ચ જો કરવામાં આવે તો તે રૂપિયો પુરતા પ્રમાણમાં બજારમાં ફરશે અને જે તરલતાની સમસ્યા હાલ ભારત દેશમાં જોવા મળી રહી છે તે સ્થિતિમાં પૂર્ણવિરામ મુકવામાં આવશે. દેશને આર્થિક રીતે વિકસિત કરવા માટે સરકાર દ્વારા અત્યંત મહત્વપૂર્ણ પગલાઓ લેવામાં આવી રહ્યા છે તેમાનું આ એક પગલું દેશની આર્થિક સ્થિતિને મજબુત બનાવવા માટે કારગત નિવડશે.